નર્મદા

કણબીપીઠાથી દેવમોગરા જવાના રસ્તે વાહનોની કતાર લાગી જતાં હજારો લોકો ગરમીમાં શેકાયાં

સાગબારાથી દેડિયાપાડા વચ્ચે નેશનલ હાઇવે પર કણબીપીઠા પાસે ટ્રાફિકજામના લીધે 8 કિમી સુધી વાહનોની કતાર લાગી ગઇ હતી. દેવ મોગરા તરફ જતાં વાહનોના નિયંત્રણ માટે ટ્રાફિક પોલીસના જવાનો હાજર રહેતાં નહિ હોવાથી ટ્રાફિકજામ થઇ રહયો હોવાની ફરિયાદ ઉઠી છે. દેવમોગરા ખાતે હજારોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે ત્યારે દેવમોગરા જવા માટે જ્યાથી વળવાનું છે તે કણબીપીઠા ત્રણ રસ્તા પાસે ટ્રાફિકજામ થઇ ગયો હતો. સાગબારાથી દેડિયાપાડા તરફ એક કિમી જયારે કણબીપીઠાથી દેવમોગરા તરફ જવાના રસ્તે 7 થી 8 કીમી લાંબો ટ્રાફિકજામ જોવા મળ્યો હતો.

ઘટના સ્થળે બે જેટલા હોમગાર્ડના જવાનો હાજર હતા તેમ છતાં ટ્રાફિક હળવો કરવાની જગ્યાએ ત્યાંથી તેઓ નીકળી ગયા હતા તેમ લોકોએ જણાવ્યું હતું. દર રવિવારે દેવમોગરા ખાતે હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવતાં હોય છે. દેવમોગરા આદિવાસી સમાજ માટે મહત્વનું યાત્રાધામ હોવાથી દેશભરમાંથી શ્રધ્ધાળુઓ આવતાં હોય છે જેના કારણે વાહનોની સંખ્યા વધારે રહે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રથી દક્ષિણ ભારત તરફ જતી અને આવતી ટ્રકો પણ આ માર્ગનો ઉપયોગ કરે છે ત્યારે ટ્રાફિકજામને રોકવા માટે પોલીસ સુચારૂ નિયંત્રણ વ્યવસ્થા ગોઠવે તેવી સ્થાનિકોએ માંગણી પણ કરી છે.

પોલીસ તરફથી કાર્યવાહી કરવામાં આવતી નથી

દર રવિવારે દેવમોગરા ખાતે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે. જેને પગલે ઉમરપાડા, ડેડીયાપાડા અને સાગબારા આમ ત્રણેય બાજુના રસ્તે ભારે ટ્રાફિક રહેતો હોય છે છતાં પોલીસ વિભાગ તરફથી કોઈજ પગલાં લેવામાં આવતા નથી.દેવમોગરા ખાતે પણ વાહનોને કારણે ભારે ટ્રાફિક સમસ્યા સર્જાય છે.તેમાં પણ ખાસ કરીને સ્પોટર્સ બાઇકો લઇને આવતાં યુવાનો બેજવાબદાર રીતે બાઇકો હંકારી રહયાં છે જેના કારણે પણ ટ્રાફિકજામ થઇ રહયો છે.

Related Articles

Back to top button