માંડવી

દ. ગુજરાતનાં જંગલોમાંથી ‘પુષ્પા’ સ્ટાઈલમાં 4 વર્ષથી ચાલતું ખેરનાં લાકડાં ચોરી કરવાના રેકેટનો પર્દાફાશ

5 કરોડનાં લાકડાં સગેવગે કર્યો છતાં ગુજરાતના એકપણ DFO કે તેમની નીચેના કર્મચારીઓને ભનક સુદ્ધાં આવી નથી! રેલો છેક MP પહોંચ્યો

પુષ્પા ફિલ્મ સ્ટાઈલથી લાકડા ચોરી કરવાનું મસમોટું રેકેટ સુરત વન વિભાગના માંડવી દક્ષિણ રેન્જે ઝડપી પાડ્યું છે. માત્ર સુરત જ નહીં, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, નર્મદા, દાહોદ, ભરૂચ જિલ્લાના જંગલમાંથી અનામત કેટેગરીમાં આવતા ખેરના ઝાડ કાપી લાકડાં સગેવગે કરવાના મસમોટા રેકેટનો પર્દાફાશ થયો છે. સુરત વન વિભાગના માંડવી દક્ષિણ રેન્જે પાસ પરમિટ વગર પસાર કરાતા ખેરનાં લાકડાં ભરેલી ટ્રક ઝડપી પાડી હતી. આ ટ્રકના ડ્રાઈવરની પૂછપરછના આધારે મધ્યપ્રદેશના અલીરાજપુરમાં દરોડા પાડી ત્યાં સંગ્રહ કરાયેલું 5.13 કરોડ રૂપિયાની કિંમતનું 2055 મેટ્રિક ટન ખેરનું લાકડું જપ્ત કર્યું હતું. આ ઉપરાંત ચોરી કરાયેલા ખેરનાં લાકડાંનો સંગ્રહ કરનાર ડેપો મેનેજરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મધ્યપ્રદેશના અલીરાજપુરમાં દરોડા પાડ્યા

ગત 16 જૂનના રોજ ખેરનાં લાકડાં ભરેલી ટ્રક વન વિભાગના અધિકારીઓએ ઝડપી હતી. ટ્રક ડ્રાઈવરની પૂછપરછ કરાતા તેણે ખેરનું લાકડું મધ્યપ્રદેશના અલીરાજપુર લઈ જવાતું હોવાનું જણાવ્યું હતું. આ સાથે જ વીતેલા ચાર વર્ષથી આ વેપલો કરી રહ્યો હોવાનું જણાવતા વન વિભાગના અધિકારીઓએ મધ્યપ્રદેશના અલીરાજપુરમાં દરોડા પાડ્યા હતા. જ્યાંથી તેઓને 2055 મેટ્રિક ટન લાકડું સંગ્રહ કરેલું મળી આવ્યું હતું. જેની બજાર કિંમત 5.13 કરોડ રૂપિયા થાય છે.

લાકડાં જપ્ત કરી ડેપો મેનેજરની ધરપકડ

વન વિભાગે લાકડાં જપ્ત કરી ડેપો મેનેજર આરિફઅલી અમજલઅલી મકરાની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેની સામે લાકડાં ચોરીના ગુનાની સાથે વન્ય પ્રાણી એક્ટ હેઠળ પણ ગુનો નોંધવામાં આવ્યો છે. તેની સામે ગુનો નોંધી કોર્ટમાં રજૂ કરાતા તેના જામીન નામંજૂર કરાયા હતા. બીજી તરફ આરિફઅલી મકરાની સાથે ખેરનાં લાકડાં ચોરી પ્રકરણમાં કોણ કોણ સંડોવાયેલું છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે.

અધિકારીઓના પગ તળેથી જમીન સરકી ગઈ

16 જૂનના રોજ સુરત જિલ્લાના માંડવી દક્ષિણ રેન્જના કાર્યક્ષેત્ર વિસ્તારમાંથી વહેલી સવારે GJ-31-T-7013 નંબરની લાકડાં ભરેલી ટ્રક ઝડપાઇ હતી. આ ટૂંકમાં તપાસ કરતા તેમાંથી ખેરનાં લાકડાં મળી આવ્યાં હતાં. ટ્રક ભરીને અનામત વૃક્ષ ખેરનાં લાકડાં મળતાં વન વિભાગના અધિકારીઓ ચોંકી ઊઠ્યા હતા. તેમની પાસેથી કોઈપણ પ્રકારની પાસ-પરમિટ નહીં મળતાં મામલો ગંભીર જણાયો હતો. ટ્રક ડ્રાઈવરની પૂછપરછ કરતા તેણે આપેલા જવાબથી વન વિભાગના અધિકારીઓના પગતળેથી જમીન સરકી ગઈ હતી. દક્ષિણ ગુજરાતમાંથી ખેરનું લાકડું મધ્યપ્રદેશના અલીરાજપુર લઈ જઈ ત્યાંથી સમગ્ર વહીવટ કરાતો હોવાનું સામે આવ્યું હતું. ડ્રાઈવરની કબૂલાતને આધારે અલીરાજપુરમાં તપાસ કરતા સમગ્ર રેકેટ પરથી પડદો ઊંચકાયો હતો.

કરોડો રૂપિયાની કિંમતનાં ખેરનાં ઝાડ કાપી બારોબાર વેચી દીધાં

અનામત એવા ખેરનાં લાકડાં ચોરીનું ભોપાળું વીતેલાં ચાર વર્ષથી ધમધમી રહ્યું હોવાનું વન વિભાગના અધિકારીઓની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. હવે સપ્તાહ પહેલાં વન વિભાગની ટીમે પાડેલા દરોડામાં મધ્યપ્રદેશના ડેપોમાંથી 5.13 કરોડની કિંમતનું 2055 મેટ્રિક ટન લાકડું મળી આવ્યું હતું. તો પછી વીતેલાં ચાર વર્ષમાં લાકડાચોરોએ કરોડો રૂપિયાની કિંમતના ખેરનાં ઝાડ કાપી બારોબાર લાકડાં વેચી દીધાં હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. હાલ તો લાકડાચોરોએ ચાર વર્ષમાં કેટલું લાકડું વેચ્યું તેનો તાગ મેળવવાની દિશામાં તપાસ ચાલી રહી છે.

વન વિભાગના અધિકારીઓ ઊંઘતા ઝડપાયા

પુષ્પા સ્ટાઈલથી વીતેલાં ચાર વર્ષથી સુરત, તાપી, નવસારી, વલસાડ, નર્મદા, દાહોદ, ભરૂચ સહિતના જિલ્લાનાં જંગલોમાંથી ખેરના ઝાડનો ખાતમો બોલાવી રહ્યા હતા. અલગ અલગ વિસ્તારનાં જંગલોમાંથી ખેરનાં ઝાડ કાપી ટ્રક મારફતે મધ્યપ્રદેશના અલીરાજપુર સુધી લઈ જવામાં આવતું હતું. હવે મધ્યપ્રદેશ સુધી દક્ષિણ ગુજરાતના અલગ અલગ રસ્તાઓ પરથી ગેરકાયદે લાકડું ભરેલી ટ્રક પસાર થતી રહી હતી. આમ છતાં દક્ષિણ ગુજરાતના એકપણ DFO કે તેમની નીચેના કર્મચારીઓને ભનક સુદ્ધાં આવી નથી. બીજા શબ્દોમાં કહીએ તો ચાર વર્ષથી ચાલતા લાકડાં ચોરીકાંડમાં વન વિભાગના અધિકારીઓ ઊંઘતા ઝડપાયા છે.

Related Articles

Back to top button