સુરત

સુરત જિલ્લામાં 26 હજાર વેતન અને પેન્શન સહિતના લાભો આપવાની માંગ સાથે આંગણવાડી-આશા બહેનોનું વિરોધ પ્રદર્શન

લોકસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ અલગ-અલગ સંગઠનો દ્વારા પોતાની પડતર માંગણીઓને લઈ વિરોધ કરવામાં આવી રહ્યો છે. સરકાર પાસેથી ફરી એકવાર પોતાના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે ધારણા પ્રદર્શન અને આવેદનપત્ર આપવાના શરૂ થઈ ગયા છે. ત્યારે સુરતમાં આંગણવાડી અને આશા વર્કર બહેનોનો ઘણા વર્ષોથી વણઉકેલ પ્રશ્નોને લઈ નીલગીરી સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિધાનસભાની ચૂંટણી પહેલા તેમને સરકાર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું, પરંતુ હજુ સુધી પ્રશ્નો ઉકેલવામાં આવ્યા નથી.

નીલગીરી સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન

સુરત શહેર અને જિલ્લાની આંગણવાડી, આશા વર્કર અને ફેસીલીએટર બહેનો હજારોની સંખ્યામાં નીલગીરી સર્કલ લિંબાયત ખાતે એકત્રિત થઈ હતી. સરકાર પાસે વિવિધ માંગ કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી તેનો યોગ્ય ઉકેલ આવ્યો નથી. આંગણવાડી અને આશા વર્કરોને મોબાઈલ ડેટા એન્ટ્રી સહિત મુખ્ય કામનો બોઝ વધતો જાય છે, તે પ્રમાણમાં વેતન વધતું નથી. આ સાથે જ મોંથવારી પ્રમાણે વળતરમાં કોઈ પણ વધારો કરવામાં આવી રહ્યો નથી. અન્ય વેતન- વળતર સીવાયનાં એક પણ પ્રશ્નોનો ઉકેલ આવ્યો નથી. જ્યારે ગુજરાતમાં ચૂંટણી પૂર્વે 2022 થયેલ સમાધાનનો પણ પૂર્ણ અમલ થયો ન હોવાની વાત કરવામાં આવી રહી છે.

અમારી સાથે અન્યાય થઈ રહ્યો છેઃ યુનિયન પ્રમુખ

સુરત શહેર અને જિલ્લા આંગણવાડી અને આશા વર્કર યુનિયનના પ્રમુખ રેખા પાટીલે જણાવ્યું હતું કે, ઓછામાં ઓછું અમને 26 હજાર રૂપિયા વેતન આપવું જોઈએ અને પેન્શન પણ શરૂ કરવામાં આવે. આ સાથે જ જરૂરી ગ્રેચ્યુઇટી પણ ઝડપથી મળતી નથી અને ધક્કા ખવડાવે છે. ઘણાખરા બીલો ન ચૂકવાતા આંગણવાડી વર્કરો સ્વઃ ખર્ચે બાળકોને આહાર આપે છે. ત્રણ મહિનાના બીલો ચૂકવાયા નથી. કેટલાક ઘટકોમાં 6 માસ અને નવસારી જિલ્લાનાં જલાલપોરમાં તો 14 માસથી બીલો ચૂકવાયા નથી, છતાં આંગણવાડી વર્કરો જ બાળકોની ચિંતા કરી આહાર આપે છે.

અચોક્કસ મુદ્દતની હડતાળ પર જવાની તૈયારી

વધુમાં જણાવ્યું હતું કે, આશા વર્કરો- ફેસિલીએટરોને 6 માસથી વધુ સમયથી રૂ.2500 વધારો કે ઈન્સેન્ટીવની રકમો ચૂકવાઈ નથી. છતાં આરોગ્યની કામગીરી બજાવી રહી છે. 4 વર્ષથી મંજૂર થયેલ ડ્રેસ પણ તૈયાર હોવા છતાં અપાયો નથી. આવતીકાલે પણ અમે કામથી અળગા રહેવાના છે. આવતા અઠવાડિયાથી અચોક્કસ મુદ્દતની હડતાળ માટેનો પણ નિર્ણય કરવા જઈ રહ્યા છીએ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button