મધ્યપ્રદેશ

મ.પ્રદેશમાં ગેરકાયદે બાલિકા ગૃહમાંથી 26 સગીરા ગાયબ, એફઆઈઆર દાખલ

  • ગુજરાત, ઝારખંડ, રાજસ્થાનથી છોકરીઓ લવાઈ હોવાનો દાવો
  • બાલિકા ગૃહમાંથી ગાયબ 26 માંથી 12 છોકરીઓ પોતાના ઘરમાંથી મળી, બેદરકારી બદલ બે અધિકારીને સસ્પેન્ડ કરાયા
  • એનજીઓના સંચાલક મેથ્યુ દ્વારા હિન્દુ છોકરીઓને રસ્તા પરથી બચાવી લવાઈ હતી, મિશનરી સંસ્થા પર ધર્માંતરણનો આક્ષેપ

મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલમાં ગેરકાયદે બાલિકા ગૃહમાંથી ૨૬ બાળકીઓ ગાયબ થઈ ગઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ બાળકીઓને ગુજરાત, ઝારખંડ, રાજસ્થાન, મધ્ય પ્રદેશના સિહોર, રાયસેન, છિંદવાડાથી લવાઈ હતી. કોઈપણ મંજૂરી વિના ગેરકાયદે રીતે બાલિકા ગૃહ ચલાવવા બદલ પોલીસે સંચાલક અનિલ મેથ્યુ વિરુદ્ધ એફઆઈઆર નોંધીને તપાસ હાથ ધરી છે. રાષ્ટ્રીય બાળ આયોગના અધ્યક્ષ પ્રિયંક કાનૂનગોએ આ કેસમાં મધ્ય પ્રદેશ પોલીસને પત્ર લખી જવાબ માગ્યો છે.

ભોપાલના પરવલિયા પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં ગેરકાયદે રીતે બાલિકા ગૃહ ચલાવવામાં આવતું હતું. ભોપાલમાં એક ખાનગી એનજીઓ આંચલ મિશનરીની હોસ્ટેલમાંથી બાળકીઓ ગાયબ થઈ હોવાનું સામે આવ્યા પછી વિવાદ સર્જાયો છે. હકીકતમાં રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ પંચના અધ્યક્ષ પ્રિયાંક કાનૂનગોએ ભોપાલના બહારના વિસ્તાર પરવલિયામાં ચાલતા આંચલ બાલિકા ગૃહની અચાનક મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે રજિસ્ટર તપાસ્યું તો જણાયું કે, તેમાં ૬૮ બાળકીઓની એન્ટ્રી હતી, પરંતુ બાલિકા ગૃહમાંથી ૨૬ બાળકીઓ ગાયબ હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુમ થઈ ગયેલી ૨૬ બાળકીઓમાંથી ૧૨ તેમના ઘરોમાંથી મળી છે. બીજીબાજુ બેદરકારી બદલ બે અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા છે તથા બે અધિકારીને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે. બાલિકા ગૃહમાંથી ૪૧ છોકરીઓને રજિસ્ટર્ડ બાળ ગૃહમાં શિફ્ટ કરવામાં આવી છે. બાળ વિકાસ પંચે કહ્યું કે, બાલિકાગૃહ રજિસ્ટર્ડ નહોતું. સાથે જ અહીં જે બાળકીઓને બચાવીને લવાઈ હતી, તેની માહિતી સીડબલ્યુસીને અપાઈ નહોતી.ચિલ્ડ્રન હોમનો સંચાલક અનિલ મેથ્યુને ગાયબ બાળકીઓ અંગે પૂછપરછ કરવામાં આવતા તે સંતોષજનક જવાબ આપી શક્યો નહોતો. ત્યાર પછી પોલીસને જાણ કરાઈ હતી. એફઆઈઆર મુજબ બાલિકાઓ માટે સંચાલિત આ ચિલ્ડ્રન હોમમાં અનેક ગેરરીતિઓ સામે આવી છે. રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ પંચના અધ્યક્ષ પ્રિયાંક કાનૂનગોએ ટ્વીટ કરીને કહ્યું કે, ભોપાલમાં રાજ્ય બાળ પંચના અધ્યક્ષ અને સભ્યો સાથે સંયુક્તરૂપે એક મિશનરી દ્વારા સંચાલિત ગેરકાયદે બાળ ગૃહનું નિરીક્ષણ કર્યું હતું. એક એનજીઓ દ્વારા રસ્તા પરથી બાળકીઓને બચાવીને રખાતી હતી. તેની માહિતી સરકારને આપ્યા વિના અને લાયસન્સ લીધા વિના ગુપચુપ રીતે બાલિકા ગૃહ ચલાવવામાં આવતું હતું અને અહીં ખ્રિસ્તી ધાર્મિક પ્રેક્ટિસ કરાવાતી હતી. આ મિશનરી સંસ્થા પર ધર્માંતરણનો આક્ષેપ કરાયો છે. આ બાલિકા ગૃહમાં ૬ વર્ષથી ૧૮ વર્ષની ૪૦થી વધુ છોકરીઓમાંથી મોટાભાગની હિન્દુ છે.

આ ઘટના સામે આવ્યા પછી મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ટ્વિટર પર લખ્યું કે, ભોપાલના પરવલિયા પોલીસ સ્ટેશનમાં મંજૂરિ વિના સંચાલિત બાળ ગૃહમાંથી ૨૬ બાળકીઓ ગાયબ થઈ હોવાની બાબત મારા ધ્યાનમાં આવી છે. આ બાબતની ગંભીરતા અને સંવેદનશીલતાને જોતા સરકારે આ કેસમાં તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button