સંપાદકીય

50થી વધુ વર્ષ બાદ વિશ્વના દેશોને ચંદ્ર પર પહોંચવામાં રસ કેમ પડ્યો?

એપોલો-11 બઝ એલ્ડ્રિન અને નીલ આર્મસ્ટ્રોંગને 1969માં ચંદ્રની સપાટી પર લઈ ગયું અને એપોલો મિશનોમાં ડિસેમ્બર 1972 સુધીમાં 10 વધુ અમેરિકનોએ ચંદ્રની સપાટી પર ડગલાં ભર્યાં ત્યાર બાદ અમેરિકાએ ચાલકદળ સાથેના મૂન મિશનને અટકાવી દીધું હતું.

હવે અડધી સદીથી વધુ સમયના અંતરાલ પછી ચંદ્રમા સુધી પહોંચવામાં રસ ફરીથી વધ્યો છે.

એક અશ્વેત વ્યક્તિ અને એક મહિલા સહિતના અવકાશયાત્રીઓને ચંદ્ર પર મોકલવાની યોજના પર અમેરિકા ફરીથી કામ કરી રહ્યું છે. અમેરિકા એકલું નહીં, ચીન અને ભારત પણ ચંદ્ર પર નવા મિશન મોકલવાની યોજના બનાવી રહ્યા છે.

આવું શા માટે થઈ રહ્યું છે અને તે 1960ના દાયકામાં કરવામાં આવેલા અંતરીક્ષ અન્વેષણથી અલગ કેવી રીતે છે?

ભૂરાજનીતિ

અમેરિકાનું સમાનવ મિશન, તત્કાલીન સોવિયેત સંઘ દ્વારા 1961માં યુરી ગગારીનને પૃથ્વીની ભ્રમણકક્ષામાં મોકલવાના જવાબમાં હાથ ધરવામાં આવ્યું હતું.

ચંદ્ર પર ઉતરાણ એક બહુ મોટી સિદ્ધિ અને શક્તિશાળી રાજકીય નિવેદન હતું, જેના તરફ વિશ્વનું ધ્યાન આકર્ષાયું હતું.

ધ ઇકૉનૉમિસ્ટ અખબારના વરિષ્ઠ તંત્રી અને ‘ધ મૂન, અ હિસ્ટરી ફૉર ધ ફ્યુચર’ના લેખક ઓલિવર માર્ટિન કહે છે, “અમે આ પૃથ્વી પરથી લોકોને લઈને ચંદ્ર પર મૂકી આવીશું, એમ કહેવા કરતાં તમે જે કરી શકો છો એ વધારે શાનદાર હશે, એ કહેવાનું મુશ્કેલ છે.”

ચંદ્ર પર ડગલાં માંડવામાં કોણ આગળ છે તેનો આધાર ભૂરાજકીય સ્થિતિ અને પોતાના સંસાધનોનો ઉપયોગ કરવાની ઇચ્છા પર હોય છે. વિવિધ દેશો અને ખાનગી કંપનીઓના પણ પોતપોતાના એજન્ડા છે.

રશિયા, ચીન, જાપાન અને યુરોપિયન સંઘએ ચંદ્રની સપાટી પર માનવરહિત યાન અથવા રોવર્સ સફળતાપૂર્વક સોફ્ટ-લૅન્ડ કર્યાં છે, પરંતુ તેમાં કોઈ સમાનવ મિશન નથી. હવે અમેરિકા અને ચીન વચ્ચે સ્પર્ધા ચાલુ થઈ છે.

આર્સ ટેકનિકાના વરિષ્ઠ સ્પેસ ઍડિટર એરિક બર્જર કહે છે, “તે ભૂરાજકીય નીતિ પર આધારિત હોય છે. તેથી અમેરિકા અને ચીનના નેતૃત્વ હેઠળનાં ગઠબંધનોએ ચંદ્ર માટે સમાનવ મિશનની જાહેરાત કરી છે. તેઓ બન્ને આંતરરાષ્ટ્રીય ભાગીદારો સાથે કરાર કરી રહ્યા છે અને આગામી પાંચથી દસ વર્ષમાં ત્યાં પહોંચવાના પ્રયાસ કરી રહ્યા છે.”

સંસાધનો

ચંદ્ર પરનું પહેલું મિશન સંશોધનના હેતુસરનું ન હતું, પરંતુ ત્યાં સુધી પહોંચવાનું હતું.

હવે સવાલ ચંદ્ર પર પહોંચવાનો નથી, પરંતુ એક એવી ટેકનોલૉજી વિકસાવવાનો છે, જેના વડે લોકો ત્યાં રહી શકે અને ત્યાં જે છે તેનો લાભ લઈ શકે.

બ્રિટનની નૉર્થમ્બ્રિયા યુનિવર્સિટીના અવકાશ કાયદા તથા નીતિના પ્રોફેસર ક્રિસ્ટોફર ન્યુમેન કહે છે, “માણસો આ પૃથ્વી પર એક જીવ છે. કેટલાક લોકો વિસ્તાર કરીને મંગળ પર, ચંદ્ર પર વસાહતો બનાવવા, બાહ્ય અવકાશમાં કૃત્રિમ વસાહતો બનાવવા ઇચ્છે છે. હું જે વાત કરી રહ્યો છું તે વિજ્ઞાન કથા જેવી વધારે છે.”

તેઓ ઉમેરે છે કે કેટલાકની મહત્ત્વાકાંક્ષા, લુપ્ત થવાના કિસ્સામાં માનવજાતિ પૃથ્વી બહારની વસાહતોમાં ટકી શકે તે સુનિશ્ચિત કરવાની છે.

ચંદ્ર પર જવાનું અમેરિકાનું મિશન હવે આગળ વધવાનું છે.

એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીની થંડરબર્ડ સ્કૂલ ઑફ ગ્લોબલ મૅનેજમૅન્ટનાં પ્રોફેસર નમ્રતા ગોસ્વામી કહે છે, “મૂળ વિચાર તેને પૃથ્વી પર પાછું લાવવાનો નથી, પરંતુ ત્યાં બેઝ સ્થાપિત કરવાનો છે, જેથી ચંદ્રનો ઉપયોગ મંગળ સુધી પહોંચવાના માર્ગ તરીકે કરી શકાય.”

તેઓ ઉમેરે છે, ચંદ્ર પર ગુરુત્વાકર્ષણ ઓછું હોવાથી પૃથ્વીની સરખામણીએ ત્યાંથી ઓછા બળતણ સાથે રૉકેટને લૉન્ચ કરવાનું શક્ય બનશે. તેથી કેટલાક રાષ્ટ્રો તેને વ્યૂહાત્મક અસ્કામત ગણી રહ્યા છે.

ચંદ્રના કેટલાક વિસ્તારો સતત સૂર્યપ્રકાશના સંપર્કમાં રહેતા હોવાથી ત્યાં સૌર ઊર્જા ઉત્પન્ન કરવાની સંભાવના પણ છે. એક વિચાર, તે સૌરઊર્જાને મોટા ઉપગ્રહો દ્વારા પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં સ્થળાંતરિત કરવાનો અને તેને માઇક્રોવેવ દ્વારા પૃથ્વી પર ફરીથી બીમ કરવાનો છે.

અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા નાસા કહે છે કે લો અર્થ ઓર્બિટ (એલઈઓ)માં 1,200 માઈલ (2,000 કિલોમીટર) અથવા તેનાથી ઓછી ઊંચાઈ પર પૃથ્વી-કેન્દ્રી ભ્રમણકક્ષાનો સમાવેશ થાય છે.

ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક સલ્ફર, એલ્યુમિનિયમ અને અન્ય ખનીજ તત્ત્વો હોવાની પુષ્ટિ ભારતનાં ચંદ્રમિશનોએ કરી છે. હવે નિર્વાહ પ્રદાન કરી શકે તેવાં અન્ય મુખ્ય તત્ત્વો શોધવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

નમ્રતા ગોસ્વામી કહે છે, “વોટર આઈસ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે માનવ વસાહતો ટકાવી રાખવા માટે તે જરૂરી છે. વોટર આઈસને ઓક્સિજનમાં પરિવર્તિત કરી શકાય છે.”

ચંદ્ર પર સૌપ્રથમ યાનના ઊતર્યું તેના ઉત્સાહ પછી 1960ના દાયકાના અંતમાં તારાઓ સુધી પહોંચવાની વાતો પણ થઈ હતી, પરંતુ એવું ટૂંક સમયમાં થવાનું નથી.

એરિક બર્જર કહે છે, “લો અર્થ ઓર્બિટમાં નીચું ગુરુત્વાકર્ષણ છે અને તે માનવો માટે વાસ્તવિક ગંતવ્ય સ્થાન છે. ત્યાં પહોંચવાનું પ્રમાણમાં સરળ છે. તે ખૂબ નજીક છે. ચંદ્ર પર પહોંચવામાં ત્રણ દિવસ લાગે છે. માનવને મંગળ પર પહોંચવામાં છથી આઠ મહિના લાગશે. તેથી તે ખરેખર આગળનું પગથિયું છે.”

ચંદ્ર પર પહોંચવા માટે નોંધપાત્ર ટેકનિકલ અવરોધો સહિતની સમસ્યાઓનું નિવારણ કરવાનું છે. સૌપ્રથમ તો અવકાશયાત્રીઓને અવકાશમાં લઈ જવા અને તેમને કિરણોત્સર્ગથી સલામત રાખવા માટે શક્તિશાળી રૉકેટની જરૂર પડશે.

એ પછીનો પડકાર ચંદ્રની સપાટી પર સોફ્ટ લૅન્ડિંગ કરવાનો છે. એ પછી અવકાશયાત્રીઓએ પાછા આવવાની ક્ષમતા મેળવવી પડશે. કોઈ ટેકનિકલ ખામી સર્જાય તો તેમને બહારથી કોઈ મદદ મળવાની નથી અને તેમની પાસે મિશન પડતું મૂકવાનો વિકલ્પ હોતો નથી.

ચંદ્ર પરથી પાછા ફરતી વખતે અવકાશયાત્રીઓનું સ્પેસ વેહિકલ પ્રતિ સેકન્ડ અનેક કિલોમીટરની ભયાનક ઝડપે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરશે.

તેનું કારણ એ છે કે તેઓ લો અર્થ ઓર્બિટમાં પાછા ફરવાની સરખામણીએ ચંદ્ર પરથી પરત આવતી વખતે તેઓ ઝડપમાં મોટો વધારો કરશે, એમ બર્જર જણાવે છે.

વિવિધ દેશો ચંદ્ર પર પહોંચ્યા પછી ચંદ્રનાં સંસાધનોનું શું થશે, એ પણ પાયાનો સવાલ છે.

1967ની આઉટર સ્પેસ સંધિ મુજબ, કોઈ પણ દેશ અવકાશમાં સાર્વભૌમત્વનો દાવો કરી શકશે નહીં, પરંતુ વાસ્તવિકતા અલગ હોઈ શકે છે.

નમ્રતા ગોસ્વામી કહે છે, “ચંદ્ર પર ઉતરાણ અને નિષ્કર્ષણ સહિતની ક્ષમતા ધરાવતા રાષ્ટ્રોને જ ત્યાં પહેલા પહોંચવાનો લાભ મળશે. ચંદ્ર પરનાં સંસાધનો કેવી રીતે શેર કરવામાં આવશે એ વિશેની કોઈ કાયદાકીય નીતિ આપણી પાસે નથી.”

અવકાશ માટે નવી સ્પર્ધા

ચીન 2030 સુધીમાં ચંદ્ર પર કાયમી ઑપરેટિંગ બેઝની યોજના બનાવી રહ્યું છે અને એ સમયમર્યાદાને ચુસ્ત રીતે વળગી રહ્યું છે. 2028 સુધીમાં લુનાર સ્પેસ સ્ટેશન પર ઉતરાણ કરવાની અમેરિકાને આશા છે, પરંતુ તેનો કાર્યક્રમ પહેલાંથી જ પાછળ ચાલી રહ્યો છે.

અમેરિકાની સફળતાનો મોટો આધાર અબજોપતિ ઍલન મસ્ક અને તેમની સંશોધન કંપની સ્પેસએક્સની સ્ટારશિપ રૉકેટ બનાવવાની ક્ષમતા પર છે. સ્ટારશિપનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે.

આવતા વર્ષે સમાનવ અવકાશ ઉડાનની ભારતની યોજના છે. ભારતનું લક્ષ્ય 2035 સુધીમાં ત્યાં સ્પેસ સ્ટેશન સ્થાપવાનું અને 2040 સુધીમાં ચંદ્ર પર અવકાશયાત્રી મોકલવાનું છે.

નમ્રતા ગોસ્વામી કહે છે, “ચીનના અવકાશ કાર્યક્રમમાં સૌથી વધુ રસપ્રદ બાબત સમયમર્યાદા મુજબ કામ પૂર્ણ કરવાની તેની ક્ષમતા છે. હું ખાતરીપૂર્વક કહું છું કે અવકાશ સંશોધનના ઉપયોગ અને કાયમી બેઝ વિકસાવવાના લક્ષ્ય સાથે ચીન એકવીસમી સદીમાં ચંદ્ર પર ઉતરાણ કરનાર પહેલું રાષ્ટ્ર હશે.”

Related Articles

Back to top button