ગુનોમહુવાશિક્ષણ

કરચેલિયામાં ગજબની સ્કૂલ, વિદ્યાર્થી ધો.10માં નાપાસ, છતાં 11મું પાસ કરી ગયો!

મહુવાના કરચેલિયા ગામે અભ્યાસ કરતો સામાન્ય પરિવારના દીકરાએ ધો.૧૦માં નાપાસ થયા બાદ અજાણતામાં નિર્દોષ ભાવે ધો.૧૧માં એડમિશન માટે ફોર્મ ભર્યું હતું અને ધો.૧૧ પાસ પણ કરી દીધું હતું, પરંતુ ધો.૧૨નું એચએસસીનું ફોર્મ ભરતી વેળા ધો.૧૦ની માર્કશીટ જોડાણ કરવા જતાં ફોર્મ નહીં ભરાતાં વાસ્તવિકતા બહાર આવી હતી. સાથોસાથ વિદ્યાર્થીનું એક વર્ષ તો બગડ્યું જ, પણ શાળાની ગંભીર બેદરકારી સામે આવી છે.

પ્રાપ્ત વિગત મુજબ શિક્ષણ વિભાગમાં અનેક ગંભીર બેદરકારીના નમૂના બહાર આવી રહ્યા છે. ત્યારે મહુવા તાલુકાના કરચેલિયાની બી.બી.સાર્વજનિક હાઈસ્કૂલના વહીવટનો મોટો છબરડો પ્રકાશમાં આવ્યો છે. વિગત એવી છે કે, મહુવાના બારતાડ ગામે રહેતા વિદ્યાર્થી ગરીબ પરિવારના વિદ્યાર્થીએ બી.બી.સાર્વજનિક હાઈસ્કૂલમાં ધોરણ-૧૦માં અભ્યાસ કર્યો હતો, જેમાં તે એસએસસીની પરીક્ષામાં બે વિષયમાં નાપાસ થયો હતો.

જો કે, પોતે નાપાસ હોવાની ‘નાસમજ’ના લીધે વિદ્યાર્થીએ નિર્દોષ ભાવે શાળામાં ધો.૧૧માં સામાન્ય પ્રવાહમાં પ્રવેશ માટે ફોર્મ ભરી દીધું હતું. અને હદ તો ત્યારે થઈ કે શાળાના વહીવટી વિભાગ દ્વારા તેનું ફોર્મ ચકાસી મંજૂર પણ કરી દેવામાં આવ્યું હતું. આટલું ઓછું હોય એમ આ વિદ્યાર્થીએ ધો.૧૧માં અભ્યાસ કર્યો ને પાસ પણ થઈ ગયો હતો.

અંતે આ સમગ્ર પ્રકરણ પરથી પડદો ઊંચકાયો હતો. વિદ્યાર્થીએ ધોરણ-૧૨માં પ્રવેશની સાથે દિવાળી સુધી એક સત્ર અભ્યાસ કર્યો હતો. એ દરમિયાન દિવાળી વેકેશનમાં એચ.એસ.સી. બોર્ડની પરીક્ષા માટે શાળા દ્વારા ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ કરાતાં જ વિદ્યાર્થી ધોરણ-૧૦માં નાપાસ હોવાનું બહાર આવ્યું હતું. તેનું ફોર્મ સબમિટ ન થતાં શાળાની બેદરકારી બહાર આવી હતી. વિદ્યાર્થીને એક વર્ષ બગડવાનું દુઃખ લાગે એ સ્વાભાવિક જ છે.

દિવાળી બાદ વિદ્યાર્થીને શાળામાં બેસવા ન દીધો
શાળામાં વિદ્યાર્થી દિવાળી બાદ આવતાં તેને શિક્ષકોએ બેસવા ન દઈ ઘરે મોકલી આપતાં સમગ્ર હકીકત બહાર આવી હતી. હાલ તો સુરત જિલ્લાનું શિક્ષણ તંત્ર આ ગંભીર બેદરકારી બાબતે શાળા સામે દાખલારૂપ કડક કાર્યવાહી કરશે કે પછી નીરસ વલણ અપનાવી અન્ય શાળાઓને આવી ગંભીર બેદરકારી કરવા પ્રોત્સાહિત કરશે એ જોવું રહ્યું.

મેં કોઈ ડોક્યુમેન્ટ જોયાં નથી, ભૂલ હશે એ શિક્ષકને નોટિસ અપાશે
હાલ હું બહાર છું. મને શાળાના શિક્ષક દ્વારા આ અંગે ટેલિફોનિક માહિતી આપવામાં આવી છે. મેં કોઈ ડોક્યુમેન્ટ જોયાં નથી. શાળામાં જઈ ડોક્યુમેન્ટ ચેક કરી તપાસ કર્યા બાદ ફોર્મ સ્વીકારનાર જે શિક્ષકની બેદરકારી હશે તેને લેખિત નોટિસ આપવામાં આવશે. ફોર્મ ચકાસનાર મારા શિક્ષકની સાથે સાથે ખોટું ફોર્મ ભરનાર વિદ્યાર્થીની પણ ભૂલ છે.
-ભદ્રેશભાઈ પટેલ-આચાર્ય, બી.બી.સાર્વજનિક વિદ્યાલય-કરચેલિયા

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button