ગુનોતાપી

દૂધ મંડળીના પ્રમુખની ચૂંટણી અદાવતમાં યુવક પર હુમલો

સોનગઢના નાના કાકડકુવા ગામે તાજેતરમાં યોજાયેલી દૂધ મંડળીની ચૂંટણીમાં હારેલા ઉમેદવાર અને તેના પુત્રએ ગામના યુવક પર ક્રિકેટના બેટ વડે હુમલો કરી તેને ઘાયલ કરી દીધો હતો. આ બનાવમાં યુવકની માતા અને ભાઈને પણ વાંસની લાકડી વડે હુમલો કરવામાં આવ્યો હતો.


સોનગઢ તાલુકાના નાના કાકડકુવા ગામે રહેતાં બીન્યામિન ગામીત ખેતી અને મજૂરી કરી ગુજરાન ચલાવે છે. તાજેતરમાં ગામની દૂધ મંડળીના પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી તેમાં તત્કાલીન પ્રમુખ ગમન પાડવીયા ગામીતની હાર થઇ હતી.ગામના ડુંગરી ફળિયામાં રહેતો યુવક બીન્યામીન ગામીત ગત રોજે બપોરે ક્રિકેટ રમી પરત આવી એક દુકાન પર ઉભો હતો ત્યારે હનોક ગમન ગામીત અને ગમન પાડવીયા ગામીત ત્યાં આવ્યાં હતાં. આ પૈકીના હનોક ગામિતે બીન્યામીન ને કહ્યું કે દૂધ ડેરીના પ્રમુખ પદની ચૂંટણીમાં તમે અમારા વિરુદ્ધમાં રહી કામ કરી અમારું પ્રમુખ પદ છોડાવી દીધું છે તે બરાબર કર્યું નથી એમ કહી બીન્યામીન ગામીતની હાથ માંથી બેટ ઝૂંટવી લઈ તેના વડે મારવા નું શરૂ કર્યું હતું. આ સમયે ફરિયાદી પોતાનો જીવ બચાવી નાસી ગયો હતો અને સંતાઈ ગયો હતો. બીન્યામીન હાથમાંથી છટકી જતાં આરોપી હનોક ગામીત અને ગમન ગામીત તેના ઘરે પહોંચી ગયાં હતાં. તેમણે ફરિયાદીના ભાઈ ફિલિપભાઈ અને માતા રામીબહેન ગામીતને વાંસની લાકડીથી માર માર્યો હતો.

એ પછી બીન્યામીન ઘરે આવતાં તેની સાથે પણ ગાળા ગાળી કરી હાથ અને લાતથી તમામને માર માર્યો હતો. એ પછી આરોપી હનોક ગામીત અને ગમન ગામીત ફરિયાદીને કહ્યું કે આજે તો તમે બચી ગયાં છો બીજી વખત તમે મળશો તો જાન થી મારી નાખીશું. ત્યારબાદ ગ્રામજનો દોડી આવતાં આરોપીઓ નાસી ગયાં હતાં. હુમલામાં ઇજાગ્રસ્ત બનેલાં ત્રણે વ્યક્તિઓને સારવાર અર્થે સોનગઢ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. આ અંગે સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button