માંગરોળ

વાંકલ-મોસાલી મુખ્ય માર્ગ પર ગમખ્વાર અકસ્માત

ટ્રકચાલકે બળદગાડાઓને અડફેટમાં લીધા; ઘટના સ્થળે ત્રણ બળદો અને એક ગાડા ચાલક ખેડૂતનું કમકમાટી ભર્યું મોત

માંગરોળ તાલુકાના મોસાલી વાંકલ મુખ્ય માર્ગ પર આંબાવાડી ગામની સીમમાં બેફામ દોડતા ટ્રક ડમ્પરના ચાલકે પાછળથી બે બળદ ગાડાને અડફેટે લઈ કચ્ચરઘાણ વાળી દીધો હતો. આ અકસ્માતની ઘટનામાં ત્રણ બળદો અને એક ગાડાનો ચાલક ખેડૂતનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે ગાંડામાં સવાર ત્રણ ખેડૂતો અને એક બળદને ઇજાઓ થઈ છે. ગમખ્વાર અકસ્માત સર્જી ટ્રક ડમ્પરનો ચાલક ફરાર થઈ ગયો છે. પરંતુ અકસ્માત સર્જનાર વાહનની ઓળખ થતા ટ્રક નંબર GJ16 AW 5004ના ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો છે. આ અકસ્માતની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

પ્રાપ્ત માહિતી મુજબ નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના રોજઘાટ ગામના ચંદ્રસિંહ અમરસિંહ વસાવા અને રામજીભાઈ કાથુડીયાભાઇ વસાવા, તેમનો પુત્ર શંકરભાઈ વસાવા અન્ય ખેડૂતો સાથે પોતાના બળદગાડા લઈ થોડા સમય પહેલા માંગરોળ તાલુકાના કઠવાડા ગામે મજુરી કામ કરવા આવ્યા હતા. મજૂરી કામ પૂર્ણ થતા ત્રણ બળદગાડા મારફતે પોતાના વતનના ગામે જઈ રહ્યા હતા. તે દરમિયાન મોડી રાત્રે વાંકલ-મોસાલી વચ્ચેના રાજ્ય ધોરી માર્ગ પર આંબાવાડી ગામથી ધોળીકુઈ પાટીયા વચ્ચે મોસાલીથી પુરપાટ ઝડપે આવી રહેલ ટ્રકે બળદગાડાને અડફેટે લીધા હતા. આ ગમખ્વાર અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો.

આ અકસ્માતમાં બંને ગાડા માર્ગ ઉપર ચપ્પટ કરી નાખ્યા હતા. જ્યારે ગાડાનો ચાલક ખેડૂત રામજીભાઈ વસાવાનું મોત નીપજ્યું હતું. તેમજ ચંદ્રસિગ વસાવા અને ફરિયાદી શંકર વસાવાને ઇજાઓ થઈ હતી. ત્રણ બળદના ઘટના સ્થળે મોત થયા હતા. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરાઈ છે.

અકસ્માતમાં બેફામ બનેલા ટ્રક ચાલકે એક બળદને 1 કિલોમીટર સુધી રોડ પર ઘસડી જતા બળદનું મોત નીપજાવ્યું હતું. ટ્રક ડમ્પર નંબર GJ 16 AW 5004ના ચાલક વિરૂદ્ધ મૃત્યુ પામનારના પુત્ર અને અકસ્માતમાં ચમત્કારિક રીતે ઓછી ઇજાઓ સાથે બચેલા શંકરભાઈ રામજીભાઈ વસાવાએ ફરિયાદ આપતા માંગરોળ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

વાંકલ – ઝંખવાવ મોસાલી મુખ્ય માર્ગ ઉપર અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે. ત્યારે પોલીસ તંત્ર અને સરકારી તંત્ર બેફામ વાહનો હંકારનાર ટ્રક ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરે એ જરૂરી બન્યું છે. અકસ્માતની ઘટનામાં માંડ માંડ ખેતમજૂરી કરીને પોતાનું અને પરિવારના પેટનો ખાડો પૂરતા સામાન્ય ગરીબ આદિવાસી ખેડૂત ખેત મજૂર પરિવારના માથે મુશ્કેલીનું આભ તૂટી પડ્યું છે. ત્યારે આ ગરીબ પરિવારને યોગ્ય ન્યાય સાથે આર્થિક સહયોગ મળે એજ સમયની માંગ છે.

Related Articles

Back to top button