દેશરાજનીતિ

કોણ છે અજય રાય? જેમને બે પરાજય છતાં PM મોદી સામે ચૂંટણી મેદાનમાં ઉતારી રહી છે કોંગ્રેસ

લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસે 46 ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી હતી

કોંગ્રેસે શનિવારે પ્રદેશ અધ્યક્ષ અજય રાયને વારાણસી લોકસભા બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા છે. તેઓ સતત ત્રીજી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડશે. અજય રાયનું નામ પહેલેથી જ નક્કી માનવામાં આવતું હતું. તેઓ 2014 અને 2019માં પણ ચૂંટણી લડી ચૂક્યા છે. બંને ચૂંટણીમાં તેઓ ત્રીજા સ્થાને હતા. પ્રદેશ અધ્યક્ષ અજય રાયે જણાવ્યું હતું કે, ‘કોંગ્રેસ પાર્ટીએ આપેલી જવાબદારી હું પૂરી મહેનતથી નિભાવીશ. આ વખતે ચૂંટણીમાં પરિણામો અલગ હશે અને મને વિશ્વાસ છે કે બનારસની જનતા મને આશીર્વાદ આપશે.’

અજય રાય ત્રીજીવાર PM મોદી સામે ચૂંટણી લડશે

વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે અજય રાયને ભાજપના વડાપ્રધાન પદના દાવેદાર અને ઉમેદવાર નરેન્દ્ર મોદી સામે મેદાનમાં ઉતાર્યા હતા. આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલ પણ ચૂંટણી લડ્યા હતા અને બીજા નંબરે આવ્યા હતા. અજય રાય ત્રીજા સ્થાને હતા. વર્ષ 2019ની ચૂંટણીમાં પણ અજય રાય ત્રીજા સ્થાને રહ્યા હતા. તે ચૂંટણીમાં સપાની શાલિની યાદવ બીજા સ્થાને રહ્યા હતા. ત્યારબાદ સપા અને બસપા વચ્ચે ગઠબંધન થયું હતું. હવે ફરી એકવાર કોંગ્રેસે અજય રાયને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. આ વખતે કોંગ્રેસનું સપા સાથે ગઠબંધન છે

અજય રાય ભાજપમાંથી ધારાસભ્ય રહી ચૂક્યા છે

કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અજય રાયે તેમની રાજકીય કારકિર્દી ભાજપમાંથી શરૂ કરી હતી. વર્ષ 1996થી 2007 સુધી તેઓ ભાજપની ટિકિટ પર સતત ત્રણ વખત ધારાસભ્ય રહ્યા હતા. વર્ષ 2009માં તેમણે પાર્ટી પાસેથી લોકસભાની ટિકિટ માંગી હતી. ટિકિટ ન મળતા તેઓ સમાજવાદી પાર્ટીમાં જોડાયા હતા અને વર્ષ 2009માં અહીં સપાની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા, પરંતુ જીતી શક્યા નહોતા. વર્ષ 2009માં જ તેઓ પિન્ડરા પ્રદેશમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે પેટાચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. પછી વર્ષ 2012માં અજય રાય કોંગ્રેસમાં જોડાયા અને પિન્ડરા બેઠક પરથી જીત્યા હતા.

અનેક ગુનાહિત કેસ નોંધાયા

અજય રાય સામે પણ અનેક ગુનાહિત કેસ નોંધાયેલા છે. વર્ષ 2015માં રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (NSA) હેઠળ અજય રાયની ધરપકડ કરાઈ હતી. વર્ષ 2021માં આ ફોજદારી કેસના કારણે તેના ચાર હથિયાર લાઈસન્સ સસ્પેન્ડ કર્યા હતા.

કુર્મી અને વૈશ્યનું પ્રભુત્વ ધરાવતી વારાણસી બેઠક

જ્ઞાતિ સમીકરણની વાત કરવામાં આવે તો કુર્મી સમાજના મતદારો સૌથી વધુ છે. રોહનિયા અને સેવાપુરીમાં કુર્મી સમાજના સૌથી વધુ મતદારો છે. આ ઉપરાંત બ્રાહ્મણો અને ભૂમિહારની સંખ્યા પણ સારી છે. ત્રણ લાખથી વધુ બિન-યાદવ ઓબીસી, બે લાખથી વધુ કુર્મી મતદારો અને માત્ર બે લાખ વૈશ્ય અને લગભગ અઢી લાખ ભૂમિહાર મતદારો છે. એક લાખ યાદવ અને લગભગ એક લાખ અનુસૂચિત જાતિના મતદારો છે.

ભૂમિહાર મતદારોને ભાજપની અપીલ

ભાજપને પહેલાથી જ ખબર હતી કે અજય રાય વારાણસી સંસદીય બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર હશે. આ કારણોસર, પાર્ટીએ ભૂમિહાર મતદારોને આકર્ષવા માટે પહેલેથી જ ગોઠવણ કરી હતી. હાલમાં જ ધર્મેન્દ્ર સિંહને એમએલસી બનાવવામાં આવ્યા છે. ધર્મેન્દ્ર ભૂમિહાર સમુદાયમાંથી આવે છે. શહેરના ઉત્તરીય વિધાનસભા મતવિસ્તારમાં રહે છે. સુરેન્દ્ર નારાયણ સિંહને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણીના સંયોજક બનાવવામાં આવ્યા છે. તે પણ ભૂમિહાર સમુદાયમાંથી આવે છે. રોહનિયા વિધાનસભા મતવિસ્તારમાંથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. વર્ષ 2014ની ચૂંટણીમાં વારાણસી બેઠક  ભાજપના ઉમેદવાર નરેન્દ્ર મોદીને લગભગ છ લાખ મત મળ્યા હતા. બીજા સ્થાને રહેલા અરવિંદ કેજરીવાલને લગભગ બે લાખ મત મળ્યા હતા. વર્ષ 2019ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની જીતનો આંકડો મોટો થઈ ગયો હતો.

કોંગ્રેસે 46 ઉમેદવારોના નામની ચોથી યાદી

લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસે 46 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જણાવી દઈએ કે, કોંગ્રેસે પહેલી યાદીમાં 39 ઉમેદવાર, બીજી યાદીમાં 43 ઉમેદવારો અને ત્રીજી યાદીમાં 57 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. આમ, કોંગ્રેસે અત્યાર સુધીમાં 185 ઉમેદવારના નામ જાહેર કર્યા છે. જેમાં મધ્યપ્રદેશમાં દિગ્વિજય સિંહને રાજગઢથી ટિકિટ અપાઈ છે. જ્યારે વારાણસીમાં વડાપ્રધાન મોદીની સામે અજય રાયને ઉતારાયા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button