સુરત

સુરત સુમુલ ડેરીમાં માનીતાઓની ભરતી થતી હોવાનો આક્ષેપ

દર્શન નાયકે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરિક્ષા લેવાય તે માટે CMને રજૂઆત કરી

સુમુલ ડેરી તેના વહીવટના કારણે સમયાંતરે વિવાદમાં આવતી રહે છે. સુમુલ ડેરીમાં વિપક્ષ કે અન્ય સહકારી આગેવાનો અંદર અંદરના વહીવટ કરતા જ એકબીજા ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપો કરતા હોય છે, ત્યારે હાલ સુરત જિલ્લા દૂધ ઉત્પાદન સહકારી સંધ લી.(સુમુલ ડેરી) દ્વારા ટેકનિકલ અને નોન ટેકનિકલ સ્ટાફની ભરતી પ્રક્રિયા ચાલી રહેલી છે. ભરતી પ્રક્રિયામાં નોકરી માટે આવેદન કર્તાઓના ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું કામ પણ આગળ વધી રહ્યું છે, ત્યારે આ ભરતી પ્રક્રિયા પારદર્શક થાય તે માટે પત્ર લખીને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયામાં અંદાજે 15,000 જેટલા ઉમેદવારોએ નામ નોંધાવ્યું છે.

સક્ષમ ઉમેદવારો સાથે અન્યાય ન થાય તે ધ્યાન રાખવું
સુરત જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ લી.(સુમુલ ડેરી) કાર્યરત છે. જેમાં લાખો ખેડૂતો અને પશુપાલકો સભાસદો સભ્યપદ ધરાવે છે, ત્યારે સુમુલ ડેરીમાં હાલ જે વહીવટ કરતાં પ્રમુખ અને ઉપપ્રમુખ છે તેમના વચ્ચે ગજગ્રાહ તો સામે આવતો જ રહે છે. હાલના ઉપપ્રમુખ રાજીવ પાઠક જ્યારે પ્રમુખ હતા, ત્યારે તેમના ઉપર અનેક આક્ષેપો કરવામાં આવ્યા હતા. સુમુલ ડેરીમાં જ્યારે પણ ભરતી પ્રક્રિયા થાય છે, ત્યારે તેમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો તેમજ પોતાના અંગત માણસોને ગોઠવવાના આક્ષેપો થતાં રહ્યા છે, ત્યારે ફરી એક વખત ટેકનિકલ અને નોન ટેકનિકલ સ્ટાફની ભરતી થવા જઈ રહી છે, ત્યારે સહકારી આગેવાનો પણ સંપૂર્ણ પારદર્શિતાની આ ભરતી પ્રક્રિયા થાય તેના માટે મુખ્યમંત્રી અને સહકારી મંત્રાલયને પત્ર લખી રહ્યા છે.

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા લેવાવી જોઈએ
સહકારી અગ્રણી દર્શન નાયકે જણાવ્યું કે, સુમુલ દ્વારા જે ભરતી થઈ રહી છે તેમાં કોઈપણ પ્રકારની ગેર રીતે ન થાય તે ખાસ જરૂરી છે. ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ લેખિત અને મૌખિક પરિક્ષા લેવાની હજી બાકી છે, ત્યારે લેખિત પરીક્ષા ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જેથી કરીને પારદર્શિતા સાથે પ્રશ્નપત્ર નીકળે અને વિદ્યાર્થીઓ પરીક્ષા આપે. મૌખિક પરિક્ષામાં લાગતા વળગતાઓને ઇન્ટરવ્યૂ દરમિયાન પાસ કરી દેતા હોય છે. જેને કારણે આદિવાસી વિસ્તારના સક્ષમ અને યોગ્ય ઉમેદવારોને તેમનો હક મળતો નથી. મુખ્યમંત્રી અને સહકાર મંત્રાલય આ બાબતને ગંભીરતાથી જોવી જોઈએ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button