ઝારખંડ

મુખ્યમંત્રી ચંપઈ સોરેને આપ્યું રાજીનામું: ઝારખંડમાં મોટી ઉથલપાથલ!

ઝારખંડની રાજનીતિના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી ચંપઈ સોરેને રાજીનામું આપી દીધું છે અને હવે હેમંત સોરેન ફરી મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે.

ઝારખંડમાં ચંપઈ સોરેને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. બુધવારે મોડી સાંજે રાજભવન પહોંચેલા ચંપઈએ રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. ત્યારબાદ પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. મતલબ કે હેમંત સોરેન ફરી એકવાર ઝારખંડના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. હેમંત સોરેને કહ્યું કે, રાજ્યપાલે હજુ સુધી અમને શપથગ્રહણની તારીખ આપી નથી.

જેએમએમની આગેવાની હેઠળના ગઠબંધનના ધારાસભ્યો વચ્ચેની સર્વસંમતિ બાદ પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ હેમંત સોરેન ત્રીજી વખત ઝારખંડના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. સૂત્રોએ બુધવારે આ માહિતી આપી હતી.

‘અમે તમને બધુ વિગતવાર જણાવીશું’

રાંચીમાં મુખ્ય પ્રધાન ચંપઈ સોરેનના નિવાસસ્થાને બેઠક દરમિયાન જોડાણના નેતાઓ અને ધારાસભ્યોએ સર્વસંમતિથી હેમંત સોરેનને JMM ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટ્યા. પાર્ટીના એક સૂત્રએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું કે, ‘બેઠકમાં ચંપઈ સોરેનની જગ્યાએ હેમંત સોરેનને નિયુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.’

ઝારખંડમાં સરકાર બનાવવાનો દાવો કર્યા બાદ જેએમએમના કાર્યકારી અધ્યક્ષ હેમંત સોરેને કહ્યું, ‘મુખ્યમંત્રી (ચંપઈ સોરેન) એ તમને બધું કહ્યું છે. અમે તમને બધું વિગતવાર જણાવીશું. અમે તમામ પ્રક્રિયાઓનું પાલન કર્યું છે.

મેં મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું : ચંપઈ સોરેન

રાજ્યપાલને રાજીનામું સોંપ્યા બાદ ઝારખંડના સીએમ ચંપઈ સોરેને કહ્યું, ‘થોડા દિવસો પહેલા મને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યો અને મને રાજ્યની જવાબદારી મળી. હેમંત સોરેન પાછા આવ્યા પછી, અમારા ગઠબંધને આ નિર્ણય લીધો અને અમે હેમંત સોરેનને અમારા નેતા તરીકે ચૂંટ્યા. હવે મેં મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે.

Back to top button