ડાંગશિક્ષણ

યુનિ.ની માન્યતા ન હોવા છતાં બોગસ નર્સિંગ કલાસીસ રાફડો રોકવા ધારાસભ્ય વિજયભાઇ પટેલને અનુરોધ

ડાંગ જિલ્લામાં વઘઇ, આહવા,અને સુબિર તાલુકામાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા બોગસ નર્સિંગ કલાસીસ સંચાલકો ડાંગના ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓને ખોટી રીતે એડમિશન આપી તેમના ભવિષ્ય સાથે ચેડાં કરાઈ રહ્યાનું જાણવા મળ્યુ છે.

ડાંગ જિલ્લામાં વીર નર્મદ યુનિ.ની કોઈપણ પ્રકારની માન્યતા કે ધારાધોરણ વગર આદિવાસી વિદ્યાર્થીનીઓને યેનકેન પ્રકારે લોભામણી જાહેરાતો કરી એડમિશન આપવામાં આવી રહ્યું છે. તેમજ નર્સિંગ સ્ટાફ પણ ન હોય તેવા વ્યક્તિ દ્વારા તેમને તાલીમના નામે છેતરપીંડી કરતા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે.

ડાંગ જિલ્લામાં અંતરિયાળ વિસ્તારની ગરીબ આદિવાસી પરિવારની દીકરીને નર્સિંગની તાલીમ આપી એક વર્ષમાં જ નોકરી આપવાની લોભામણી જાહેરાત કરી એડમિશન તો અપાઈ ગયું, પરંતુ આવી સંસ્થા બોગસ અથવા વીર નર્મદ યુનિ.ની કોઈ માન્યતા ધરાવતી ન હોય છાત્રાઓનું એક વર્ષ બગડવા સાથે બોગસ ડીગ્રીથી તેમની આબરૂના ધજાગરા ઉડી રહ્યા છે.

આ સમગ્ર પ્રકરણમાં સ્થાનિક વહીવટી તંત્ર પણ મુકપ્રેક્ષક બની જતા ગરીબ આદિવાસી છાત્રાઓની કફોડી સ્થિતિ સર્જાઈ છે. સામાન્ય રીતે નર્સિંગ કોર્ષ કે કલાસીસ ચલાવવા માટે ગુજરાત નર્સિંગ કાઉન્સિલની કોર્ષની પરવાનગી મેળવવાની હોય છે, તેમજ એ.એન.એમ.,જી. એન.એમ. માટે ગુજરાત નર્સિંગ કાઉન્સીલ દ્વારા 12 પાસ લાયકાત ધરાવતા હોય તેમને પ્રાથમિકતા આપવાની હોય છે. જ્યારે આવી બોગસ સંસ્થાઓ દ્વારા 10 નાપાસ કે 12 નાપાસ વિદ્યાર્થીઓ પાસે નાણાં ઉસેટી લઈ તેમના ભવિષ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યાંની બુમ ઉઠતા ધારાસભ્ય વિજયભાઇ પટેલને પણ તે અંગે તપાસ કરાવવા અનુરોધ કરાયો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button