સુરત

સુમુલ ડેરીના સંચાલકો દ્વારા એક હજાર કરોડના કૌભાંડ અંગે ભરૂચના સ્પેશિયલ ઓડિટરને સોંપાઈ તપાસ

સુરતની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત સુમુલ ડેરીના વહીવટમાં કરોડોના કૌભાંડ મામલે વિવાદોમાં સપડાયેલી છે અને સુમુલ ડેરીમાં 1 હજાર કરોડના કૌભાંડ અંગે ખેડૂત આગેવાનો રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને વર્ષ 2021માં પત્ર લખ્યો હતો. પૂર્વ પ્રમુખ દ્વારા લગાવવામાં આવેલા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપોની તપાસની ખેડૂત આગેવાન દર્શન નાયક દ્વારા માગ કરવામાં આવી હતી. જેને લઇને તપાસની માગ કરનાર ખેડૂત આગેવાન દર્શન નાયકને રૂબરૂ સાંભળવા માટે દૂધ ધારા ડેરીના કમ્પાઉન્ડમાં આવેલી કરચેરીમાં હાજર રહેવા જણાવવામાં આવ્યું છે.

એક હજાર કરોડના કૌભાંડના આક્ષેપો હતા

સુમુલ ડેરીના તત્કાલીન પ્રમુખ રાજુ પાઠકે રૂપિયા એક હજાર કરોડનું કૌભાંડ આચર્યું હોવનો પૂર્વ સાંસદ અને વર્તમાન સુમુલના પ્રમુખ માનસિંહ પટેલે આક્ષેપ કર્યા હતા. જે અંગેની તપાસ ભરૂચની મિલ્ક ઓડિટ ઓફિસના સ્પેશિયલ ઓડિટરને સોંપવામાં આવતા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. રાજુ પાઠક ઉપર આક્ષેપો કરવામાં આવ્યા હતા કે, તેમને નવા પ્રોજેક્ટ માટે મોટી લોન લીધી હતી. જેમાં પણ તેમને ગેરવહીવટ કર્યો હતો. સુમુલ ડેરી ઉપર વધારાનો બોજો તેમના કારણે જ ઉભો થયો છે. એટલું જ નહીં પરંતુ પોતાના લાગતા વળગતાઓને સુમુલ તરફથી જેટલો પણ લાભ આપી શકાય તે લાભ આપવાના તેમના થકી પ્રયાસો કરવામાં આવ્યા હતા.

રાજુ પાઠક પર લાગેલા આક્ષેપો

સુરતની સૌથી જૂની અને સુરત તેમજ તાપી જિલ્લાના 1020 જેટલી મંડળીઓ અને 2.60 લાખથી વધુ સભાસદો ધરાવતી પ્રતિષ્ઠિત સુમુલ ડેરી વહીવટ મુદ્દે વર્ષ 2021માં વિવાદમાં આવી હતી અને સુમુલ ડેરીમાં એક હજાર કરોડના કૌભાંડનો મામલો ઉઠાવીને પૂર્વ પ્રમુખ દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપોની માગ કરવામાં આવી હતી. સુમુલ ડેરીના તત્કાલીન પ્રમુખ રાજુ પાઠકે રૂપિયા એક હજાર કરોડનું કૌભાંડ આચર્યું હોવાનો વર્તમાન સુમુલના ચેરમેન માનસિંહ પટેલે આક્ષેપ કર્યો હતો. તેમના પર આક્ષેપ હતો કે, તેમણે પોતાના માનીતા લોકોને ખોટી રીતે નોકરી પર રાખ્યા હતા અને ડેરી પર કરોડોનો બોજો વધાર્યો હતો. આ ઉપરાંત પોતના માનીતાઓને કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો. એવા ગંભીર આક્ષેપો સાથેનો પત્ર લખવામાં આવતા ભાજપના જ જુના અને નવા નેતાઓ વચ્ચે તત્કાલીન સમયે ખેંચતાણ શરૂ થઈ ગઈ હતી. અને બંને નેતાઓ વચ્ચે આંતરિક વિવાદ પણ ઉભો થતા રાજકારણ ગરમારયું હતું.

તપાસની માંગ કરનારને 13 જૂનનારોજ સાંભળવામાં આવશે

જો કે, ખેડૂત આગેવાન દર્શન નાયક દ્વારા તત્કાલીન સમયે સીટની રચના કરી ભ્રષ્ટાચાર મામલે તપાસની માગ સાથે વડાપ્રધાન અને ગાંધીનગર મુખ્યમંત્રી સુધી પત્ર લખીને માંગ કરી હતી. જેમાં કોંગ્રેસે તત્કાલીન સમયે જિલ્લા સહકારી રજિસ્ટર સુમુલના વહીવટમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનું જાણવા છતાં આંખ આડા કાન કરી રહ્યા હોય તેઓની સામે પણ પગલાં ભરવા માંગ કરી હતી. ગરીબ પશુપાલક અને આદિવાસીઓનું શોષણ તેમજ ગરીબ પશુપાલકોને શોષિત કરવા તેમજ કર્મચારી પદાધિકારીને ખરીદી લઈ બધાને મૌન બનાવી દેવા અંગેના ગંભીર બાબતો અંગે ભરૂચની મિલ્ક ઓડિટ ઓફિસના સ્પેશિયલ ઓડિટરને તપાસ સોંપવામાં આવતા આગામી 13 જૂનના રોજ તપાસની માંગ કરનાર ખેડૂત આગેવાન દર્શન નાયકને રૂબરૂ સાંભળવા માટે બપોરે 12 વાગ્યે દૂધ ધારા ડેરીના કમ્પાઉન્ડમાં આવેલી કરચેરીમાં હાજર રહેવા જણાવવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.

તટસ્થ તપાસ થશે તો પશુપાલકોને ન્યાય મળશે

સહકારી અગ્રણી દર્શન નાયકે જણાવ્યું હતું કે, સુમુલ ડેરીમાં ગેરરીતિ થવાના આવા ગંભીર આક્ષેપો હોવા છતાં પણ યોગ્ય તપાસ કરવામાં આવી રહી નથી. કેટલાય સમયથી તપાસ માટે માંગણી કરવામાં આવી હતી. તમામ પુરાવા ત્યાં રજૂ કરવાનો છું પરંતુ મને શંકા છે કે, આ લોલો ન્યાય કરશે નહીં કારણ કે, જેમણે આક્ષેપ કર્યો હતો તે અત્યારે પ્રમુખ બની ગયા છે અને જેના ઉપર આક્ષેપ થયો હતો તે ઉપપ્રમુખ છે. આવી સ્થિતિમાં ભાજપના મેન્ડેડ ઉપર આવેલા બંને પદાધિકારીઓને લઈને યોગ્ય તપાસ અત્યાર સુધી કરવામાં આવી નથી. અને ખૂબ લાંબી લડાઈ લડી છે અને ત્યારે મને સાંભળવામાં આવનાર છે. ત્યારે હું માનું છું કે, ખેડૂતોના હિતમાં સહકારી ક્ષેત્રે વધુ મજબૂત થાય તેના માટે તટસ્થ તપાસ કરીને જે પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. તેની ઊંડાણપૂર્વકની તપાસ થવી જોઇએ.

Related Articles

Back to top button