દેશરાજનીતિ

પેપર લીક વિરૂદ્ધ બિલ લોકસભામાં પાસ, 10 વર્ષ સુધીની સજા અને રૂ.એક કરોડના દંડની જોગવાઈ

આ કાયદો પરીક્ષા સિસ્ટમ સાથે છેડછાડ કરનારાઓ વિરુદ્ધ લવાયો : કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ નવા કાયદાના દાયરામાં વિદ્યાર્થીઓ કે ઉમેદવારો આ કાયદાના દાયરામાં આવતા નથી

સરકારી ભરતી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પ્રશ્નપત્ર લીક અને નકલી વેબસાઈટ જેવી અનિયમિતતાઓ વિરૂદ્ધ ત્રણ વર્ષથી 10 વર્ષની જેલની સજા અને ઓછામાં ઓછા એક કરોડ રૂપિયાના દંડની જોગવાઈ વાળા ‘લોક પરીક્ષા વિધેયક, 2024’ને મંગળવારે લોકસભામાં પસાર કરી દેવાયું છે. આ બિલ અંગે કેન્દ્રીય કર્મચારી રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે, વિદ્યાર્થીઓ કે ઉમેદવારો આ કાયદાના દાયરામાં આવતા નથી. તેમણે કહ્યું કે, એવો સંદેશ પણ ન જવો જોઈએ કે, આ કાયદાથી ઉમેદવારો પરેશાન થશે.

‘આ કાયદો પરીક્ષા સિસ્ટમ સાથે છેડછાડ કરનારાઓ વિરુદ્ધ’

જિતેન્દ્ર સિંહે કહ્યું કે, ‘આ કાયદો પરીક્ષા સિસ્ટમ સાથે છેડછાડ કરનારાઓ વિરુદ્ધ લવાયો છે. આ વિધેયક રાજકારણથી ઉપર છે અને દેશના દીકરા-દીકરીના ભવિષ્ય સાથે જોડાયેલ છે.’ ગેરરીતિના કારણે પરીક્ષા રદ થાય તો પુનઃ પરીક્ષા માટે સમય મર્યાદા નક્કી કરવાના કેટલાક સભ્યોના સૂચન પર તેમણે કહ્યું કે, આવા કિસ્સાઓમાં CBI તપાસ અને અન્ય પ્રક્રિયાઓ શરૂ કરવામાં આવે છે, તેથી સમય મર્યાદા નક્કી કરવી શક્ય નથી, પરંતુ પરીક્ષા સમયસર યોજવા સરકારે પ્રયત્નો કરવા પડશે.

બિલથી આખુ વર્ષ મહેનત કરનારા વિદ્યાર્થીઓને રાહત

સરકારે લોકસભામાં પેપર લીક વિરુદ્ધ નવું વિધેયક પસાર કરાવી લીધું છે. હવે તેને ઉપલા ગૃહમાં રજુ કરાશે અને ત્યારબાદ આ બિલ રાષ્ટ્રપતિની ઔપચારિક મંજૂરી બાદ કાયદો બની જશે. આ બિલ વર્ષભર મહેનત કરી પરીક્ષાની તૈયારી કરનાર વિદ્યાર્થીઓ માટે રાહત સમાન છે. ઘણી વાર પેપર લીક થતા વિદ્યાર્થીઓની મહેનત પાણીમાં જતી રહે છે.

વિધેયકમાં ઘણી જોગવાઈ

બિલની જોગવાઈ મુજબ જો કોઈ વ્યક્તિ પરીક્ષા લીક કરશે અથવા પ્રશ્ન પેપર સાથે છેડછાડ કરતો પકડાશે તો દોષિત ઠેરવ્યા બાદ તેને 10 વર્ષની સજા અને એક કરોડ રૂપિયાનો દંડ ફટકારાશે. આ ઉપરાંત પોલીસ સીધી જ કાર્યવાહી કરી શકશે અને શંકાસ્પદની ધરપકડ કરી શકશે. કથિત ગુનાઓ સમાધાન દ્વારા ઉકેલી શકાશે નહીં.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button