માંગરોળ

માંગરોળ તાલુકાના લીડીયાત ગ્રામજનોમાં જેટકો દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીથી ફરી રોષ

માંગરોળ તાલુકાના લીડીયાત ગામે જેટકો દ્વારા કરવામાં આવી રહેલી અન્ડર ગ્રાઉન્ડ કેબલિંગની કામગીરી જિલ્લા શાસક પક્ષના નેતા અને ગ્રામજનોએ અટકાવી હતી. અન્ડર ગ્રાઉન્ડ કેબલિંગ માટે ખાડા ખોદ્યા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય કામગીરી નહીં કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો. જ્યાં સુધી કામગીરી અંગે લેખિતમાં બાંહેધરી નહી આપે ત્યાં સુધી કામગીરી નહી કરવા દેવાની સ્થાનિકો દ્વારા ચીમકી આપવામાં આવી હતી.

સુરત જિલ્લાના લીડીયાત ગામે હાલ જેટકો દ્વારા અન્ડર ગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી ચાલી રહી છે. કીમ – માંડવી રાજ્ય ધોરીમાર્ગ પર આવેલા સબ સ્ટેશનથી લીડીયાત ગામે જીઆઈડીસીમાં રોડની બાજુમાં અન્ડર ગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી ચાલી રહી છે. જોકે જેટકો કંપનીના કર્મચારીઓ કામ કરી રહ્યા હતા. એ દરમ્યાન લીડીયાત ગામના સ્થાનિક અને સુરત જિલ્લા પંચાયતના શાશક નેતા રાવજી વસાવા તેમજ ગ્રામજનોએ કર્મચારીઓને અટકાવી દીધી હતી.

કેટલીક જગ્યા પર હજુ એક વર્ષનો સમય થવા આવ્યો છતાં પુરાણ કરવામાં આવ્યું નથી, જેને લઇ અકસ્માત પણ સર્જાઈ રહ્યા છે. જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતા રવજીભાઈએ જણાવ્યું હતું કે, અમારા ગામના મુખ્ય રસ્તાઓ પર ખાડાઓ પડી ગયા છે. જેને લઇને સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે. જે રસ્તાઓ ખોદવામાં આવી રહ્યા છે એ રસ્તાઓ એ લોકો અમને ફરીથી બનાવી આપશે? તેવી બાંહેધરી આપે ત્યારે જ આ કામગીરી આગળ વધશે.

લીડીયાત ગામ જવાના મુખ્ય માર્ગે જેટકો કંપની દ્વારા ગ્રામ પંચાયત અને ગ્રામજનોને કોઈપણ જાણ કર્યા વગર ખાડો ખોદી નાખવામાં આવ્યો હતો. રોડ પર 10થી 15 ફૂટ જેટલો મોટો અને ઊંડો ખાડો ખોદી નાખ્યો હતો. જેને લઇ ગ્રામજનોને આવા જવામાં પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. ઉપરાંત અનેક જગ્યા પર કામગીરી પૂર્ણ થઇ ગઈ હોવા છતાં કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા હજુ ખાડા પુરવામાં નથી આવ્યા અને કેટલીક જગ્યાએ પાકા રસ્તા ખોદી નાખ્યા બાદ માત્ર માટી પુરાણ કરી સંતોષ માની લીધો હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યા હતો.

ગ્રામજનોએ માગ કરી હતી કે જે જગ્યા પર ખાડા ખોદવામાં આવ્યા છે તે તમામ જગ્યાએ પહેલાં જેવી જ કરી આપવામાં આવશે તેમજ ગામમાં જવાનો રસ્તો પણ ફરીથી આરસીસી કરી આપવાની બાંહેધરી આપવામાં આવે તો જ કંપનીને કામ કરવા દેવામાં આવશે, નહીં તો વિરોધ યથાવત રાખી કામ અટકાવવામાં આવશે. જોકે કામ અટકાવી દીધા છતાં જેટકો કંપનીના કોઈ કર્મચારી કે અધિકારી ઘટનાસ્થળે ફરક્યા સુધ્ધા ન હતા.

ત્યારે સ્થળ પર હાજર કોન્ટ્રાક્ટર સંદીપભાઈએ વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, કામ કેટલાક સમયથી બંધ હતું જેને લઇ આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કંપની પાસે અન્ડર ગ્રાઉન્ડ લાઈન નાખવા માટે કેબલ ન હતો, જેને લઇ કામ બંધ હતું. હવે કેબલ આવી જતાં ફરીથી કામ શરૂ કરવામાં આવ્યું છે અને જેટલી જગ્યા પર ખાડાઓ ખુલ્લા પડ્યા છે, તેને ફરીથી યથાવત સ્થિતિ કરી નાખવામાં આવશે અને તમામ ખાડા પણ પૂરી નાખવાનું જણાવ્યું હતું.

Related Articles

Back to top button