બારડોલીરાજનીતિ

સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખની કાર્ય પદ્ધતિથી કાર્યકરો નારાજ, 40ના સામૂહિક રાજીનામાં

બારડોલી કોંગ્રેસ સંગઠન પ્રમુખની જાણ બહાર જ નવા પ્રમુખની નિમણૂકથી વિવાદ, પ્રમુખને બરતરફ કરવા માંગ

સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનહર પટેલ સામે બારડોલી તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો સહિત કાર્યકરોએ બળવો પોકાર્યો છે. હોદ્દેદારોની જાણ બહાર બારડોલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ કિરણ પટેલની જગ્યાએ કાર્યકારી પ્રમુખ તરીકે ડૉ. અનુપ વ્યાસની વરણી કરવામાં આવતા કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

બારડોલી તાલુકાના હોદ્દેદારો સહિત 40 જેટલા કાર્યકરોએ આજે સામૂહિક રાજીનામા આપી દીધા હતા. ઉપરાંત મનહર પટેલને હોદ્દા પરથી દૂર કરવામાં ન આવે તો પ્રાથમિક સભ્ય પદેથી પણ રાજીનામુ આપવાની ચીમકી ઉચ્ચારી હતી. કડોદમાં મળેલી બારડોલી તાલુકા કોંગ્રેસ સમિતિની મિટિંગમાં તાલુકા પ્રમુખ કિરણ પટેલ તેમજ અન્ય હોદ્દેદારોની જાણ બહાર અને એજન્ડા ન હોવા છતાં કાર્યકારી પ્રમુખ તરીકે ડૉ. અનુપ વ્યાસની વરણી કરી દેવામાં આવી હતી. આ વરણી બાદથી બારડોલી તાલુકા કોંગ્રેસમાં ભડકો થયો હતો અને હોદ્દેદારોમાં ભારે નારાજગી સાથે રોષ પ્રવર્તી રહ્યો હતો. તેમનો આરોપ છે કે જિલ્લા પ્રમુખ મનહર પટેલ તેમની મનમરજી મુજબ વર્તતા આવ્યા છે અને કાર્યક્રમ અંગે બારડોલી તાલુકા પ્રમુખને કોઈ જાણ ન કરી તેમની સતત અવગણના કરવામાં આવતી હતી.

આથી નારાજ હોદ્દેદારોએ ગુજરાત પ્રદેશ અધ્યક્ષને સંબોધીને તેમના હોદ્દા પરથી સામૂહિક રાજીનામાં આપી દીધા છે. જેમાં મહામંત્રી વિજય વાઘેલા, જયેશ હળપતિ, ઉપપ્રમુખ ભાવિક પટેલ સહિતના હોદ્દેદારો અને કાર્યકરો મળી કુલ 40 લોકોએ હોદ્દા પરથી રાજીનામુ આપી દીધું છે. સાથે ચીમકી પણ આપી છે કે પંદર દિવસમાં જિલ્લા પ્રમુખ મનહર પટેલને બરતરફ કરવામાં નહીં આવે તો તેઓ પ્રાથમિક સભ્ય પદેથી પણ રાજીનામા આપી દેશે. એક સાથે 40 જેટલા હોદ્દેદારોના રાજીનામા પડતાં જિલ્લા કોંગ્રેસનું રાજકારણ ગરમાય ગયું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button