અમદાવાદ

ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં થશે 2036ના ઓલિમ્પિકનું આયોજન: અમદાવાદમાં અમિત શાહ

વેજલપુરમાં સભા સંબોધતા તેમણે કહ્યું આપણા નરેન્દ્રભાઇએ દેશને સમૃદ્ધ કરવાનું કામ કર્યું છે. 11માં નંબર પર આપણું અર્થતંત્ર હતું. નરેન્દ્રભાઇએ જોતજોતામાં 11માં નંબર પરથી 5માં નંબર પર લાવવાનું કામ કર્યું છે

કાળઝાળ ગરમી વચ્ચે દેશભરમાં ચૂંટણીનો માહોલ પણ જામ્યો છે… ગાંધીનગર લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર અમિત શાહનો ભવ્ય રોડ શો આજે અમદાવાદમાં યોજાયો હતો. અમિત શાહે તેમના મતવિસ્તારમાં સમાવિષ્ટ થતી વિધાનસભા બેઠકો સાણંદ, કલોલ, સાબરમતી, ઘાટલોડીયા, નારણપુરા, વેજલપુરમાં ભવ્ય રોડ શો યોજ્યો હતો..  સાથેજ જંગી જાહેરસભાનું પણ આયોજન કરાયું હતું. આ રોડ શોમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ, પાર્ટીના નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યાં છે. રોડ શોમાં ઠેર-ઠેર અમિત શાહનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

ઢોલ નગારા સાથે ઠેર-ઠેર સ્વાગત 

સાણંદથી રોડશોની શરૂઆત કરી હતી. બપોરબાદ કલોલ,  સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરામાં રોડ શો કર્યો હતો, અને સાંજે વેજલપુરમાં રોડ શો કર્યો હતો.
કલોલમાં તેમના રોડ શોમાં જંગી જનમેદની ઉમટી પડી હતી. અમિત શાહે ઉપસ્થિત જનમેદનીનું અભિવાદન ઝિલ્યુ હતું.. રેલીના માર્ગ પર કેસરીયો માહોલ છવાયેલો જોવા મળ્યો હતો.  રેલીમાં જોડાનારા ભાજપના કાર્યકરોના કપાળે કમળનું તિલક કરવામાં આવ્યું હતું. ઢોલ નગારા સાથે તેમના રોડ શોનું ઠેર-ઠેર સ્વાગત કરાયુ હતું. રોડ શોના સમાપન બાદ તેમણે વેજલપુરમાં વિશાળ જાહેરસભા સંબોધી હતી.

તેમણે કહ્યું કે, નરેન્દ્રભાઇએ દેશને સમૃદ્ધ કરવાનું કામ કર્યું છે. 11માં નંબર પર આપણું અર્થતંત્ર હતું. નરેન્દ્રભાઇએ જોતજોતામાં 11માં નંબર પરથી 5માં નંબર પર લાવવાનું કામ કર્યું છે. તેમની ગેરેન્ટી છે ભાજપનું અર્થતંત્ર દુનિયામાં 3 નંબરે રહેશે. 80 કરોડ ગરીબોને ઘરમાં ગેસ, શૌચાલય, લાઇટ, ગેસનું કનેક્શન, પાંચ લાખ સુધીનો વીમો, નળથી જલ આપવાનું કામ નરેન્દ્રભાઇએ કર્યું છે. ગુજરાતની 26-26 બેઠકો ફરી એક વખત હેટ્રિક કરી નરેન્દ્ર મોદી સાહેબની ઝોળીમાં નાંખી દેવાની છે.

26-26 કમળ ખીલવવાના છે

તેમણે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા કહ્યું કે 7મી તારીખે ગુજરાતમાં મતદાન છે. 26-26 કમળ ખીલવવાના છે. વેજલપુરવાળા તૈયાર છો ને? નરેન્દ્રભાઇને ગુજરાત અને દેશની જનતાએ 10 વર્ષ શાસન કરવા માટે આપ્યા. આતંકવાદ, નકસલવાદ સમાપ્ત થયો કે ના થયો? કલમ 370 નાબૂદ થઇ કે ના થઇ? રામ મંદિર બન્યું કે ના બન્યું? કોમન સિવિલ કોડ આવ્યો કે ના આવ્યો? કોંગ્રેસ સાફ કરી કે ના કરી? આ બધુ થઇ ગયું, નરેન્દ્રભાઇએ દેશને સુરક્ષિત કરવાનું કામ કર્યું છે.

રોડ શોમાં અમિત શાહનો પરિવાર પણ જોડાયો

રાણીપના રોડ શોમાં અમિત શાહનો પરિવાર પણ જોડાયો હતો.. અમિત શાહના પત્ની અને પુત્ર જય શાહ પણ પ્રચારમાં જોડાયા હતા..બીજી તરફ પ્રભાત ચોકમાં રોડ શો પહેલા મહિલાઓના ગરબા યોજાયા હતા.. રોડ શો પહોંચે એ પહેલા મહિલાઓ ગરબે રમી હતી. કે. કે નગર રોડ પર મોટી સંખ્યા માં સ્થાનિકો અને કાર્યકર્તાઓ પહોંચ્યા હતા.. અમિત શાહનું ઘાટલોડીયા વિધાનસભા વિસ્તારમાં ભવ્ય સ્વાગત કરાયુ હતું  મહત્વપૂર્ણ છે કે અમિત શાહ આવતીકાલે એટલે કે 19 એપ્રિલે 12.39ના વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભરશે.

Back to top button