તાપી

સંપત્તિની મોહમાયામાં કટાસવાણમાં ખેતરના શેઢા પર ઘાસ કાપતા મહિલા પર હુમલો

ઉચ્છલ તાલુકાના કટાસવાણ ગામમાં ખેતરના શેઢા પરથી ઘાસ કાપવા ના મુદ્દે પાડોશી ખેડૂતો વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન એક ખેડૂતે પાડોશી મહિલા ખેડૂત પર બળદ હાંકવાની લોખંડની પરોણી વડે હુમલો કરી આડેધડ ઘા મારી તેમને હોસ્પિટલ ભેગા કરી દીધાં હતાં.

કટાસવાણ ગામમાં રહેતાં સુરજી બહેન બાબલ્યા ભાઈ ગામીત ખેતી કામ કરી ગુજરાન ચલાવે છે. ગુરુવારે સવારે તેઓ તેમની દીકરાની દીકરી સાથે ગામના પંઢારી ફળિયામાં આવેલા ખેતરે ઘાસ કાપવા માટે ગયાં હતાં. આ સમયે તેમની બાજુમાં જ આવેલા ખેતરમાં અરવિંદ નપરિયાભાઈ ગામીત બળદની મદદથી ખેતરમાં ખેડ કામ કરતો હતો. સુરજી બહેન અને નિકિતા ખેતરના શેઢા પરથી ઘાસ કાપતાં હતાં ત્યારે અરવિંદ ત્યાં આવ્યો હતો અને કહ્યું કે ખેતરનો આ શેઢો મારો છે તમારે અહીં થી ઘાસ કાપવું નહિ, જેથી સુરજી બહેને કહ્યું કે આ શેઢો આપણો સહિયારો છે જેથી અહીંથી ઘાસ કાપવાનો મારો પણ હક છે તમે અટકાવી શકો નહિ.

આ મુદ્દે તેમની વચ્ચે બોલાચાલી થતાં અરવિંદ ગામિતે ગાળો આપી હતી અને ઉશ્કેરાટમાં આવી ગયો હતો. તે નજીકના ખેતરમાં દોડી જઇ બળદ હાંકવાનો લોખંડની પરોણી લઈ આવ્યો હતો અને તેના વડે સુરજી બહેનના માથાના ભાગે ત્રણ ઘા મારી દીધાં હતાં અને સાથળ અને પીઠના ભાગે પણ આડેધડ ઘા માર્યા હતાં જેથી સુરજી બહેન લોહી લુહાણ થઇ ગયાં હતાં અને ઢળી પડ્યા હતાં. આ સમયે આરોપી અરવિંદ ગામિતે જતાં જતાં ધમકી આપી હતી કે હવે પછી અહીં થી ઘાસ કાપશો તો હું તમને જાન થી મારી નાંખીશ.આ દ્રશ્ય નિહાળતાં નિકિતા ગામીત ઘર તરફ દોડી ગઈ હતી અને બનાવ અંગે જાણ કરતાં તેમના પરિવારજનો ખેતરે દોડી આવ્યાં હતાં અને ગંભીર ઇજાગ્રસ્ત સુરજી બહેન ગામીતને 108 વાનની મદદથી સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ઉચ્છલ ખાતે લઈ આવ્યાં હતાં. આ બનાવ અંગે ઉચ્છલ પોલીસ મથકે આરોપી અરવિંદ નપરિયા ગામીત સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button