તાપી

ખેરવાડા રેંજમાં દીપડી હત્યા કેસમાં મહિલા રેંજરને ધમકી આપનાર બે સામે ફરિયાદ

પૂછપરછ અર્થે લાવવામાં આવેલ ઇસમોને છોડી મૂકવા કહી ધમાલ મચાવતાં ગુનો દાખલ

ખેરવાડા રેંજ તાજેતરમાં શિકારીઓ દ્વારા એક દીપડીની હત્યા કરવામાં આવી હતી. આ ગુનામાં પકડાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન આરોપીઓ સાથે સતત સંપર્કમાં રહેનાર વધુ છ ને જવાબ લખાવવા માટે રેંજ ઓફિસે બોલાવવામાં આવ્યા હતા. આ પૈકીના એક ની પત્ની અને અન્ય એક ઈસમે મહિલા રેંજરને અપશબ્દો બોલી ધમકી આપતાં બે સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આ અંગે મળેલી વિગત મુજબ સોનગઢના ખેરવાડા રેંજ વિસ્તારમાં શિકારીઓ દ્વારા એક દીપડીની હત્યા કરવામાં આવી હતી. આ પ્રકરણમાં ગત બારમી એપ્રિલ છ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને તેઓ 18મી સુધી રિમાન્ડ પર હતાં. આરોપીઓની પૂછપરછ અને તેમની કોલ ડિટેલ કઢાવવામાં આવતાં ખેરવાડા ગામના જ મોહન ભાંગડા વસાવા, મારગિયા ઠગિયા વસાવા, રમેશ દેવજી વસાવા, ચંદુ હાટિયા વસાવા,ચામડિયા હાટીયા વસાવા, બહાદુર જેઠીયા વસાવા અને દામજી નવા વસાવા એક બીજા ના સતત સંપર્ક માં હોવા નું બહાર આવ્યું હતું. જેથી તપાસ ટીમ દ્વારા આ તમામ સાત ઇસમો ને નોટિસ આપી જવાબ લખાવવા માટે ખેરવાડા રેંજ ઓફિસે બોલાવવામાં આવ્યાં હતાં.

આ દરમિયાન આ પૈકીના એક દામજી નવા વસાવાની પત્ની સંગીતા દામજી વસાવા અને સિંગા જેઠીયા વસાવા બુધવારે બપોરે રેંજ ઓફિસે આવ્યાં હતાં અને તેમણે તપાસ ટીમના સભ્યોને અપશબ્દો બોલીને ગાળો આપી હતી. સિંગા વસાવાએ પૂછપરછ માટે લાવવામાં આવેલાં તમામ લોકોને છોડી મૂકવા માટે ઉપસ્થિત લોકોને ઉશ્કેરણી કરી હતી અને તપાસના કામમાં બંને એ દખલગીરી કરી હતી. તેમણે મહિલા રેંજર અશ્વિનાબહેન પટેલ અને સ્ટાફને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને તેમની કાયદેસરની ફરજમાં રુકાવટ પણ ઉભી કરી હતી.

આ સંદર્ભે મહિલા રેંજરે સિંગા જેઠીયા વસાવા અને સંગીતા દામજી વસાવા સામે સોનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે મળી આવેલાં શિકારીઓ પાસેથી મૃત દીપડીના શરીરના અન્ય અંગો ક્યાં રાખવામાં આવ્યા છે તેની તપાસ ચાલી રહી છે અને ટૂંક સમયમાં આ અંગે વધુ ખુલાસો થવાની શક્યતા છે.

Related Articles

Back to top button