બારડોલી

બારડોલી પાલિકાના નવા પ્રમુખ તરીકે અંતે ધર્મેશ પટેલની વરણી

બારડોલી નગરપાલિકાના અઢી વર્ષના શાસન માટે પ્રમુખ ઉપપ્રમુખની વરણી માટે બુધવારે બારડોલી પ્રાંત અધિકારી જનમ ઠાકોરની અઘ્યક્ષતામાં મળેલ ખાસ સામાન્ય સભામાં પાલિકાના નવા 30મા પ્રમુખ તરીકે ધર્મેશ ધનસુખભાઈ પટેલ (લેઉવા પાટીદાર)ની વરણી કરવામાં આવી હતી.  ઉપપ્રમુખ તરીકે પહેલા મહિલા નગરસેવિકાનું નામ મોખરે હતું, પરંતુ બાદમાં અચાનક બદલાઈને પુરુષ નગરસેવકના નામનું મેન્ડેડ આવતા કારોબારી અધ્યક્ષના દાવેદાર વિજય નાનુભાઈ પટેલ(પાટીદાર)ને ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. જ્યારે ઉપપ્રમુખના દાવેદાર રશ્મિ દત્તુભાઈ ભટ્ટ (બ્રાહ્મણ)ને શાસકપક્ષના નેતા તરીકેનું મેન્ડેડ આવ્યું હતું.

નો રીપિટેશન ફોર્મ્યુલા આધારે જગદીશ પાટિલના નામની કોઈ ચર્ચા ન હતી, જેમનું કારોબારી અધ્યક્ષ તરીકેના નામનું મેન્ડેડ આવતા અન્ય નગરસેવક સ્વપ્ન સેવ્યું હતું, એવા સભ્યોમાં નારાજગી જોવા મળી હતી. પરંતુ જાહેરમાં વ્યક્ત કરી શક્યા ન હતા. દંડક તરીકે ગત ટર્મમાં ભૂગર્ભ સમિતિના ચેરમેન શૈલેષ બચુભાઈ ગામિતના નામનું મેન્ડેડ આવ્યું હતું. વધુ એક વખત જવાબદારી સોંપાઇ છે. પાલિકાની ખાસ સભામાં માત્ર પ્રમુખ ઉપપ્રમુખના નામની જાહેરાત કરાઇ હતી.

જ્યારે કારોબારી અઘ્યક્ષ, શાસકપક્ષના નેતા અને દંડકના નામના મેન્ડેડ અંગે સભામાં કોઈ જાહેરાત થઈ ન હતી. પરંતુ ભાજપ સંગઠનની સભા પહેલા મળેલી બેઠકમાં જાહેરાત કરાઇ હોવાથી નગરસેવકોએ પ્રમુખ ઉપપ્રમુખ સાથે તમામને શુભેચ્છા પાઠવવામાં આવતા પાલિકાના કર્મચારીઓ સહિત અન્ય નગરજનોને જાણ થઈ હતી. જોકે, ત્રણે હોદ્દેદારના નામના મેન્ડેડ પાલિકામાં જમાં કરાવ્યા હતા.

નવા પ્રમુખ-ઉપપ્રમુખ શનિવારથી પદભાર ગ્રહણ કરશે
નવા નિમણુક થયેલ પ્રમુખ ધર્મેશ પટેલ અને ઉપપ્રમુખ વિજય પટેલ શનિવારે ચાર્જ સંભાળશે. જોકે, શુક્રવાર સમય અવધિ પૂર્ણ થતી હોય, પરંતુ અમાસ હોય, શુભ દિવસ અને સારું મુહૂર્ત શનિવારે હોવાથી પદભાર સંભાળવાનું નક્કી કરશે.

ભાજપે નો રિપિટેશનનો ફોર્મ્યુલા તોડ્યો
જિલ્લામાં ભાજપે પહેલા જ જાહેરાત કરી હતી, આ વખત નવા હોદેદારો માટે નો રીપિટેશન ફોર્મ્યુલા અપનાવાશે. પરંતુ બારડોલી નગરપાલિકાનાં અઢી વર્ષના શાસન માટે ભાજપે નો રીપિટેશન ફોર્મ્યુલાના નિયમનો ભંગ થયો હતો. જેનું કારણ ગત અઢી વર્ષની ટર્મમાં દંડક તરીકે હોદ્દો ભોગવી ચૂકેલા જગદીશભાઈ પાટિલને બીજી અઢી વર્ષની ટર્મ માટે કારોબારી અઘ્યક્ષ તરીકેનો હોદ્દો સોંપવામાં આવ્યો છે.

‘પ્રાથમિક સુવિધાના કામોને પ્રાધાન્ય’
નગરપાલિકાના પ્રમુખ તરીકેની જવાબદારી મળી છે, તો પ્રથમ નગરમાં ચાલી રહેલા અધૂરા કામો સમય અવધિમાં પૂર્ણ થાય, અને નગરજનોને સુવિધા મળતી થાય તેવા પ્રયાસ રહેશે. સાથે નગરજનોને પ્રાથમિક સુવિધાની સમસ્યા હોય તો, ઝડપભેર નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીશ. – ધર્મેશ ધનસુખભાઈ પટેલ, નવા વરાયેલ બારડોલી નગર પાલિકા પ્રમુખ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button