નર્મદા

ઉમરપાડા તાલુકાનાં ઊંચવાણ ગામે થયેલા ડબલ મર્ડરના આરોપીને 6 દિનના રિમાન્ડ

ઉમરપાડા તાલુકાનાં ઊંચવાણ ગામે થયેલા ડબલ મર્ડર પ્રકરણમાં પકડાયેલા ત્રણ આરોપીને કોર્ટમાં રજૂ કરી પોલીસે 6 દિવસના રિમાન્ડ મંજૂર કરાવ્યા હતા.ગત 10મી જૂનના રોજ સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતા બિલાલ ઉર્ફે ચાંદી જમીલ સૈયદ તેમજ અઝરૂદ્દીન ઉર્ફે અજજુ કાદર શેખની ઊંચવાણ ગામે કબ્રસ્તાનમાંથી હત્યા કરાયેલી લાશ મળી આવવાના પ્રકરણમાં બિલાલની સોપારી આપનાર ખુર્શીદ અલી મુનવર અલી સૈયદ તેમજ તેનો જમાઈ મોહમદ અસલમ હાજી અબ્દુલ શેખ (ઉ.વ.34) ઉપરાંત કૌશિકભાઈ પ્રતાપભાઈ વસાવાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરતાં કોર્ટે આગામી 6 દિવસ સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.

પોલીસે આરોપીના રિમાન્ડ માટે કોર્ટ સમક્ષ દલીલ કરતાં જણાવ્યુ હતું કે, બંનેની હત્યા કરનાર મુખ્ય આરોપી અફઝલ તેમજ હત્યામાં સામેલ અફઝલનો સાગરીત પ્રજ્ઞેશ ગામિતની ધરપકડ બાકી છે. આ ઉપરાંત બિલાલ તેમજ અઝરૂદ્દીનને સુરતથી ઊંચવાણ સુધી જે ઇકો કારમાં લાવ્યા હતા તેની રિકવરી પણ બાકી હોવાથી કોર્ટે આગામી 18મી જૂન સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હતા.

સોપારી આપનાર ખુર્શીદના મોબાઇલમાંથી પોલીસને મજબૂત પુરાવા મળ્યા છે. બિલાલની હત્યા બાદ અફઝલે જે વિડીયો કોલ કરી બિલાલનો મૃતદેહ બતાવ્યો હતો તેના ખુર્શીદે સ્ક્રીન શોર્ટ લીધા હતા અને આ તમામ પુરાવા તેણે એક વાર ડિલીટ કર્યા હતા. પરંતુ રીસાઇકલ બિનમાંથી તેમના ડેટા ડિલીટ નહીં કરતાં પોલીસને મજબૂત પુરાવા મળી આવ્યા છે.

હત્યા સમયે હાજર બંને આરોપી હજી પણ પોલીસ પકડની બહાર

પોલીસ સમગ્ર પ્રકરણમાં અફઝલની ધરપકડ બાદ જ આ હત્યાના ગુનામાં અન્ય કોઇની સંડોવણી છે કે કેમ એ બહાર આવી શકે એમ છે. કારણકે બિલાલની હત્યા કરી ત્યારે માત્ર અફઝલ અને પ્રજ્ઞેશ અને અઝરૂદ્દીનની હાજરી હતી. જ્યારે કૌશિક વસાવા માત્ર હત્યા બાદ દેખરેખ માટે આવ્યો હતો. હવે હત્યા સમયે અઝરૂદ્દીન, અફઝલ અને પ્રજ્ઞેશ સિવાય કોઈ હતું કે કેમ તે હકીકત જાણી શકાય તેમ નથી. કારણકે 8મીના રોજ રાત્રે બિલાલની હત્યા કર્યા બાદ 9મીના રોજ અઝરૂદ્દીનની હત્યા કરી દેવામાં આવી હતી. હત્યા સમયે હાજર બંને આરોપી પોલીસ પકડની બહાર છે.

Related Articles

Back to top button