દેશ

રાહુલ ગાંધીની ન્યાય યાત્રામાં અખિલેશ પણ દેખાયા

સાત વર્ષ પછી એક મંચ પર

  • નફરતના રાજકારણ, રોજગાર, યુવાઓની આત્મહત્યા સહિતના મુદ્દા ઉઠાવ્યા

કોંગ્રેસની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ આજે ઉત્તર પ્રદેશના આગ્રા શહેરના તાજનગરી પાસે પહોંચી હતી, જેમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી ઉપરાંત સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ પણ સાથે જોડવા મળ્યા હતા. યાત્રામાં રાહુલ ગાંધીએ ભાજપ પર નફરત ફેલાવવાનો આક્ષેપ કર્યો હતો, તો અખિલેશ યાદવે રોજગાર, યુવાઓની આત્મહત્યા સહિતના મુદ્દા ઉઠાવ્યા હતા.

ભાજપ નફરત ફેલાવવાનું કામ કરે છે : રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ સંબોધનમાં જણાવ્યું કે, ‘ભાજપ નફરત ફેલાવવાનું કામ કરે છે. અમે આ નફરતને મોહબ્બતથી હટાવીશું. દેશમાં અન્યાય વધી રહ્યો છે. જો તમે ગરીબ છો, તો તમારે દેશમાં 24 કલાક અન્યાયનો સામનો કરવો પડશે. નફરતની કારણ અન્યાય છે, તેથી અમે અમારી યાત્રામાં ન્યાય શબ્દને જોડ્યો છે. એક વર્ષ પહેલા ભારત જોડો યાત્રા કન્યાકુમારીથી કાશ્મીર સુધી યોજાઈ હતી. હું દરિયાકાંઠાના તટ પર ચાલ્યો અને અમારી યાત્રા છેક હિમાલય સુધી પહોંચી. ત્યારે એવો મેસેજ સામે આવ્યો કે, અમે મહોબ્બતની દુકાન ખોલી રહ્યા છીએ. આ દેશ નફરતનો નહીં, મહોબ્બતનો દેશ છે. અમારી પ્રથમ લડાઈ નફરતને ખતમ કરવાની છે. નફરતને મહોબ્બતથી જ ખતમ કરી શકાય છે.’

સરકાર જાણીજોઈને પેપર લીક કરાવે છે : અખિલેશ યાદવ

યાત્રામાં રાહુલ સાથે ઉપસ્થિત રહેતા અખિલેશ યાદવે કહ્યું કે, ‘અમારો એક જ સંદેશ છે… ભાજપ હટાવો, દેશ બચાવો, સંકટ હટાવો. અમે જય જવાન, જય કિસાનના નારા લગાવીએ છીએ, પરંતુ ભાજપના લોકો ભારત માતાની જય બોલતા થાકતા નથી. વિચારો… જે દેશનો ખેડૂત દુઃખી છે, યુવાઓના સ્વપ્ન તોડવામાં આવી રહ્યા છે, યુવાઓનું ભવિષ્ય ન હોય, તેમની પાસે રોજગાર ન હોય, યુવાઓ ડિગ્રી સળગાવી આત્મહત્યા કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ ભરતી થવી જોઈએ, પરંતુ રોજગાર ન મળ્યો. આવી કોઈ સરકારી ભરતી નથી જેમાં પેપર લીક ન થયું હોય. સરકાર જાણીજોઈને પેપર લીક કરાવે છે. અમને આશા છે કે, ઈન્ડિયા ગઠબંધન (INDIA Alliance) અને PDAની લડાઈ NDAને હરાવશે.’

ગરીબ-પછાતને મળતું સન્માન ભાજપે લૂંટવાનું કામ કર્યું : અખિલેશ

અખિલેશે વધુમાં કહ્યું કે, ‘આગરા વિશ્વભરમાં પ્રખ્યાત છે. મને ખુશી છે કે, તેઓ (રાહુલ) મહોબ્બતની દુકાન લઈને આવ્યા છે અને આ આખું શહેર મહોબ્બતનું શહેર છે. તમે જેટલું મહોબ્બત ભરી શકો, તેટલું લઈ જાવ અને આખી યાત્રામાં સૌને આપતા આપતા આગળ વધો. આવનારા સમયમાં લોકતંત્રને બચાવવાનો પડકાર છે. બંધારણ બચાવવાનો પડકાર છે. ભીમરામ આંબેડકરે ગરીબ-પછાતને સન્માન મળવાનું જે સ્વપ્ન જોયું હતું, અગાઉ સન્માન મળી રહ્યું હતું, પરંતુ BJPએ તેને લૂંટવાનું કામ કર્યું છે.’

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button