નર્મદા

ડેડીયાપાડામાં વીજળી પડવાથી 4 લોકોના મોત, 2 ઘાયલ

દાભવણમાં 2 અને કુકરદા ગામે 2 લોકોના મૃત્યુ

નર્મદા જિલ્લામાં ગત સાંજના 6 વાગ્યાથી વાતાવરણમાં પલટો આવવાની શરૂઆત થઈ હતી. અસહ્ય ગરમી વચ્ચે અચાનક પવનના સુસવાટા અને વિજળીના કડાકા સાથે શરૂઆતમાં વાવાઝોડું ફૂંકાયું હતું અને એ બાદ ધોધમાર વરસાદ ચાલું થયો હતો. આ તમામની વચ્ચે વિજળી પડવાથી ડેડીયાપાડાના દાભવણમાં 2 અને કુકરદા ગામે 2 લોકોના મૃત્યુ થયા હતા. જ્યારે ગંભીર રીતે ઘાયલ બે લોકોને સારવાર અર્થે લઈ જવાયા હતા.

નર્મદા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદી આંકડા પર નજર કરીએ તો સાંજના 6 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધીમાં ડેડીયાપાડામાં 02 મીમી, નાંદોદમાં 02 મીમી, તિલકવાડામાં 27 મીમી અને ગરૂડેશ્વરમાં 38 મીમી વરસાદ નોંધાયો છે. આમ નર્મદા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં 2 કલાકમાં સરેરાશ 13.8 મીમી કમોસમી વરસાદ નોંધાયો હતો.

નર્મદા જિલ્લામાં ભારે પવનના સૂસવાટા સાથે પડેલાં વરસાદને પગલે અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો હતો. તો કેટલાંક વિસ્તારોમાં કાચા મકાનના છાપરાઓ ઉડવાની ઘટના પણ સામે આવી હતી. આ કમોસમી વરસાદને પગલે દેડીયાપાડા અને સાગબારા વિસ્તારમાં ભારે નુક્શાન પહોચ્યું હોવાના એહવાલ છે.

બીજી બાજુ ડેડીયાપાડાના કુકરદા ગામે 74 વર્ષીય વૃદ્ધ હિરાભાઈ જેઠાભાઈ વસાવા અને 54 વર્ષીય ભુપેન્દ્રભાઈ ડુંગરભાઈ વસાવાનું અને દાભવણ ગામમાં માસૂમ 14 વર્ષીય દિલશાન જેંતીભાઈ વસાવા અને 11 વર્ષીય નૈતિક રાજેશ વસાવાનું મૃત્યુ થયું છે. જ્યારે 11 વર્ષીય નીલમ જેંતીભાઈ વસાવા તથા 11 વર્ષીય અમિત ગણપત વસાવા વીજળી પડવાથી ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા. એ ગંભીર ઇજાગ્રસ્તોને નજીકના દવાખાને સારવાર અર્થ લઈ જવાયા હતા.

Related Articles

Back to top button