અમદાવાદ

અમદાવાદમાં 1000,00,00,000નું કૌભાંડ, CID ક્રાઈમે ચૂંટણી પંચને પત્ર લખ્યો, જાણો મામલો

છેલ્લા પાંચ વર્ષથી GST અને ઇનપુટ ક્રેડિટ ટેક્સને લઈને સરકાર સાથે છેતરપીંડી કરતા હોવાનું સામે આવ્યું છે. આ ઠગાઈ કેસમાં 200થી વધુ વેપારીઓ અને કંપનીઓની સંડોવણી ખુલી છે.

GST કૌભાંડ અને ઈનપુટ ટેક્સ ક્રેડિટ કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમે 2 શખ્સોની ધરપકડ કરી છે. ઉમંગ દરજી અને રવિ સોની નામના શખ્સોના રિમાન્ડ મેળવીને પૂછપરછ શરૂ કરી છે. બંને શખ્સોએ બોગસ પેઢી અને ખોટા બિલથી GST કૌભાંડ તેમજ રાજકીય પાર્ટીઓને ડોનેશન આપી 1 ટકા કમિશન મેળવી ઇનપુટ ક્રેડિટ ટેક્સ કૌભાંડ આચર્યાનુ ખુલ્યું છે.

GST અને ઈનપુટ ટેક્સ ક્રેડિટ કૌભાંડમાં ધરપકડ

છેલ્લા પાંચ વર્ષથી GST અને ઇનપુટ ક્રેડિટ ટેક્સને લઈને સરકાર સાથે છેતરપીંડી કરતા હોવાનું સામે આવ્યું છે. આ ઠગાઈ કેસમાં 200થી વધુ વેપારીઓ અને કંપનીઓની સંડોવણી ખુલી છે. બનાવટી પેઢીઓ અને નકલી બિલ દ્વારા GST કૌભાંડમાં CID ક્રાઈમે ટીમો બનાવીને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. CIDની તપાસમાં ભારતીય રાષ્ટ્રીય તંત્ર પાર્ટી, જનતા કોંગ્રેસ પાર્ટી મુંબઇ, સરદાર વલ્લભભાઇ પટેલ પાર્ટી, રાષ્ટ્રીય નાગરીક હક્ક પાર્ટી, એકજુટ અધિકાર પાર્ટી, આદર્શવાદી પાર્ટી લોકતાંત્રિક, ભારતીય રાષ્ટ્રીય તંત્ર પાર્ટી, અને ગુજરાત નવ નિર્માણ સેના નામની રાજકીય પાર્ટીઓના નામ ખૂલ્યા છે.

બંને કૌભાંડમાં 23 શખ્સો સામે તપાસ હાથ ધરી

આ રાજકીય પાર્ટીઓએ કોઈ ચૂંટણી લડી નહિ હોવાનું સામે આવ્યુ છે. આ કૌભાંડમાં ઉમંગ દરજી, રવિ સોનીની સાથે વિપુલ શાહ, ઝહીર મીઠાવાલા, કદન મુદલઇ, દિપક ઉર્ફે દિપુ ચોકસી, રેનિલ પારેખ, ધુલાભાઈ ઉર્ફે ભૂરાભાઈ વેદ, મહાવીરસિંહ પરમાર, વિજય ચૌહાણ અને પ્રદ્યુમનસિંહ ગોહિલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ છે. તમામ આરોપીઓએ બનાવટી પેઢીઓના નામે GST નંબર મેળવી સોનું, ચાંદી, સિમેન્ટ, અને સોફ્ટવેર ખરીદના ખોટા વ્યવહારો કરી કૌભાંડ આચર્યું છે. જ્યારે CID ક્રાઈમે રાજકીય પાર્ટીના રજિસ્ટ્રેશનને લઈને ચૂંટણી પંચને પત્ર લખી રજિસ્ટ્રેશન કોને કરાવ્યું અને ડોનેશનની પ્રક્રિયા કોણ હેન્ડલ કરે છે તે મુદ્દે તપાસ શરૂ કરી છે. અંદાજે 1 હજાર કરોડના કૌભાંડમાં 7 રાજકીય પાર્ટીઓ સહિત 23 શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધાયો છે.

Back to top button