નર્મદાભરૂચરાજનીતિ

ભરૂચ લોકસભા બેઠક ઉપર 57 ટકા આદિવાસી, મુસ્લિમ મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવશે

ભરૂચ લોકસભા બેઠક ઉપર ભાજપ અને આપના ઉમેદવારો વચ્ચે કાંટે કી ટક્કર છે. ૧૯૮૯માં પહેલી વખત કોંગ્રેસના દિગ્ગજ મર્હુમ અહેમદ પટેલને ૧,૧૫,૩૩૫ મતે ભાજપના સ્વ.ચંદુભાઈ દેશમુખે હરાવ્યા હતા. એ સમયે હિન્દુત્વનો માહોલ હોવાથી સતત ચાર વખત ભાજપનાં સ્વ.ચંદુભાઈ દેશમુખ વિજેતા બન્યા હતા. ત્યારબાદ ૧૯૯૮માં તેમનું અવસાન થતા આ બેઠક પર સતત છ ટર્મ સુધી મનસુખભાઈ વસાવા ચૂંટણી જીતતા આવ્યા છે. આ વખતે ગઠબંધનને લઈને પહેલીવાર કોંગ્રેસ પાર્ટીનું ચિન્હ ભરૂચ લોકસભામાં જોવા નહિ મળે.

  • ભરૂચ લોકસભા બેઠક ઉપર 57 ટકા આદિવાસી, મુસ્લિમ મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવશે

  • મુસ્લિમ અને આદિવાસી મતોનું વિભાજન કરવામાં ભાજપને સફળતા મળે તો સીધો ફાયદો થઈ શકે

ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયા, જંબુસર, વાગરા, ડેડિયાપાડા અને કરજણ વિધાનસભાનો ભરૂચ લોકસભામાં સમાવેશ થાય છે. વર્ષ ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં આ સાત વિધાનસભા બેઠકો પર ભાજપને કુલ ૬,૧૬,૪૬૧ મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસને ૩,૧૯,૧૩૧ મત મળ્યા હતા. તેમજ AAPને ૧,૫૪,૯૫૪ મત મળ્યા હતા. આ વખતે કોંગ્રેસ અને AAP ગઠબંધનથી ચૂંટણી લડતા હોવાથી બંનેના વર્ષ-૨૦૨૨ના મત ભેગા કરીએ તો ૪,૭૪,૦૮૫ મત થાય છે. જેને લઈને ભાજપને ૧,૪૨,૩૭૬ મત વધુ મળે તેવો તફાવત છે.

વર્ષ-૨૦૧૯માં ભરૂચ લોકસભામાં ભાજપને ૫૫.૪૭ ટકા મતો મળ્યા હતા. જ્યારે કોંગ્રેસને ૨૬.૪૦ ટકા મતો મળ્યા હતા. ભરૂચ લોકસભા બેઠકમાં આદિવાસી સમાજના ૩૨ ટકા મતદારો છે અને મુસ્લિમ સમાજના ૨૫ ટકા મતદારો છે. ભરૂચ લોકસભા બેઠકમાં અનેક સમસ્યાઓ મતદારો પર હાવી છે. ઉલ્લેખનીય છે કે, ભરૂચ લોકસભા બેઠકમાં આદિવાસી તેમજ મુસ્લિમ મતદારો જે પક્ષ તરફ ઝુકાવ રાખશે તે જીતી શકે તેમ છે. જો કે ભરૂચ લોકસભા બેઠક પર એમ માનવામાં આવે છે કે, મુસ્લિમ સમાજમાંથી કદાવર મુસ્લિમ નેતા અપક્ષ કે અન્ય પાર્ટીમાંથી ચૂંટણી લડે તો મુસ્લિમ મતોનાં ભાગલા પડી જાય એમ હોવાથી ભાજપ આરામથી જીતી જાય. જો કે હજુ ચૂંટણીને ૨૨ દિવસનો સમય છે, ત્યારે ભરૂચ લોકસભા બેઠક પર મતદારોને રીઝવવામાં કોણ સફળ થશે તે જોવું રહ્યું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button