બારડોલી

પાવર ગ્રીડ વીજ કોર્પોરેશન દ્વારા નાખવામાં આવી રહેલા 765 કેવી વીજ લાઇનના મુદાઓને લઈને બારડોલી ખાતે ખેડૂતોની અગત્યની બેઠક મળી

પાવર ગ્રીડ વીજ કોર્પોરેશન દ્વારા કચ્છથી નવસારી, વાસી, બોરસી સુધી વીજ લાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લામાં ઠેર-ઠેર વિરોધ શરૂ થયો છે. ગયા સપ્તાહમાં પણ સુરત જિલ્લાના માંડવી, પલસાણા તાલુકાના વિવિધ ગામોમાં ખેડૂતોની જમીનમાંથી ખેડૂતોને જાણ કર્યા વિના બળજબરી વીજ લાઇન નાખવા સર્વે કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. જેનો ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે. જે લડત હવે ઉગ્ર બનતી હોય તેમ આજે સુરત જિલ્લા ખેડૂત સમાજના નેજા હેઠળ બારડોલી ખાતે એક અગત્યની બેઠક મળી હતી.

પાવર ગ્રીડ દ્વારા 765 કેવીની બે લાઇન નાખવામાં આવનાર છે. સને 2003ના ઇલેક્ટ્રિસિટી એક્ટના જુના કાયદાઓ મુજબ પાવર ગ્રીડ દ્વારા ખોટું અર્થઘટન પણ કરાઈ રહ્યાની ફરિયાદ ઉઠી છે. જેથી ખેડૂતોએ વાંધા અરજીઓ પણ ઉઠાવી છે. વીજ લાઇન અન્ડરગ્રાઉન્ડ પણ કરવામાં આવે તો ખેડૂતોની ફળદ્રુપ જમીનને પણ ખોટી અસર નહીં થાય. તેમજ બાગાયતી પાકોને જતાં નુકસાનની ભીતિ પણ ના રહે. સમગ્ર બાબતે ખેડૂત સમાજ લડી લેવાના મૂડમાં છે. જે રીતે બુલેટ ટ્રેઈન અને એક્સપ્રેસ હાઈવેમાં જમીન સંપાદન કરેલા ખેડૂતોને જે વળતર અપાયું છે. એજ રીતે આ ખેડૂતોને પણ યોગ્ય વળતર આપવામાં આવે તેવી માગ કરાઈ છે. સરકારમાં પણ અનેકવાર રજૂઆત કરાઈ છે. જેથી વીજ લાઇન બાબતે સરકાર દ્વારા પણ ચોક્કસ નીતિ નક્કી કરવા માંગ કરાઈ છે.

આવનાર દિવસોમાં પાવર ગ્રીડ કોર્પોરેશન સામે ખેડૂતોની લડત ઉગ્ર બનશે અને આવનાર દિવસોમાં સુરત જિલ્લાના ખેડૂતો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ટ્રેક્ટર રેલી યોજી કલેક્ટર કચેરી ઘેરાવ કરવા બારડોલી ખાતેની ખેડૂત સમાજની યોજાયેલી બેઠકમાં નક્કી કરાયું હતું.

Related Articles

Back to top button