દેશરાજનીતિ

બે ચૂંટણી કમિશનરોની નિમણૂક થતાં લોકસભા ચૂંટણીની જાહેરાત આજ-કાલમાં

  • નિમણૂક પ્રક્રિયા સામે વિપક્ષના નેતા અધિર રંજન ચૌધરીનો વિરોધ

  • પેનલ સમિતિએ નવા ચૂંટણી કમિશનરો તરીકે પૂર્વ આઈએએસ અધિકારીઓ જ્ઞાનેશ કુમાર અને સુખબિર સંધુની પસંદગી કરી

  • ગઈકાલે રાતે મને 212 નામ અપાયા હતા, પેનલ સમિતિ સમક્ષ છ નામ રજૂ કરાયા : અધિર રંજન

  • પીએમ, ગૃહમંત્રીએ અગાઉથી જ નામની પસંદગી કરી હતી, વિપક્ષના નેતાને ઔપચારિક્તા માટે હાજર રખાયાનો દાવો


લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચમાં બે ચૂંટણી કમિશનરોની જગ્યા ખાલી પડી હતી. જોકે, કેન્દ્ર સરકારે યુદ્ધના ધોરણે કામગીરી કરી ગુરુવારે ચૂંટણી કમિશનરના બંને પદો પર પૂર્વ આઈએએસ અધિકારીઓ જ્ઞાનેશ કુમાર અને સુખબિર સંધુની નિણમૂક કરી છે. નવા બે ચૂંટણી કમિશનરોની નિમણૂક થઈ જતા હવે લોકસભા ચૂંટણીની તારીખો અને કાર્યક્રમ ટૂંક સમયમાં જાહેર થવાની સંભાવના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે ગુરુવારે સવારે પેનલ સમિતિની બેઠકમાં બંને ચૂંટણી કમિશનરોની નિમણૂક કરાઈ હતી. જોકે, આ પસંદગી પ્રક્રિયા સામે પેનલ સમિતિના સભ્ય અને લોકસભામાં વિપક્ષના નેતા અધિર રંજન ચૌધરીએ વાંધો ઉઠાવ્યો હતો. પેનલ સમિતિની બેઠક પછી સત્તાવાર રીતે નવા ચૂંટણી કમિશનરોના નામ જાહેર થાય તે પહેલાં અધિર રંજન ચૌધરીએ નવા ચૂંટણી કમિશનરોના નામ જાહેર કરી દીધા હતા. તેમણે આ નિમણૂક પ્રક્રિયાને ઔપચારિક ગણાવી હતી.

કાયદા મંત્રાલયે ગુરુવારે સાંજે નોટિફિકેશન જારી કરીને ચૂંટણી કમિશનરપદે બે નવા અધિકારીઓની નિમણૂકની જાહેરાત કરી હતી. આ સાથે હવે ચૂંટણી પંચમાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર ઉપરાંત બે ચૂંટણી કમિશનરો જ્ઞાનેશ કુમાર અને સુખબિર સંધુનો સમાવેશ થાય છે. ચૂંટણી પંચના સભ્યોની સંખ્યા પૂર્ણ થતા હવે ટૂંક સમયમાં જ લોકસભા ચૂંટણીની તારીખો અને કાર્યક્રમ જાહેર થવાની સંભાવના છે.

લોકસભાની ચૂંટણીની જાહેરાત પહેલાં ચૂંટણી પંચમાં ખાલી બે પદો ભરવા માટે ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે પેનલ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પીએમ મોદી ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ અને લોકસભામાં વિપક્ષના નેતા તરીકે અધિરરંજન ચૌધરીનો સમાવેશ થાય છે. વધુમાં આ બેઠકમાં કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલના અધ્યક્ષપદે શોધ સમિતિના સભ્યો પણ હાજર હતા. આ બેઠકમાં બે ચૂંટણી કમિશનરોના નામની પસંદગી થઈ હતી અને ચૂંટણી પંચ આ નામોની જાહેરાત કરે તે પહેલાં જ કોંગ્રેસ નેતા અધિર રંજન ચૌધરીએ આ નામ જાહેર કરી દીધા હતા. સાથે જ ચૌધરીએ નવા ચૂંટણી કમિશનરોની પસંદગીની પ્રક્રિયા સામે પણ વાંધો ઉઠાવ્યો હતો.

અધિર રંજન ચૌધરીએ કહ્યું હતું કે, તેમણે ચૂંટણી પંચમાં કમિશનરનાપદો માટે શોર્ટલીસ્ટ કરવામાં આવેલા નામોની યાદી માગી હતી, પરંતુ તેમને સમિતિની બેઠક પહેલાંની રાતે ૨૧૨ નામોની યાદી અપાઈ હતી. પીએમ મોદીના અધ્યક્ષપદે પેનલ સમિતિની બેઠક પૂરી થયા પછી તુરંત જ ચૌધરીએ તેમના ઘરે જણાવ્યું હતું કે, બે ચૂંટણી કમિશનરોની પસંદગી માટે પેનલ સમક્ષ છ નામ રજૂ કરવામાં આવ્યા હતા અને તેમાંથી સુખબીર સંધુ અને જ્ઞાનેશ કુમારની પસંદગી હાઈ-પાવર્ડ પેનલના સભ્યોની બહુમતીના આધારે કરાઈ છે. પેનલ સમક્ષ રજૂ કરવામાં આવેલા છ નામોમાં ઉત્પલ કુમાર સિંહ, પ્રદીપ કુમાર ત્રિપાઠી, જ્ઞાનેશ કુમાર, ઈન્દેવર પાંડે સુખબિર સિંહ સંધુ, સુધિર કુમાર ગંગાધર રહાતેનો સમાવેશ થાય છે. આ બધા જ પૂર્વ બ્યુરોક્રેટ છે.

જોકે, અધિર રંજન ચૌધરીએ જણાવ્યું હતું કે, બંને ચૂંટણી કમિશનરોની નિમણૂક પહેલાં સુધી તેમની પૃષ્ઠભૂમિ, અનુભવ અને સત્યનિષ્ઠા અંગે મારી પાસે કોઈ માહિતી નથી અને ચૂંટણી કમિશનરોની પસંદગી માટેની આ ખામીવાળી પ્રક્રિયા મને પસંદ નથી. ચૌધરીએ દાવો કર્યો હતો કે બંને ચૂંટણી કમિશનરોની નિમણૂકની ૧૦ મિનિટ પહેલાં જ તેમને ઉમેદવારોના નામ અપાયા હતા. સરકારે બંને ઉમેદવારોની પસંદગી પહેલાથી જ કરી લીધી હતી. આ બેઠક માત્ર ઔપચારિકતા માટે હતી.

તેમણે ઉમેર્યું કે, મેં આ નિમણૂકનો વિરોધ નોંધાવ્યો છે. મને આ બેઠકમાં ઔપચારિક્તા માટે બોલાવાયો હતો. આ બેઠકમાં મુખ્ય ન્યાયાધીશ સભ્ય તરીકે હાજર હોત તો પરિસ્થિતિ કંઈક અલગ હોત. મને ગઈકાલે રાતે ૨૧૨ નામોની યાદી અપાઈ હતી. ચૂંટણી કમિશનરોની પસંદગી અંગે સંસદમાં નવો કાયદો પસાર થયો તે પહેલાં સુધી વડાપ્રધાનના અધ્યક્ષપદે પેનલ સમિતિમાં લોકસભામાં વિપક્ષના નેતા અને મુખ્ય ન્યાયાધીશનો સમાવેશ થતો હતો.

ચૌધરીએ કહ્યું કે, મેં ચૂંટણી કમિશનરના પદો માટે કોઈ નામ રજૂ કર્યા નથી. માત્ર આ પ્રક્રિયા અંગે મારો વિરોધ નોંધાવ્યો છે. ૨૦૦થી વધુ લોકોની યાદીમાંથી છ નામની પસંદગી કેવી રીતે થઈ તે અંગે કોઈ સ્પષ્ટતા નથી. ચૂંટણી કમિશનરોની પસંદગી સમિતિમાં મુખ્ય ન્યાયાધીશ સભ્ય તરીકે હાજર હોત તો આ રીતે નિમણૂક ના થઈ હોત. ચૂંટણી કમિશનર અનુપચંદ્ર પાંડે ૧૪ ફેબુ્રઆરીએ નિવૃત્ત થયા અને અરુણ ગોયલે લોકસભા ચૂંટણી પહેલાં અચાનક જ રાજીનામું આપી દેતાં ચૂંટણી પંચમાં બે ચૂંટણી કમિશનરોની જગ્યા ખાલી પડી હતી.

બંને ચૂંટણી કમિશનર 1988ની બેચના અધિકારી

  • ગૃહમંત્રાલયમાં જ્ઞાનેશ કુમારના કાર્યકાળમાં કલમ 370 દૂર કરાઈ હતી
  • સુખવિંદર સિંહ સંધુ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, ઉત્તરાખંડના સીએમ ધામી સાથે કામ કરી ચૂક્યા છે

ચૂંટણી પંચમાં બે પૂર્વ બ્યુરોક્રેટ જ્ઞાનેશ કુમાર અને સુખવિંદર સંધુને નવા ચૂંટણી કમિશનર બનાવાયા છે. પસંદગી થઈ છે. કેરળ કેડરના પૂર્વ અધિકારી જ્ઞાનેશ કુમાર જમ્મુ-કાશ્મીરમાંથી બંધારણની કલમ ૩૭૦ નાબૂદ કરવાના ઐતિહાસિક નિર્ણય સાથે સંકળાયેલા છે જ્યારે સુખબિર સંધુ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી સાથે કામ કરી ચૂક્યા છે.

જ્ઞાનેશ કુમાર કેરળ કેડરના નિવૃત્ત આઈએએસ અધિકારી છે. તેઓ કેન્દ્રીય ગૃહમંત્રાલયમાં કાશ્મીર ડિવિઝનના ઈન્ચાર્જ હતા. તેમના કાર્યકાળમાં જ કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી બંધારણની કલમ ૩૭૦ નાબૂદ કરવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો હતો. ૧૯૮૮ બેચના અધિકારી જ્ઞાનેશ કુમાર મે ૨૦૨૨માં સહકારિતા મંત્રાલયના સચિવ બનાવાયા હતા. જ્ઞાનેશ કુમારને સહકારિતા મંત્રાલયમાં દેવેન્દ્ર કુમાર સિંહની જગ્યાએ તૈનાત કરાયા હતા. તેઓ ૩૧ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ નિવૃત્ત થયા હતા. જ્ઞાનેશ કુમારે ગૃહ મંત્રાલય અને સહકારિતા મંત્રાલયમાં સચિવ પદે અમિત શાહ સાથે કામ કર્યું હતું.

આ સિવાય અન્ય ચૂંટણી કમિશનર સુખવિંદર સિંહ સંધુ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી સાથે કામ કરી ચૂક્યા છે. વર્ષ ૨૦૨૧માં મુખ્યમંત્રી બનવાની સાથે પુષ્કરસિંહ ધામીએ સંધુની મુખ્ય સચિવપદે નિમણૂક કરી હતી. ઉત્તરાખંડના મુખ્ય સચિવ બનતા પહેલા સંધુ ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ ઓથોરિટી એનએચએઆઈના અધ્યક્ષ હતા. એનએચએઆઈના અધ્યક્ષ તરીકે પરિવહન મંત્રી નીતિન ગડકરીએ તેમની ખૂબ જ પ્રશંસા કરી હતી. સુખબિર સિંહ સંધુ પણ ૧૯૮૮ની બેચના ઉત્તરાખંડના આઈએએસ અધિકારી હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button