ડાંગ

બાળમજુરી ગેરકાયદે છતાં ડાંગમાં રોડ બનાવનાર એજન્સી દ્વારા સુબીર – મહાલ ડામર રોડની કામગીરીમાં બાળમજુરીથી રોષ

દેશમાં કાયદાકીય રીતે બાળ મજૂરી એ ગેરકાયદેસર છે પરંતુ ડાંગમાં આ કાયદાના લીરે લીરા ઊડ્યાં હોવાનું સામે આવ્યું છે. ડાંગના સુબીરથી મહાલ જતા માર્ગની ડામર સપાટીની કામગીરીમાં બાળ મજૂરીને લઈ લોકોમાં રોષ વ્યાપ્યો છે. શા માટે બાળકો પાસે કાળી મજૂરી કરાવવામાં આવી તેને લઈને અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. ડાંગના સુબીરથી મહાલ જતા ડામર સપાટી માર્ગની કામગીરીમાં બાળ મજૂરી કરાવતા જાગૃત નાગરિકો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતાં ખળભળાટ મચી ગયો છે.

બાળમજૂરી એ કાયદાકીય રીતે ગેરકાનૂની માનવામાં આવે છે ત્યારે ડાંગમાં એજન્સી દ્વારા રસ્તા બનાવવાના ચાલતા કામમાં બાળ મજૂરી કરાવાઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એજન્સી દ્વારા બાળકો પાસે કામ કરાવવાનો વીડિયો વહેતો થતાં તંત્ર દ્વારા એજન્સીને સોંપેલ કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે.

નાના બાળકો પાસે ગરમ ડામર ઉંચકવાની કામગીરી કરાવાતા હોવાનો વીડિયો સુબીરથી મહાલને જોડતા રસ્તાની કામગીરીનો સામે આવ્યો છે. બાળકો પાસે કાળી મજૂરી શા માટે કરાવાઈ ? તેને લઈને પણ કેટલાક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે. હવે આ બાળકો પાસે ગેરકાયદેસર કામ કરાવનારા એજન્સી કે લોકો સામે કાર્યવાહી થશે કે કેમ તે જોવું રહ્યું. માહિતી મુજબ સુબીર થી મહાલ જતા ડામર સપાટીનું કામ સેજ કન્સ્ટ્રકશન એજન્સી દ્વારા કરાવાઇ રહ્યું હોવાનું સામે આવ્યું છે. સંબંધિત વિભાગ દ્વારા સંપર્ક કરવામાં આવતા ઉડાઉ જવાબ આપવામાં આવ્યો હતો.

Related Articles

Back to top button