પલસાણા

પલસાણા તાલુકાના ભૂતપોર સ્થિત DGVCLની ઓફિસ પર ખેડૂતોએ રાત્રે 8 કલાક વીજળી અને દિવસે વીજળી મળે તેવી માંગ સાથે હલ્લોબોલ કરીને અધિકારીઓને બાનમાં લીધા

હાલમાં DGVCL દ્વારા મોટાભાગના વિસ્તારમાં ખેતીની સિંચાઈ માટેની સંપૂર્ણ વીજળી દિવસ દરમિયાન આપવામાં આવે છે. ત્યારે આ ભૂતપોર સબ સ્ટેશનમાંથી ખેતીની વીજળી બે રોટેશનોમાં આપવામાં આવે છે. આ રોટેશનો પૈકી એક રોટેશન મળસ્કે 5 વાગ્યાથી બપોરે 1 વાગ્યાં સુધી તેમજ બીજું રોટેશન બપોરે 1 વાગ્યાથી રાત્રે 9 વાગ્યાં સુધીનું આપે છે. ખેડૂતોએ સુરત જિલ્લા ખેડૂત સમાજને સંપર્ક કરી આ ખેતી માટેની વીજળી દિવસ દરમિયાન મળે એ માટે પ્રયત્નો કરવા જણાવ્યું હતું. આથી ખેડૂત સમાજના પ્રમુખ પરિમલ પટેલની આગેવાનીમાં મોટી સંખ્યામાં ખેડૂતો ભૂતપોર સબ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા.

ખેડૂતોની માંગણી છે કે અમને પણ આ વીજળી દિવસ દરમિયાન આપવામાં આવે. એમનું કહેવું હતું કે જ્યારે મળસ્કે પાવર ટ્રીપ થાય તો સવાર સુધી એને કોઈ ચાલુ કરવાવાળુ નથી હોતું. જેથી કરીને જે આઠ કલાક વીજળી મળવી જોઈએ તેની જગ્યાએ ચાર કે પાંચ કલાક જ મળે છે અને બાકીના કલાક ટ્રીપિંગ આવવાને લીધે વ્યર્થ જાય છે. બીજા રોટેશનમાં પણ જો સાંજે 5 વાગ્યાં પછી જો ટ્રીપિંગ આવે તો ત્યાર પછી એને કોઈ રિપેર કરતું નથી. સીધું બીજા દિવસે એને ચાલુ કરવામાં આવે છે. આથી બીજા રોટેશનમાં પણ વીજળી ચારથી પાંચ કલાક જ મળે છે.

સ્થળ પર હાજર અધિકારીને જ્યારે પરિમલ પટેલે આ વીજળી અન્ય સબ સ્ટેશનોની જેમ કેમ આપી શકાતી નથી એમ પૂછતાં એમનું કહેવું હતું કે, અત્યારે આ લાઈનો ઓવરલોડ છે. જેથી એની સાથે બીજી સર્કિટ દોડાવવાની જરૂર છે અને એની પ્રક્રિયા ચાલે છે, પરંતુ જ્યારે એમને પૂછવામાં આવ્યું કે શું એના ટેન્ડરો ભરાઈ ગયા? પાસ થઇ ગયા? કોઈને ટેન્ડર અપાઈ ગયું? ત્યારે એમની પાસે કોઈ જવાબ હતા નહિ અને અમે અમારા ઉપરીને અધિકારીને મળીને તમને માહિતી આપી શકીયે એમ જણાવ્યું હતું.

ખેડૂતોને એમની વાત પર વિશ્વાસ બેઠો નહતો અને એમણે માંગણી કરી હતી કે, જ્યાં સુધી તમારી આ સર્કિટનું નિર્માણ નહિ થાય ત્યાં સુધી અમને સવારે 7થી બપોરે 3 અને સવારે 11થી સાંજે 7 એમ બે રોટેશનોમાં વીજળી આપવી. ખેડૂતોની આ માંગણી પર અમલ કરવાની બાંહેધરી આપવામાં આવી હતી, પરંતુ ખેડૂતોએ એમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે તમારે જે આયોજન કરવું હોય તે આયોજન માટે અમે ફક્ત ત્રણ દિવસ રાહ જોઈશું. જો એમ નહિ થાય તો ગુરુવારે સવારે અમે ખુબ મોટી સંખ્યામાં ફરી પાછા આવીશું અને ત્યારે જોવા જેવી થશે.

Back to top button