માંડવી

જળસંકટના એંધાણ, ગુજરાતમાં સૌરાષ્ટ્રના 24 ડેમ મેદાનમાં ફેરવાયા, ઉનાળો જામે તે પહેલા ચિંતા વધી

આભમાંથી અગનવર્ષાથી પાણીનું બાષ્પીભવન પણ વધ્યું, રાજ્યના 207 ડેમોમાં 47.89 ટકા એટલે કે ગત વર્ષ કરતા 14,346 MCFT ઓછો જળસંગ્રહ

ધોમધખતો તાપ વરસી રહ્યો છે અને ભેજનું પ્રમાણ પણ ઓછુ રહે છે જેના પગલે જળાશયોમાં પાણીનો બાષ્પીભવન દર પણ વધી રહ્યો છે. જળસપાટી ઝડપથી નીચે ઉતરી રહી છે ત્યારે આજની સ્થિતિએ સમગ્ર રાજ્યમાં કૂલ 24 જળાશયો મેદાનમાં ફેરવાઈ ગયા છે જ્યાં ઝીરોથી માંડીને 1 ટકા કરતા પણ ઓછું છે અને આ તમામ ડેમો સૌરાષ્ટ્રમાં આવેલા છે. ઉપરાંત 19 જળાશયો એવા છે જે 95થી 99 ટકા ખાલી થઈ ગયા છે.

રાજ્યમાં હજુ વરસાદનું આગમન થવાને કમસેકમ બે માસ બાકી છે અને જળાશયોમાં નવા નીર તો સામન્ય સંજોગોમાં જૂલાઈ માસમાં આવતા હોય છે ત્યારે આજે તા. 18 એપ્રિલની સ્થિતિએ સૌરાષ્ટ્રના 141 ડેમોમાં માત્ર 25.53 ટકા જળસંગ્રહ રહ્યો છે જે ઝડપથી ખાલી થઈ રહ્યો છે. સરદાર સરોવર આશરે અર્ધો ખાલી થયો છે અને હાલ તેમાં 50.63  ટકા સંગ્રહ છે. જ્યારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ડેમોમાં 53થી 54 ટકા જળસંગ્રહ છે.

એકંદરે રાજ્યમાં ગત વર્ષે આજની સ્થિતિએ 4.42 લાખ એમ.સી.એફટી.નો જળસંગ્રહ હતો તે સામે આ વર્ષે તેના કરતા 14346 એમ.સી.એફટી. ઓછો, 4.27 લાખ એમ.સી.એફટી.નો સંગ્રહ છે. આમ, સમગ્ર રાજ્યમાં પીવાના અને સિંચાઈના પાણીનો મદાર સારા ચોમાસા પર છે અને આ વખતે ચોમાસુ સારૂ હોવાની આગાહી થઈ છે પરંતુ, વરસાદ ક્યારે આવશે તે હજુ નિશ્ચિત નથી.

Related Articles

Back to top button