ગુજરાતદક્ષિણ ગુજરાતબ્લોકમાંડવીરાજનીતિરાજ્યસુરત

તંત્રની ઉંઘ ઉડાડવા માટે બ્રિજ પર ડાંગરની રોપણી કરીને કર્યો વિરોધ પ્રદર્શન

વીસડાલિયા ગામ નજીક બ્રિજ પર ખાડા પડી જતાં વાહન ચાલકોને હાલાકી: કોંગ્રેસે જવાબદાર તંત્રને લેખિતમાં જાણ કરી

સુરત જિલ્લામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે મેઘરાજા તાંડવ કરી રહ્યો છે. અને અતિ ભારે વરસાદને કારણે તંત્રની પોલ ખુલી રહી છે. રસ્તાઓ પર પણ માહાકાય જાનવરોની ગુફા જેવા મસમોટા ખાડાઓ પડી ગયા છે. ત્યારે માંડવી- ઝંખવાવ રોડ ઉપર દર ચોમાસે ખાડા પડી જતાં વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠતા હોય છે.‌ આ વર્ષે પણ સિઝનનો પહેલો વરસાદ પડતાની સાથે જ વીસડાલીયા નજીક પુલ પર તેમજ માલધા ફાંટા વિસ્તારના મેઈન રોડ ઉપર મસમોટા ખાડા પડી જતાં જાગૃત નાગરિકો દ્વારા જવાબદાર તંત્રને લેખિતમાં જાણ કરવામાં આવી હતી. છતાં, તંત્ર દ્વારા યોગ્ય પગલાં નહીં ભરાતાં આખરે કોંગ્રેસને મેદાનમાં ઉતરવું પડ્યું હતું.

માજી ધારાસભ્ય આનંદ ચૌધરી, તાલુકા કોંગ્રેસ સમિતિ અને તાલુકા પંચાયતના કોંગ્રેસના સભ્યો દ્વારા માંડવી-ઝંખવાવ રોડ પર પડેલા ખાડા બાબતે વિરોધ પ્રદર્શન કરી પુલ પર પડેલા ખાડામાં ડાંગરની રોપણી કરવામાં આવી હતી. તેમજ સાથે ભાજપ હાય…હાય…ના નારા પણ લગાવ્યા હતા. કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો જાહેર રસ્તા પર પડેલા ખાડા મુદ્દે વિરોધ પ્રદર્શન કરતા જવાબદાર તંત્ર પણ હાજર થઈ ગયા હતા. જ્યારે માંડવી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.આઈ. હેમંત પટેલ સહિતનો સ્ટાફ આ વિરોધ પ્રદર્શન સ્થાને હાજર રહ્યો હતા. આ કાર્યક્રમમાં માજી ધારાસભ્ય આનંદ ચૌધરી, તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા શંકર ચૌધરી, તાલુકા પંચાયતના સભ્ય ભીમસિંગ ચૌધરી સહિતનાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

વારંવાર રજૂઆત છતાં તંત્રની કામ પ્રત્યે ઉદાસીનતા: પૂર્વ ધારાસભ્ય
બ્રિજ પર પડી ગયેલા ખાડાઓને લઈ માંડવી વિધાનસભાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, “આ બ્રિજ પર છેલ્લા લાંબા સમયથી ખાડાઓ પડી ગયા છે. જેને લઇને વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. અવાર નવાર રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી ન કરવામાં આવતા આખરે કોંગ્રેસના કાર્યકરો સાથે મળીને તંત્રની આંખ ખુલે તે માટે ડાંગર સહિતના પાકો રોપવામાં આવ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. આગામી દિવસોમાં જો આ રસ્તાનું સમારકામ નહિ કરવામાં આવે તો ઉગ્ર વિરોધ કરવામાં આવશે તેવું પણ તેઓએ જણાવ્યું હતું.”

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button