દેશરાજનીતિ

ભારતમાં આજથી CAA લાગુ, ત્રણ દેશના બિન-મુસ્લિમ શરણાર્થીને મળશે નાગરિકતા

આગામી લોકસભા ચૂંટણીની તારીખોની થોડા જ દિવસોમાં જાહેરાત થઈ શકે છે. તેવામાં આજે (સોમવાર) કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં નાગરિકતા સંશોધન કાયદો (CAA) લાગુ કરવા માટે નોટિફિકેશન જાહેર કરાઈ છે. આમ, આજે જ દેશમાં નાગરિકતા સંશોધન કાયદો સત્તાવાર રીતે લાગુ થઈ જશે. સીએએ લાગુ થવાથી ભારતના ત્રણ પાડોશી દેશના બિન-મુસ્લિમ શરણાર્થીઓને ભારતની નાગરિકતા મળી શકશે. તો બીજી તરફ સીએએ લાગુ થતા દેશભરમાં પોલીસ અલર્ટ થઈ ચૂકી છે. ઉત્તર પ્રદેશ સરકારે પોલીસ વિભાગની તમામ રજાઓ રદ્દ કરી દીધી છે. રજાઓ ગાળવા ઘરે ગયેલા તમામ જવાનોને પરત બોલાવી લેવાયા છે. તો નોર્થ-ઈસ્ટ દિલ્હીમાં પણ સુરક્ષા વધારી દેવાઈ છે. મહત્ત્વનું છે કે, સીએએ બંને ગૃહોમાંથી પાસ થયાને પાંચ વર્ષનો સમય વિતી ચૂક્યો છે. હવે કેન્દ્ર સરકાર આગામી લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા દેશભમાં સીએએ લાગુ કરાયો છે.

શું છે નાગરિક સંશોધન કાયદો?

આ કાયદો પાંચ વર્ષ પહેલા એટલે કે વર્ષ 2019માં મંજૂર થયો હતો, પરંતુ આજે (માર્ચ 2024)માં તે લાગુ થયો છે. વિરોધ પક્ષોએ આ મુદ્દે ખુબ જ વિરોધ નોંધાવ્યો હતો અને કડક વલણ પણ જોવા મળ્યું હતું. આ કાયદા અંતર્ગત ભારતીય નાગરિકતાની વ્યાખ્યા નક્કી કરવામાં આવી છે. આ કાયદા હેઠળ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ધાર્મિક ઉત્પીડનના શિકાર બનેલા બિન મુસ્લિમ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈ છે. ભારત દેશના નાગરિક કોણ છે તેની પરિભાષા 1955માં એક કાયદો બનાવીને કરવામાં આવી જેને નાગરિકતા અધિનિયમ 1955 નામ અપાયું. મોદી સરકારે આ કાયદામાં સંશોધન કર્યું છે. જેને નાગરિકતા સંશોધન બિલ 2016 નામ આપવામાં આવ્યું છે.

સંશોધન બાદ દેશમાં 6 વર્ષ રહેતા અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશના છ ધર્મના (હિંદુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ઈસાઈ) લોકોને કોઈ જરૂરી દસ્તાવેજ વગર ભારતીય નાગરિકતા આપવામાં આવશે. પહેલા નાગરિકતા અધિનિયમ 1955 પ્રમાણે જરૂરી દસ્તાવેજ હોય તો જ આ દેશના લોકોને 12 વર્ષ પછી નાગરિકતા મળી શકતી હતી. અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશ ત્રણેય ઈસ્લામિક દેશ છે અને ત્યાં હિન્દુ, બૌદ્ધ, શીખ, જૈન, ઈસાઈ અને પારસી ધર્મના લોકો અલ્પસંખ્યક છે. નવા કાયદા હેઠળ 31 ડિસેમ્બર, 2014 સુધી પાડોશી ત્રણેય દેશોથી ઉત્પીડનનો શિકાર થઈને આવેલા લોકોને ભારતની નાગરિકતા મળી શકશે.

પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી મોટી સંખ્યામાં લોકો દાયકાઓથી પલાયન કરીને ભારત આવતા રહે છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ સહિત કેટલાક રાજ્યોમાં આ લોકો વસવાટ કરી રહ્યા છે, પરંતુ લાખોની આ વસ્તીની પાસે ભારતની નાગરિકતા નથી. જેને લઈને તેમને મૂળભૂત સુવિધા નથી મળી શકતી. તેવામાં આ કાયદો લાગુ થતા શરણાર્થીઓને નાગરિકતા મળશે તો મત આપવા સહિત તમામ વસ્તુઓની સુવિધા તેમને મળશે. આ કાયદો સંસદથી મંજૂર થઈ ચૂક્યો હતો, ત્યારબાદ આજે તેને લાગુ કરાયો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button