સંપાદકીય

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ખાસ: ભારતની મહિલાઓ ખરેખર સમૃદ્ધ અને સશક્ત થઈ રહી છે?

અનેક ક્ષેત્રોમાં મહિલાઓની પ્રગતિ પછી પણ વર્ષ 2024માં એ સવાલ યથાવત્ છે કે સ્વાસ્થ્ય, કામકાજનાં સ્થળો, કારોબાર અને રાજકારણમાં મહિલાઓની હાલની સ્થિતિ શું છે?
પહેલાંની સરખામણીમાં ભારતની મહિલાઓ પ્રગતિ કરી શકી છે કે કેમ, એ જાણવા માટે અમે હાલમાં દેખાઈ રહેલા ટ્રૅન્ડને સમજવા માટે ભારત સરકારના ડેટાનું વિશ્લેષણ કર્યું હતું.
જો આપણે અલગ-અલગ ક્ષેત્રોમાં મહિલાઓનાં પ્રતિનિધિત્વની વાત કરીએ તો ભારત સરકારના ડેટાથી એ ખ્યાલ આવે છે કે છેલ્લાં કેટલાક વર્ષોમાં તેમાં ઘણો સુધારો થયો છે.
જોકે, વિશ્લેષકો માને છે કે તેના પર હજુ વધુ ધ્યાન આપવામાં આવે તો હજુ પણ સુધારાનો અવકાશ છે.

અમે કેટલાંક ક્ષેત્રોમાં મહિલાઓની હાજરીની સમીક્ષા કરી હતી જેના કારણે વિભિન્ન ક્ષેત્રોમાં મહિલાઓના પ્રતિનિધિત્ત્વને સમજી શકાય.

શ્રમ ક્ષેત્રમાં મહિલાઓ

સરકાર નિયમિત અંતરે કામદારોનો સર્વે કરાવે છે. આ ડેટાથી એ ખ્યાલ આવે છે કે જે કામમાં શ્રમ રહેલો છે તેમાં મહિલાઓનું પ્રતિનિધિત્ત્વ વધ્યું છે.

વર્ષ 2017-18માં કામદારોમાં મહિલાઓની ભાગીદારી 23.3 ટકા હતી જે 2020-21માં વધીને 32.5 ટકા થઈ ગઈ છે.

ભારતમાં શ્રમિક મહિલાઓની સંખ્યા વધી રહી છે પરંતુ પડકારોની વચ્ચે એ આશાનું કિરણ દેખાય છે.

સંખ્યા વધી હોવા છતાં એવાં હજારો મહિલાઓ છે જેમણે કોવિડ દરમિયાન અને ત્યારપછી કામ છોડી દીધું હતું. મહિલા કામદારો હજુ પણ વસ્તીની દૃષ્ટિએ પુરૂષો સાથે સમાનતા મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે.

આંબેડકર યુનિવર્સિટીમાં પ્રોફેસર દીપા સિંહા અસંગઠિત ક્ષેત્રમાં શ્રમિકો સાથે સંકળાયેલા સટીક ડેટાની અનુપલબ્ધતાને રેખાંકિત કરતા કહે છે કે તેના કારણે જ કામદાર વર્ગમાં લૈંગિક અનુપાતને સમજવું વધુ મુશ્કેલ બને છે.

બાળકોને જન્મ આપવો, મૅટરનિટી લીવ અને સમાન વેતન જેવા પડકારોને કારણે કામદાર વર્ગમાં મહિલાઓની હાજરી હજુ પણ પડકારરૂપ છે.

ડૉ. સિંહા ભારપૂર્વક જણાવે છે, “ઘણી સ્ત્રીઓ પોતાની મરજીથી અથવા તો દબાણ હેઠળ શિક્ષણ અને કામ છોડી દે છે. જેનાથી લીડરશિપ સ્તરના હોદ્દાઓમાં તેમનું પ્રતિનિધિત્વ ઘટે છે.”

તેઓ કહે છે કે નિર્ણય લેવા માટે મહત્ત્વનાં પદોની સ્થિતિમાં ફેરફાર રાતોરાત થશે નહીં, પરંતુ કામકાજના સ્થળો (વર્કપ્લેસ)માં લૈંગિક સમાનતા સાથે વધુ સારું અને સલામત વાતાવરણ બનાવવું વધુ મહત્ત્વપૂર્ણ છે.

વિજ્ઞાન અને ટેકનૉલૉજી, એન્જિનિયરિંગ અને ગણિતનાં ક્ષેત્રોમાં આગળ નીકળી મહિલાઓ

ચ્ચ શિક્ષણ ક્ષેત્રે દેશભરમાં થયેલા સર્વેથી એ ખ્યાલ આવે છે કે શૈક્ષણિક વર્ષ 2020-21માં ભારતમાં 29 લાખથી વધુ મહિલાઓએ સ્ટેમ (વિજ્ઞાન અને ટેકનૉલૉજી, એન્જિનિયરિંગ અને ગણિત) વિષયોમાં અભ્યાસ માટે ઍડમિશન લીધું છે. આ સંખ્યા પુરુષોથી વધુ છે. કુલ 26 લાખ પુરુષોએ આ વિષયોમાં ઍડમિશન લીધું છે.

2016-17માં, મહિલાઓ આ વિષયોમાં ઍડમિશનની દૃષ્ટિએ પુરુષો કરતાં પાછળ હતી. જોકે, વર્ષ 2017-18માં આ વિષયોમાં મહિલાઓની સંખ્યામાં વધારો થયો અને બીજા જ વર્ષે એટલે કે 2018-19માં મહિલાઓએ આ વિષયોમાં પ્રવેશ લેવામાં પુરુષોને પાછળ છોડી દીધા.

ગ્લૉબલ જેન્ડર ગૅપ રિપોર્ટ અનુસાર, ભારતમાં કુલ સ્ટેમ વર્કફોર્સમાં મહિલાઓનો હિસ્સો 27 ટકા છે. જોકે, હજુ પણ પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે ઉચ્ચ વેતન અસમાનતા છે.

લૈંગિક વેતન અસમાનતાના સંદર્ભમાં ભારત 146 દેશોની યાદીમાં 127મા ક્રમે છે.

પ્રૉફેસર દીપા સિંહા કહે છે કે સ્ટેમ વિષયોમાં પ્રયોગશાળાઓ સુધી જવું અને પ્રયોગો કરવા એ ખૂબ જ મહત્ત્વનું હોય છે.

દીપા સિંહા ભારપૂર્વક જણાવે છે કે આવાં સંસાધનો સુધી મહિલાઓની પહોંચ એ આ ક્ષેત્રમાં મહિલાઓની પ્રગતિને ટકાવી રાખે છે.

મોડી રાત સુધી કામ કરવું પડે એવાં વર્કપ્લેસ પર સલામતીની ચિંતાઓ પર ધ્યાન આપવાની પણ જરૂર છે અને આ બાબતે નીતિ ઘડનારાઓએ વધુ જવાબદાર બનવાની જરૂર છે.

સંસદમાં પ્રતિનિધિત્ત્વ

ભારતીય સંસદનું નીચલું ગૃહ ગણાતી લોકસભામાં વર્ષ 1999માં 48 મહિલા સભ્યો ચૂંટાયાં હતાં જેમની સંખ્યા વર્ષ 2019માં વધીને 78 સુધી પહોંચી ગઈ. ત્યારબાદ થયેલી કેટલીક પેટાચૂંટણીઓ પછી એ સંખ્યા હજુ પણ વધી ગઈ છે.

રાજ્યસભામાં પણ એવો જ ટ્રૅન્ડ જોવા મળી રહ્યો છે. રાજ્યસભામાં માટે નામાંકિત થનારાં મહિલાઓની સંખ્યા વર્ષ 2012માં 9.8 ટકાથી વધીને 2021માં 12.4 ટકા સુધી પહોંચી છે.

જોકે, તેનાથી રાજકારણમાં મહિલાઓનું પ્રતિનિધિત્ત્વ ભલે જ વધતું દેખાય પરંતુ પુરુષોની સરખામણીમાં હજુ પણ ખૂબ ઓછું છે.

ઇકોનોમિક ફોરમની જેન્ડર પે ગૅપ રિપોર્ટ અનુસાર મહિલાઓના રાજકીય સશક્તિકરણના મામલામાં ભારત 146 દેશોની સૂચિમાં 56મા ક્રમે છે.

ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશે ભારતને પાછળ છોડીને મહિલાઓના રાજકીય સશક્તિકરણમાં ટોપ ટેન દેશોમાં સ્થાન મેળવ્યું છે.

બિઝનેસ સ્ટાન્ડર્ડના કન્સલ્ટિંગ એડિટર અને વરિષ્ઠ પત્રકાર રાધિકા રામાશેષન કહે છે કે દેશમાં યોજાયેલી પ્રથમ ચૂંટણીથી અત્યાર સુધી રાજકારણમાં મહિલાઓની હાજરી વધી છે. જોકે, હજુ પણ ભારતમાં મહિલાઓને તેમની વસ્તી મુજબ સંસદમાં પ્રતિનિધિત્વ મળ્યું નથી.

રામાશેષન કહે છે કે આ માત્ર એક રાજકીય પક્ષ પૂરતું મર્યાદિત નથી. વળી, મહિલા અનામત બિલ હજુ કાયદો બન્યું નથી અને આ કારણોસર રાજકીય પક્ષોમાં હજુ સુધી તેનો અમલ થયો નથી.

આરોગ્ય ક્ષેત્રે કુપોષણ અને મેદસ્વિતા બન્ને મહિલાઓમાં વધુ છે

નેશનલ ફેમિલી હૅલ્થ સર્વેના ડેટા અનુસાર ભારતમાં અત્યાર સુધીમાં 18 ટકા મહિલાઓનો બીએમઆઈ (બૉડી માસ ઇન્ડેક્સ) હજુ ઓછો છે જોકે, વર્ષ 2015-16માં એ 22.9 ટકા હતો.

જોકે, ઓછા વજનવાળી મહિલાઓની સંખ્યા ભલે ઓછી થઈ હોય પરંતુ મેદસ્વીપણું પુરુષોની સરખામણીમાં મહિલાઓમાં વધુ વ્યાપક બન્યું છે. સર્વેથી એ ખ્યાલ આવે છે કે ભારતમાં 24 ટકા મહિલાઓ મેદસ્વીપણાનો શિકાર છે અને જ્યારે 22.9 ટકા પુરુષો તેનો શિકાર છે.

પોષણ સાથે જોડાયેલી ચિંતાઓ સાથે-સાથે ડેટાથી એ ખ્યાલ પણ આવે છે કે મહિલાઓમાં દરેક ઉંમરનાં જૂથોમાં એનીમિયા સતત વધી રહ્યો છે.

ભારતમાં 15-49 ઉંમરના વર્ગની 57.2 ટકા મહિલાઓ ઓછા પોષણથી પીડાય છે. આ દર 2015-16માં 53.2 ટકા હતો. આ જ ઉંમરની ગર્ભવતી મહિલાઓમાં લોહતત્ત્વનું પ્રમાણ પણ ઓછું જોવા મળે છે.

સેન્ટર ફૉર સોશિયલ મેડિસિન ઍન્ડ કૉમ્યુનિટી હૅલ્થ સાથે જોડાયેલાં ડૉ. સ્વાતિ એચઆઈવી ફિઝિશિયન છે. ડૉ. સ્વાતિ કહે છે કે સ્વાસ્થ્ય શિક્ષણને સામાજિક અને સાંસ્કૃતિક રૂપે જોવાની પણ જરૂર છે અને અમુક મુદ્દાઓ પ્રત્યે ધ્યાન આપવાની તાતી જરૂર છે.

ભારત જેવા દેશમાં જ્યાં ખાદ્ય જરૂરિયાતો પૂરા કરવાના મામલામાં પુરુષોને પ્રાથમિકતા આપવામાં આવે છે. અહીં એનીમિયા એ પોષણની ઉણપ અને ગરીબીને કારણે પણ જોવા મળે છે. તેના કારણે મહિલાઓ તમામ જરૂરી પોષકતત્ત્વો મેળવી શકતાં નથી અને કુપોષણનાં શિકાર મહિલાઓની સંખ્યા વધી જાય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button