દેશરાજનીતિ

‘વોટ્સએપ પર ‘વિકસિત ભારત’વાળા મેસેજ મોકલવાના બંધ કરો’, ચૂંટણી પંચનો સરકારને આદેશ

ચૂંટણી પંચે ‘વિકાસ ભારત સંપર્ક’ના બેનર હેઠળ કેન્દ્ર સરકારની “સિદ્ધિઓ”ને પ્રકાશિત કરતા વોટ્સએપ મેસેજ પર પ્રતિબંધ મૂક્યો છે. ચૂંટણી પંચને એવી ઘણી ફરિયાદો મળી હતી કે સામાન્ય ચૂંટણી 2024ની જાહેરાત અને આદર્શ આચાર સંહિતા (MCC) લાગુ થવા છતાં નાગરિકોના ફોન પર સરકારની ઉપલબ્ધીઓવાળા મેસેજો હજુ પણ મોકલવામાં આવી રહ્યા છે. આ પછી ચૂંટણી પંચે ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (MeitY)ને આ વોટ્સએપ મેસેજને તાત્કાલિક પ્રતિબંધિત કરવાનો નિર્દેશ આપ્યો છે.

લોકોના વોટ્સએપ પર મોકલાયા પત્રો

તમને જણાવી દઈએ કે, ‘વિકસિત ભારત સંકલ્પ’ નામના વેરિફાઈડ વોટ્સએપ એકાઉન્ટથી મોટી સંખ્યામાં લોકોને પીએ મોદીનો પત્ર મોકલવામાં આવ્યો છે. જેમાં લખ્યું છે કે, “આ પત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ભારત સરકારના વિકાસ ભારત સંપર્ક કેન્દ્ર દ્વારા મોકલવામાં આવ્યો છે. છેલ્લા 10 વર્ષમાં દેશના 80 કરોડથી વધુ નાગરિકોને ભારત સરકારની યોજનાઓનો સીધો લાભ મળ્યો છે અને ભવિષ્યમાં પણ મળતો રહેશે. વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવા માટે તમારો ટેકો અને તમારા સૂચનો ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી આ યોજનાઓ અંગે તમારા વિચારો લખવા તમને વિનંતી છે.”

MeitYએ ચૂંટણી પંચને જણાવ્યું કારણ

ચૂંટણી પંચ તરફથી સૂચના મળ્યા પછી MeitYએ પંચને જણાવ્યું કે આ પત્રો આદર્શ આચાર સંહિતા લાગુ થયા પહેલા મોકલવામાં આવ્યા હતા. જોકે, તેમાંથી કેટલાક મેસેજો સિસ્ટમ અને નેટવર્કની સમસ્યાને કારણે લોકોને મોડેથી ડિલીવર થયા છે. કમિશને MeitYને આ બાબતે તાત્કાલિક અનુપાલન રિપોર્ટ સબમિટ કરવા જણાવ્યું છે. લેવલ પ્લેઇંગ ફિલ્ડ સુનિશ્ચિત કરવા માટે કમિશન દ્વારા લેવામાં આવી રહેલા પગલાઓ વચ્ચે આ પગલું લેવામાં આવ્યું છે.

ચંડીગઢના મુખ્ય ચૂંટણી અધિકારીએ કરી ફરિયાદ

19 માર્ચના રોજ ચંડીગઢના મુખ્ય ચૂંટણી અધિકારીએ કેન્દ્ર સરકારની “સિદ્ધિઓ”ને પ્રકાશિત કરતા “વિકાસ ભારત સંપર્ક”ના બેનર હેઠળ મોટી સંખ્યામાં WhatsApp સંદેશાઓ મોકલવામાં આવી રહ્યા હોવા અંગે “યોગ્ય કાર્યવાહી” માટે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button