ગુજરાત

ઇફ્કોમાં સંઘાણી બાદ નાફેડમાં કુંડારિયા બિનહરીફ

ડિરેક્ટરની ચૂંટણીમાં 4 ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું

દેશની ટોચની સહકારી સંસ્થા ઇફ્કોની ચૂંટણીમાં ભાજપના સત્તાવાર ઉમેદવારની હારના પ્રત્યાઘાતો હજુ શાંત પડ્યા નથી, ત્યાં હવે આવી જ એક બીજી સહકારી સંસ્થા એવી નાફેડની ચૂંટણીમાં ભાજપ વિરૂદ્ધ ભાજપનો જંગ ન છેડાયો હતો. નાફેડની એક બેઠક માટે ભાજપ સાથે જ સંકળાયેલા મોહન કુંડારિયા સહિત 5 ઉમેદવારે ફોર્મ ભર્યા હતા. જો કે, નાફેડમાં ઇફ્કોવાળી ન થાય તે માટે ભાજપે આબરૂ બચાવી લીધી છે. આજે ચાર ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા મોહન કુંડારિયા બિનહરીફ થયા છે. મહત્વની વાત એ છે કે, ઇફ્કોમાં મેન્ડેટથી વિવાદ સર્જાતા નાફેડની ચૂંટણીમાં ભાજપ દ્વારા મેન્ડેટ જ આપવામાં આવ્યું નહોતું. ઉલ્લેખનીય છે કે 210 મતદારો પૈકી રાજકોટના મતદારોની સંખ્યા બહુમત હોવાથી સર્વ સંમતિથી મોહન કુંડારીયાને બિનહરીફ કરાવવામાં આવ્યા છે. આ માટે જયેશ રાદડિયાનો પણ કુંડારિયાને ટેકો હતો.

અન્ય ચાર ઉમેદવારે ફોર્મ પાછું ખેંચ્યું

વર્ષ 1958માં સ્થપાયેલી અને ગત વર્ષે રૂ.21,414 કરોડનું ટર્નઓવર અને રૂ.264 કરોડના નેટપ્રોફિટ કરનાર દેશની અગ્રીમ સહકારી સંસ્થા નેશનલ એગ્રિકલ્ચર કો-ઓપરેટિવ ફેડરેશન ઓફ ઈન્ડિયા એટલે કે ‘નાફેડ’ની આગામી તા.21.05.2024ના ખાસ સાધારણ સભા મળનાર છે. આ પહેલા ચૂંટણી માટે 5 જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, જેમાં રાજકોટના મોહન કુંડારિયાનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. ગઈકાલે ફોર્મ ચકાસણી કરવાનો દિવસ હતો અને આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે ત્યારે મોહન કુંડારિયાને બિનહરીફ જાહેર કરાવવા માટે સહકારી આગેવાનો દ્વારા બાકીના ચાર ઉમેદવારને ફોર્મ પાછું ખેંચવા સમજાવ્યા હતા અને તમામ માની જતા પોતાની ઉમેદવારી પાછી ખેંચી છે.

ભાજપમાં નવો વિવાદ શરૂ ન થાય એ પહેલા ડામી દેવાયો

આ બેઠકની ચૂંટણીમાં કુલ મતદારોની સંખ્યા 210 છે જે પૈકી બહુમત મતદારો રાજકોટ જિલ્લાના છે. માટે જો ચૂંટણી થાય તો પણ મોહન કુંડારિયાની જીત નિશ્ચિત માનવામાં આવી રહી હતી. તેવામાં ચૂંટણી થાય અને ફરી ભાજપ સામે ભાજપના ઉમેદવારો મેદાનમાં આવે તો ઇફ્કો જેવી સ્થિતિનું નિર્માણ થાય અને વધુ એક સહકારી સંસ્થાની ચૂંટણીથી ભાજપમાં નવો વિવાદ શરૂ ન થાય માટે સહકારી આગેવાનો બધાને સમજાવી ફોર્મ પરત ખેંચાવી મોહન કુંડારિયાને બિનહરીફ વિજેતા જાહેર કર્યા રહ્યા છે.

2019માં નાફેડની ચૂંટણીમાં મગન વાડવિયા બિનહરીફ થયા હતા

મોરબી પંથકની ખાખરાળા મંડળીના પ્રમુખ અને રાજકોટ જિલ્લા બેંકના ડાયરેક્ટર મગન વડાવિયા 2019માં નાફેડની ચૂંટણી યોજાતા તેમાં ગુજરાતની મંડળીની બેઠકમાં બિનહરીફ થયા હતા. આ વખતે તેઓ ફરી મેદાનમાં છે. જ્યારે મોહન કુંડારિયાએ આ વખતે પ્રથમ વખત નાફેડમાં ફોર્મ ભર્યું છે. ઇફ્કો ચૂંટણીમાં જયેશ રાદડિયાના સમર્થનમાં મોહન કુંડારિયા હતા માટે આ વખતની ચૂંટણીમાં રાદડિયા જૂથ મોહન કુંડારિયાના સપોર્ટમાં આવ્યું હતું તે વાત નિશ્ચિત માનવામાં આવી રહી છે. એટલે કે, પાછલી વખતના બિનહરીફ ઉમેદવાર મગન વડાવિયા મોહન કુંડારિયાના સમર્થનમાં આવ્યા છે.

આજે ઉમેદવારી પાછી ખેંચવાનો છેલ્લો દિવસ

ઉલ્લેખનીય છે કે નાફેડની 21 બેઠકની ચૂંટણી જાહેર થઈ છે. દર 5 વર્ષે ચૂંટણી આવે છે અને તેમાં 21 ડિરેક્ટર આખા દેશમાંથી ચૂંટાઇ છે. આ વખતે ચૂંટણી આગામી 21 મેના રોજ યોજવામાં આવી રહી છે અને તેમાં આજે ઉમેદવારી પાછી ખેંચવાનો અંતિમ દિવસ છે. આ ચૂંટણીમાં સૌરાષ્ટ્રના કુંડારિયા અને વડાવિયા ઉપરાંત સમગ્ર ગુજરાતમાંથી ઉમેદવારી થઈ હતી. આ ચૂંટણીમાં નાફેડના સભાસદ હોય તેવા આખા દેશમાં 556 મતદાર છે અને ગુજરાતમાં કુલ 210 મતદાર છે.

ઇફ્કોની ચૂંટણીમાં રાદડિયાએ ભાજપના મેન્ડેટને અવગણ્યો!

ગત ટર્મમાં જયેશ રાદડિયા ઇફ્કોના ડિરેક્ટરપદે બિનહરીફ ચૂંટાઈ ગયા હતા. જયેશ રાદડિયાના પિતા વિઠ્ઠલ રાદડિયાનો સહકારી ક્ષેત્રે ખાસો દબદબો રહ્યો હતો. તેમના આકસ્મિક મૃત્યુ બાદ જયેશ રાદડિયા આ ક્ષેત્રે ઊંડા ઊતર્યા અને આગળ પણ વધ્યા. ગુજરાતમાંથી ત્રણ લોકોએ ઇફ્કોના ડિરેક્ટર બનવા માટે દાવેદારી નોંધાવી હતી, જેમાં એક બિપિન ગોતા હતા, જેમને ભાજપે મેન્ડેટ આપ્યો હતો. બીજા જયેશ
રાદડિયા અને ત્રીજા ઉમેદવાર પંકજ પટેલ હતા. નોંધવા જેવી વાત એ પણ છે કે આ ત્રણેય નેતા ભાજપના છે. છેલ્લી ઘડીએ પંકજ પટેલે બિપિન ગોતાને સમર્થન જાહેર કર્યું હતું.

પાટીલે સહકારી ક્ષેત્રની ચૂંટણીઓમાં મેન્ડેટની પ્રથા દાખલ કરી

જુલાઈ, 2020માં સી.આર.પાટીલ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ બન્યા હતા. એ પછી તેમણે ગુજરાતના સહકારી ક્ષેત્રમાં થતી ચૂંટણીઓમાં મેન્ડેટની પ્રથા દાખલ કરી, એટલે કે પાલિકા, પંચાયતથી માંડીને સંસદની ચૂંટણીમાં જેમ પાર્ટી મેન્ડેટ આપીને ઉમેદવારી કરાવે છે, એવી જ રીતે ગુજરાતના સહકારી ક્ષેત્રમાં નિયમ લાવી દીધો. આ નવી પરંપરાના રાજકીય ક્ષેત્રે પક્ષના દૃષ્ટિકોણથી ફાયદા તો છે, પરંતુ ભાજપ સાથે જોડાયેલા રાજકારણીઓ નારાજ થયા હતા, કારણ કે સહકારી ક્ષેત્રે ઉમેદવારી માટે પક્ષનું નિયંત્રણ આવી ગયું, જેને સિક્કાની બીજી બાજુ પણ કહેવાય.

Related Articles

Back to top button