ડાંગ

ડાંગ જિલ્લા સાથે સરકારનું અનાથ બાળક જેવું વલણ: સારવાર અને સુવિધા આપવા તંત્ર નિષ્ફળ

જિલ્લામાં પશુ ચિકિત્સક અને પશુધન નિરીક્ષકની ખાલી જગ્યા, પશુ દવાખાના પણ જર્જરિત

ડાંગ જિલ્લામાં મહિલા દૂધ મંડળીઓ દ્વારા પશુપાલનના વ્યવસાય સાથે જિલ્લામાં શ્વેતક્રાંતિ તો આવી છે પરંતુ આદિવાસી પશુપાલકોના પાલતુ પશુઓને યોગ્ય સારવાર મળી રહે તેવી સુવિધા આપવામાં તંત્ર તદ્દન નિષ્ફળ ગયું હોવાનો અહેસાસ પશુપાલકો કરી રહ્યાં છે. ડાંગ જિલ્લામાં પશુપાલન વિભાગનો રેઢિયાળ કારભાર બહાર આવ્યો છે. જિલ્લામાં પશુ ચિકિત્સકની ત્રણ અને પશુધન નિરીક્ષકની છ જગ્યા લાંબા સમયથી ખાલી હોવાથી પશુપાલકોને હાલાકી વેઠવી પડે છે.

ડાંગમાં 1 લાખથી વધુ પશુની સંખ્યા વચ્ચે પશુ ચિકિત્સક અને પશુધન નિરીક્ષકોની ઘટ, જર્જરીત અવસ્થામાં પશુ દવાખાના વચ્ચે સમયસર સારવારના અભાવે ગરીબ આદિવાસી પશુપાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કેટલીક જગ્યાએ માત્ર પટાવાળો પશુઓની સારવાર કરતો હોય ગાય વિયાની હોય તો મૃત વાછરડું જન્મ થતા ગાયનું પણ મરણ થતા પશુપાલકોને ખોટ ભોગવવી પડે છે. ડાંગમાં 192 જેટલી દૂધ મંડળીમાં દૈનિક 60 હજાર લિટરની આસપાસ દૂધ ઉત્પાદન થાય છે તેવામાં પશુપાલન વિભાગના રેઢિયાળ કારભારમાં પશુઓને યોગ્ય સારવાર ન મળતા પશુપાલકોને નુકસાની વેઠવાની નોબત ઉભી થાય છે.

ડાંગમાં આહવા,વઘઇ અને સુબીર તાલુકામાં 8 પશુ દવાખાના કાર્યરત છે, તે પૈકી ત્રણ જેટલા દવાખાનામાં પશુ ચિકિત્સકની જગ્યા ખાલી છે અને ચાર્જથી ગાડું ગબડાવાય રહ્યું છે. બીજી તરફ પશુધન નિરીક્ષકની 13 પૈકી 6 જગ્યા ખાલી છે. 3 ફરતા દવાખાના હોય તાલુકા દીઠ માત્ર એક એમ્બ્યુલન્સ (1962) હેલ્પલાઇન હોય ફોન કરવા છતાં આ ઇમરજન્સી 1962 દરેક જગ્યાએ પહોંચી શકવામાં અસમર્થ રહે છે. જિલ્લામાં દુધાળા ઉપરાંત ખેડાણ કરવા ખેત ઉત્પાદના વહન માટે પશુઓની સંખ્યા પણ વિશેષ છે.

આ સંજોગોમાં તંત્ર દ્વારા પૂરતા પશુધન નિરીક્ષકો, પશુ ચિકિત્સકોના અભાવે બિમાર પશુઓને યોગ્ય સારવાર ન મળે તો પશુપાલકને પશુ ગુમાવવા સાથે મોટો આર્થિક ફટકો સહન કરવો પડે છે અને પશુપાલકોએ ખાનગી પશુ ચિકિત્સક અને ખાનગી દવા પર મદાર રાખવો પડતા સારવાર મોંઘી થતા પશુપાલકો કફોડી સ્થિતિમાં મુકાય છે.

અત્રે ઉલ્લેખનીય છેકે ડાંગ જિલ્લામાં આઠ જેટલા પશુ દવાખાના છે પરંતુ તમામ 1960/65ના વર્ષમાં બનેલા હોય અત્યંત જર્જરિત અવસ્થામાં હોય ગુજરાત સરકારની ગતિશીલ વિકાસના નારાનો છેદ ઉડાડી રહ્યો છે. ડાંગ જિલ્લામાં આદિવાસીઓને રોજગારી માટે અન્ય જિલ્લાઓમાં સ્થળાંતર થતા રોકવા પશુપાલનનો વ્યવસાય આજે પૂરક બની ગયો છે ત્યારે પશુ દવાખાનાને અદ્યતન મકાનોના નિર્માણ સાથે પશુ ચિકિત્સકો,પશુધન નિરીક્ષકોની ખાલી જગ્યાઓ પર નિયુક્તિ કરાય તે જરૂરી છે.

પશુધન નિરિક્ષકની 6 જગ્યા ખાલી
ડાંગ જિલ્લામાં 9 જેટલા પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રો આવેલા છે, જે જર્જરિત હોય મરામત કે નવિનીકરણ માટે દરખાસ્ત મુકાઈ છે. પશુધન નિરીક્ષકોના 13 મહેકમ પૈકી 6 જગ્યા ખાલી છે. > ધર્મેશ ચૌધરી, મદદનીશ પશુપાલન નિયામક, ડાંગ નવિનીકરણની ગ્રાંટ મંજૂર થઇ છે પશુ સારવાર કેન્દ્રોના નવિનીકરણ માટે ગ્રાન્ટ મંજુર થઈ છે, જે ટેન્ડર પ્રક્રિયા હેઠળ છે. જ્યારે પશુ ચિકિત્સકની ઘટ માટે વિકાસ કમિશ્નરને લેખિત રજૂઆત કરી છે, જેની પણ ઘટ પુરવા તજવીજ ચાલુ છે. > નિર્મળાબેન ગાઇન, પ્રમુખ, ડાંગ જિ.પં.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button