Uncategorised

મનસુખ વસાવાનો વળતો જવાબ- ‘ચૈતર તો મૂર્ખ છે, એ નવો નિશાળિયો બોગસ નિવેદનો કરે છે’

ગત દિવસોમાં ચૈતરભાઈએ કહ્યું હતું- 'મોદી આવે કે રાહુલ, જીતીશ તો હું જ'

ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભરૂચ લોકસભાના ઉમેદવાર તરીકે તેમના નામની જાહેરાત કરી હતી. એ બાદ જાણે ભરૂચ લોકસભા બેઠક પર રાજકીય માહોલ ગરમાયો હોય એવું જોવા મળી રહ્યું છે.

‘ભરૂચમાં મારી સામે નરેન્દ્ર મોદી આવે કે રાહુલ ગાંધી મને જીતતા નહીં રોકી શકે’

ભાજપ હોય કે કોંગ્રેસ, તમામ પાર્ટીઓ એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહી છે. આ વચ્ચે જેલમાંથી છૂટ્યા બાદ ચૈતર વસાવાએ પણ લોકસંપર્કના કાર્યક્રમો શરૂ કર્યા છે. દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ઇટાડી ગામે ત્રણ દિવસ પહેલાં આમ આદમી પાર્ટી દ્વારા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના અધ્યક્ષ સ્થાને જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં ચૈતર વસાવાએ નિવેદન કર્યું કે ભરૂચ લોકસભા બેઠક પર નરેન્દ્ર મોદી આવે કે રાહુલ ગાંધી પણ આમ આદમી પાર્ટી જ વિજેતા થશે. ચૈતર વસાવાના આ નિવેદનની સામે સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે, ચૈતર વસાવા મૂર્ખ છે.

‘જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં’

ચૈતર વસાવાએ કહ્યું હતું કે, આમ આદમી પાર્ટી ઇન્ડિયા ગઠબંધન સાથે ઉમેદવારો ઉતારવાની છે. જેમાં ભરૂચ લોકસભાના ઉમેદવાર તરીકે મારું નામ જાહેર થયું છે. ત્યારથી જ ભાજપવાળા ચગડોળે ચડ્યા છે. ભરૂચ લોકસભા બેઠક પર કોઈપણ ઉમેદવાર ઉતારે આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાને જીતતા કોઈ રોકી ન શકે, જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં.

‘કોંગ્રેસ-આપના ગઠબંધનની અકળામણ ચૈતર ભાજપ પર ઢોળે છે’

વધુમાં મનસુખ વસાવાએ ચેલેન્જ કરી કે કેજરીવાલ કે ઇસુદાન ગઢવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સામે વારાણસીથી ચૂંટણી લડી બતાવે. સાંસદે કહ્યું કે, ચૈતર વસાવા બોગસ નિવેદન કરે છે. એ નવો નિશાળિયો છે. સાથે ચૈતર વસાવાને દુખે છે પેટ અને ફૂટે છે માથું. કોંગ્રેસ અને આપના ગઠબંધનની અકળામણ ચૈતર વસાવા ભાજપ પર ઢોળે છે. ગઠબંધનમાં બાળક જન્મે તે પેહલાં નામકરણ કર્યું તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

‘આપના ઉમેદવારો ડિપોઝિટ ગુમાવશે’

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે, અમારે ગઠબંધન સાથે કોઈ લેવાદેવા નથી, એમણે જે કરવું હોય તે કરે. અમે તો અમારું ઘર સંભાળવા માટેની તૈયારી હાથ ધરી દીધી છે. આમ આદમી પાર્ટીના લોકસભાના ઉમેદવારો ડિપોઝિટ ગુમાવશે. ત્યારે હાલ ચૂંટણી જાહેર નથી થઇ એ પહેલાં ભરૂચ લોકસભા બેઠક પર માહોલ ગરમાયો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button