માંડવી

માંડવી રામેશ્વર માર્ગ નવીનીકરણના વિલંબના કારણે અકસ્માતની વણઝાર

રોજિંદા કામો માટે નીકળતાં સ્થાનિક બાઈક સવારો સંભવિત અકસ્માતની સેવાતી ભીતિ

માંડવી રામેશ્વર માર્ગનું છેલ્લા કેટલાક દિવસ પહેલા નવીનીકરણની કામગીરી હાથ ધરી હતી, પરંતુ મુખ્ય માર્ગ પર જેસીબીથી કરાયેલી કામગીરીથી રસ્તો ઉબડખાબડ બની ગયો છે. ત્યારબાદ કોઈ કામગીરી ન થતાં અકસ્માતની જાણે વણઝાર સર્જાય રહી છે.

માંડવી રામેશ્વર માર્ગ પર રામેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર છે તથા મંદિરને અડીને વહેતી તાપી નદીમાં કાળઝાળ ગરમીમાં લોકો સાંજના સમયે ઠંડક મેળવવા તાપી નદીમાં નાહવા માટે આવતાં હોય છે. તાપી તટે પિકનીકનો માહોલ સર્જાતો હોય છે. આ ટ્રાફિકથી ધમધમતા માર્ગો નવીનીકરણની કામગીરીથી હાથ ધરવામાં આવી છે. પરંતુ રોડ સાઈડના લેવલ ઉપરાંત મુખ્ય માર્ગ પર જેસીબીથી કરાયેલી કામગીરીથી માર્ગ જાણે જર્જરિત હાલતમાં ફેરવાય ગયો છે.

ઉપરાંત ગરનાળાની કામગીરી માટે રેતી કપચીના ઢગલાઓ પણ કરાયા છે. જેથી કરી આ માર્ગ પરથી પસાર થતાં સ્થાનિક બાઈક સવારો પણ સ્ટિયરિંગ પરનો કાબૂ ગૂમાવતાં બાઈક સ્લીપ થતાં અકસ્માત સર્જાવાની ઘટનાઓ બની રહી છે. નસીબજોગે કોઈ જાનહાની સર્જાય નથી. સ્થાનિક લોકોને પણ રોજિંદા કામો માટે વારંવાર પસાર થવાનું હોય જેથી જર્જરિત માર્ગની નવીનીકરણની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવે એવી માગ ઉઠી છે.

એજન્સીએ મૂકેલા બોર્ડમાં તારીખની જગ્યા ખાલી

માંડવી રામેશ્વર માર્ગ નવીનીકરણની કામગીરીની મૂકાયેલી જાહેર વિજ્ઞાપિતમાં રોડની લંબાઈ, રકમ ઉપરાંત માર્ગના મુખ્ય કામો તથા અન્ય કામો સહિતની વિગતો છે, પરંતુ કામ પૂર્ણ કરવાની સમય મર્યાદાની તારીખ ન દર્શાવતાં લોકોમાં આશ્ચર્ય ફેલાઈ રહ્યું છે.

Related Articles

Back to top button