માંડવી

તપાસ સમિતિ રિપોર્ટ સોંપે તે પહેલા જ અરેઠમાં કેટલીક ક્વોરીમાં બ્લાસ્ટિંગ શરૂ; ગ્રામજનોનો ઉગ્ર આંદોનલની તૈયારી

સુરત જિલ્લાના માંડવી તાલુકાનાં અરેઠ ગામે ગ્રામજનો માટે આફતરૂપ બનેલા ક્વોરી ઉદ્યોગને બંધ કરવાની ગ્રામજનોની માગ બાદ આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી અને માંડવીના ધારાસભ્ય કુંવરજી હળપતિએ એક તપાસ સમિતિની રચના કરી તપાસ અહેવાલ આવ્યા બાદ નિર્ણય લેવાનું નક્કી કર્યું હતું.

29મી ફેબ્રુઆરીના રોજ અહેવાલ સુપ્રત કરવાનો હોય ત્યાં સુધી ક્વોરી બંધ રાખવા સૂચના આપવામાં આવી હતી. જો કે કેટલાક ક્વોરી સંચાલકોએ મંગળવારથી ક્વોરીમાં બ્લાસ્ટિંગ શરૂ કરી દેતાં ગ્રામજનોમાં ફરી રોષ ભભૂકી ઉઠ્યો છે. જો તેમની સામે યોગ્ય પગલાં ન લેવાય તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બને તેવી સંભાવના છે.

અરેઠ ગામે પાંચથી વધુ ક્વોરી ચાલી રહી છે. આ ક્વોરીમાં થતું બ્લાસ્ટિંગને લઈ ગામના ઘરોને મોટુંનું નુકસાન થઈ રહ્યું છે. રોજ ત્રણથી ચાર વાર વેગન બ્લાસ્ટિંગના કારણે ગ્રામજનો ભૂકંપ જેવા આંચકા અનુભવી રહ્યા છે. જેને લઈ ગ્રામજનોના ઘરોમાં તિરાડ પડી રહી છે સાથોસાથ ભૂગર્ભ જળસપાટી પણ નીચી ગઈ છે. ઘરોના મોટા નુકસાન સાથે ખેતી માટે પાણી મળવું કપરું બન્યું છે. આવી પરિસ્થિતીનો સામનો કરી રહેલા ગ્રામજનોએ ગત દિવસો દરમ્યાન ભારે વિરોધ કર્યો હતો. ઉગ્ર દેખાવો બાદ હરકતમાં આવેલા તંત્રએ રાજ્ય મંત્રી કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં એક બેઠક કરી હતી. જેમાં ક્વોરી મુદ્દે તપાસ સમિતિ રચવામાં આવી હતી. સમિતિને તમામ પાસાઓની તપાસ કરી 29મી ફેબ્રુઆરી સુધીમાં અહેવાલ સોંપવા જણાવવામાં આવ્યું હતું. અને ત્યાં સુધી ક્વોરી સંચાલકોને ક્વોરી બંધ રાખવા માટે સૂચના આપવામાં આવી હતી. મંત્રી અને વહીવટી તંત્રના આ નિર્ણયને ગ્રામજનોએ પણ માન્ય રાખ્યો હતો અને 29મી ફેબ્રુઆરી સુધી રાહ જોવાનું નક્કી કર્યું હતું. જો કે સામે પક્ષે કેટલાક ક્વોરી સંચાલકોએ આ સૂચનાનું પાલન કર્યું નથી. 29મી ફેબ્રુઆરી પહેલા જ એટલે કે 27મી ફેબ્રુઆરીથી જ ક્વોરીમાં બ્લાસ્ટિંગ શરૂ કરી દીધું હોવાનું જાણવા મળી રહ્યું છે. બ્લાસ્ટિંગ શરૂ થતાં જ ફરી વખત ગ્રામજનોને ધરતીકંપ જેવા આંચકા અનુભવી રહ્યા છે. ક્વોરી ફરી શરૂ થતાં જ ગ્રામજનો ફરી એકત્રિત થઈ આ મુદ્દે મિટિંગ કરી હોવાનું જાણવા મળે છે. અને આગામી દિવસોમાં જો ગ્રામજનોના પક્ષમાં નિર્ણય ન આવે તો આ મુદ્દે વધુ ઉગ્ર આંદોલન કરવાનું નક્કી કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button