નર્મદા

બે પત્ની ધરાવતાં આપના ઉમેદવાર ચૈતર વસાવા સામે 13 ગુના; મનસુખ વસાવાએ 2023માં 12.35 લાખ રિટર્ન ભર્યું

ભરૂચ લોકસભાની બેઠક પર ભાજપ સાંસદ મનસુખ વસાવા અને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ચૂંટણી અધિકારી સમક્ષ સોગંદનામું રજૂ કર્યું હતું. ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા તથા તેમના પત્નીની સ્થાવર અને જંગમ સંપત્તિમાં 5 વર્ષમાં 1.18 કરોડનો વધારો થયો છે. 2019ની ચૂંટણીમાં તેમણે પોતાની કુલ સંપત્તિ 68.35 લાખ દર્શાવી હતી. 2024માં એ વધીને 1.28 કરોડ પર પહોંચી છે. 2019થી 2024ના સમયગાળામાં તેમની કુલ સંપતિમાં 78.98 લાખનો વધારો થયો છે. 2019માં મનસુખ વસાવાની જંગમ સંપતિ 30,96,044 રૂપિયા અને સ્થાવર સંપત્તિ 20,50,000 રૂપિયા હતી. તેમના પત્નીની જંગમ સંપતિ 16,89,913 રૂપિયા હતી. પાંચ વર્ષના સમયગાળામાં મનસુખ વસાવાની જંગમ સંપતિમાં 2.28 લાખનો વધારો થયો છે. જયારે તેમની પત્નીની જંગમ સંપત્તિમાં 41.46 લાખનો વધારો થયો છે.

મનસુખ વસાવા પાસે 5 તોલા સોનું, 100 ગ્રામ ચાંદી, પત્ની સરસ્વતીબેન પાસે 35 તોલા સોનું અને 500 ગ્રામ ચાંદી છે. વાહનોમાં તેઓ પાસે એક ઈનોવા જ્યારે પત્ની પાસે સ્કોર્પિયો છે. કાર લોનમાં તેઓનું દેવું 2.04 લાખ અને પત્નીનું 9 લાખનું દેવું છે. મનસુખ વસાવાની ઉંમર 66 વર્ષ અને તેઓ બી.એ. MSW થેયેલા છે. વર્ષ 2022 અને 23માં તેઓએ રૂપિયા 12.35 લાખનું રિટર્ન ભર્યું હતું અને પત્નીનું રિટર્ન 4. 14 લાખ બતાવ્યું છે. તેઓને એકપણ રૂપિયાનું સરકારી દેવું નથી કે કોઈ પોલીસ કે કોર્ટ કેસ નથી.

જ્યારે INDIA ગઠબંધનના 34 વર્ષના ઉમેદવાર આપના ઉમેદવાર ચૈતર વસાવાએ રજૂ કરેલા સોગંદનામા મુજબ તેઓ સામે 13 ગુના પૈકી 10 ડેડીયાપાડા અને એક એક કેવડિયા, સાગબારા તેમજ રાજપીપળા પોલીસ મથકે નોંધાયેલા છે. 2022ની વિધાનસભા વખતે દર્શાવેલા જંગમ મિલકત સામે 2024માં સોંગદનામા મુજબ તેઓની જંગમ મિલકતમાં રૂપિયા 2.96 લાખનો વધારો થયો છે. જ્યારે 20 લાખ સ્થાવર મિલકત સ્થિર રહી છે.

બે પત્નીઓ પૈકી શકુંતલાબેનની જંગમ મિલકત 15 મહિનામાં 3.43 લાખ જ્યારે વર્ષાબેનની 11.51 લાખ ઘટી છે. તેઓ પાસે એક SUV કાર છે. જોકે સોનામાં તેઓ અને બન્ને પત્નીના નામે બે-બે તોલા સોનાનો વધારો થયો છે. તેમની પાસે 5 તોલા, શકુંતલાબેન પાસે 9 તોલા જ્યારે વર્ષાબેન પાસે 5 તોલા સોનું છે. હાથ પર રોકડ તેઓ પાસે 2 લાખ, શકુંતલાબેન પાસે 2 લાખ જ્યારે વર્ષાબેન પાસે 50 હજાર હોવાનું દર્શાવ્યું છે. BRS ગ્રેજ્યુએટ થયેલા ચૈતર વસાવાની આવકનો સ્ત્રોત ખેતી, લેબર કોન્ટ્રાકટ અને વેપાર છે. શકંતુલાબેન પણ ખેતી અને વેપાર કરે છે. જ્યારે બીજા પત્ની વર્ષાબેન ગૃહિણી છે.

Related Articles

Back to top button