છોટાઉદેપુર

છોટાઉદેપુરમાં નકલી સરકારી કચેરી ઊભી કરીને ‘4 કરોડથી વધુની ગ્રાન્ટ’ કેવી રીતે મેળવી?

વડોદરા શહેરથી 70 કિલોમિટર દૂર આવેલું છોટાઉદેપુરનું બોડેલી હાલ ચર્ચામાં છે.

બોડેલીની મોડાસર ચોકડી પાસે ત્રણ માળનું વ્રજ કૉમ્પલેક્સ આવેલું છે. આ કૉમ્પલેક્સમાં ગણતરીની દુકાનો જ કાર્યરત્ છે, જ્યારે મોટા ભાગના ફ્લૅટ ખાલી પડ્યા છે.

બીજા માળે આવેલા ફ્લૅટ નંબર 211 પાસે એક નોટિસ બોર્ડ છે જેના પર અલગ-અલગ કાગળ ચોંટાડેલા છે. એક કાગળ પર ‘કાર્યપાલક ઇજનેરની કચેરી, બોડેલી’ અને તેની નીચે ‘ઉદવહન સિંચાઈ યોજના’ લખેલું છે.

આ નોટિસ બોર્ડ જોઈ પહેલાં કોઈ સરકારી કચેરી હોય તેવો ભાસ થાય તે સ્વાભાવિક છે પરંતુ આ બોડેલીમાંથી પકડાયેલી ‘નકલી સરકારી કચેરી’ની ઑફિસ છે.

આ નકલી સરકારી કચેરી વર્ષ 2021થી ચાલતી હતી.

ગત 25મી ઑક્ટોબરે આ મામલો પ્રકાશમાં આવ્યો હતો તે સંદર્ભે કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી છે.

નકલી કચેરીની ખબર કેવી રીતે પડી?

ગત તા. 25 ઑક્ટોબર, 2023ના દિવસે છોટાઉદેપુર ખાતે જિલ્લા પ્રાયોજના અધિકારી સચીનકુમારના અધ્યક્ષપદે એક બેઠક મળી હતી.

આ બેઠકમાં સિંચાઈ ખાતાના ઇજનેર સહિત અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ હાજર હતા. બેઠકમાં બોડેલીની એક સરકારી કચેરીમાંથી આવેલાં વિવિધ કામોની દરખાસ્ત પર ચર્ચા શરૂ થઈ હતી પરંતુ બોડેલી ખાતે આવી કોઈ કચેરી ન હોવાનું સામે આવ્યું હતું.

બોડેલીની સરકારી કચેરીથી આવેલી આ દરખાસ્તની તપાસ કરાઈ હતી તો માલૂમ પડ્યું હતું કે છેલ્લાં અઢી વર્ષથી બોડેલીની એક સરકારી કચેરીથી કામોની દરખાસ્ત આવે છે અને મંજૂર થાય છે.

વિવિધ ખાતામાં ગ્રાન્ટ ફાળવણી પણ કરવામાં આવે છે. આ કથિત કચેરીનો એક અધિકારી સરકારી બેઠકોમાં પણ ભાગ લેતો હોય છે.

વધુ તપાસ દરમિયાન એ હકીકત સામે આવી હતી કે સંદીપ રાજપૂત નામના એક વ્યક્તિએ બોડેલી ખાતે આખી ‘નકલી સરકારી કચેરી ઊભી કરીને 93 કામોની દરખાસ્ત મોકલીને 4.15 કરોડ રૂપિયા’ સેરવી લીધા છે. ઉચ્ચ અધિકારીઓએ આ મામલે પોલીસ ફરિયાદના આદેશ કર્યા હતા.

આ સમગ્ર પ્રકરણ બાદ છોટાઉદેપુર જિલ્લાની પ્રાયોજના વહીવટદાર કચેરીના જુનિયર ક્લાર્ક જાવિદભાઈ ઇબ્રાહીમભાઇ માંકોણજીએ 26 ઑક્ટોબર, 2023ના રોજ છોટા ઉદેપુર પોલીસ સ્ટેશનમાં આરોપી સંદીપ રાજપૂત સામે આઇપીસી કલમ 170, 419, 465, 467, 468, 471, 472, 474,120(બી) મુજબ ફરિયાદ નોંધાવી છે.

પોલીસે આ કેસમાં તપાસ કરતા વધુ એક આરોપી અબુ બકર સૈયદનું નામ પણ બહાર આવ્યું હતું. પોલીસે બંને આરોપીઓ સંદીપ રાજપૂત અને અબુ બકર સૈયદની ધરપકડ કરી છે.

ફરિયાદમાં શું નોંધવામાં આવ્યું છે?

સરકારી કચેરીના જુનિયર ક્લાર્ક દ્વારા નોંધાવાયેલી ફરિયાદ મુજબ, 25 ઑક્ટોબર, 2023ના રોજ સવારે 11 વાગ્યે પ્રાયોજના કચેરીના સચીનકુમાર (આઇએએસ) અને પ્રાયોજન વહીવટદારના અધ્યક્ષસ્થાને કચેરીમાં ડી-સેગ પ્રોજેક્ટ અંતર્ગત ઉદવહન સિંચાઈ યોજનાની મીટિંગ રાખવામાં આવી હતી.

આ મીટિંગમાં કાર્યપાલક ઇજનેર (સિંચાઈ) પ્રેક્ષા ગોસ્વામી, કાર્યપાલક ઇજનેર (સિંચાઈ-ડિવિઝન 2) ધવલ પટેલ અને પ્રોજેક્ટ મૅનેજર વિમલ ડામોર હાજર હતા.

આ મીટિંગ દરમિયાન બૉર્ડર વિલેજ યોજનાની વર્ષ 2022-24ની ઉદવહન સિંચાઈ યોજનાના જુદાં જુદાં 12 કામો માટે રૂ. 3.74 કરોડની દરખાસ્ત આવી હતી.

આ કામોની દરખાસ્ત અંગે ચર્ચા દરમિયાન સચીનકુમારે કાર્યપાલક ઇજનેર ધવલ પટેલને બોડેલીની દરખાસ્ત અંગે પૂછતાં તેમણે આવી કોઈ દરખાસ્ત તેમની કચેરી ખાતેથી મોકલેલી નથી એવું જણાવ્યું હતું.

મીટિંગમાં ધવલ પટેલે કહ્યું હતું કે આવી કોઈ કચેરી બોડેલી ખાતે નથી.

દરખાસ્તમાં દર્શાવેલી કચેરી તેમજ અધિકારી બાબતે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આવી કોઈ ઑફિસ કે અધિકારી બોડેલી ખાતે આવેલ નથી.

આ અંગે અધિકારી સચીનકુમારે આ અગાઉ કેટલી દરખાસ્ત આવેલી છે તે બાબતે કચેરી ખાતે તપાસ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી.

અગાઉ વર્ષ 2021-22માં ગુજરાત પૅટર્ન યોજનાનાં અલગ-અલગ 10 કામ માટે રૂ.59.87 લાખ, મહિલાઓને ઘરઆંગણે પીવાના પાણીની યોજનાના 20 કામ માટે રૂ. 1 કરોડ, ન્યુક્લિયસ બજેટના 10 કામ મળી રૂ.37.50 લાખની દરખાસ્તો આવેલી હતી.

આમ, કુલ 40 કામ માટે કુલ રૂ. 1.97 કરોડની વહીવટી મંજૂરી અને ગ્રાન્ટ ફાળવણી માટે કાર્યપાલક ઇજનેર સિંચાઈ પ્રોજેક્ટ બોડેલી ડિવિઝન નામની કચેરીના સહી સિક્કા સાથે અલગઅલગ જાવક નંબરોથી દરખાસ્તો આ કચેરી ખાતે આવેલી હતી.

આ દરખાસ્તોની તત્કાલીન પ્રાયોજના વહીવટદાર વી.સી. ગામિતે કુલ 40 કામો માટે રૂ.1.97 કરોડની વહીવટી મંજૂરી આપી હતી.

આ કામોનાં નાણાં એક્ઝિક્યુટિવ એન્જિનિયર (સિંચાઈ) નામે જુદા જુદા કુલ 10 ચેકથી અલગઅલગ તારીખે ફાળવાયા હતા.

ત્યારબાદ વર્ષ 2022-23ના ગુજરાત પૅટર્ન યોજનાનાં 16 કામોની રકમ રૂ. 40,66,620, મહિલાઓને ઘરઆંગણે પીવાના પાણી યોજનાનાં 23 કામો માટે રૂ. 1, 26, 50, 000, ન્યુક્લિઅસ બજેટનાં 14 કામો માટે રકમ રૂ. 5,10,510 મળી કુલ 53 કામોના કુલ રૂ. 2.18 કરોડની રકમના કામોની વહીવટી મંજૂરી, ગ્રાન્ટ ફાળવણી માટે કાર્યપાલક ઇજનેર, સિંચાઈ પ્રોજેક્ટ, ડિવિઝન બોડેલી નામની કચેરીના સહીસિક્કા સાથે અલગઅલગ જાવક નંબરોથી દરખાસ્ત કચેરીને મળી હતી.

આ દરખાસ્તોને ધ્યાનમાં રાખીને તત્કાલીન પ્રાયોજના વહીવટદાર વી.સી. ગામિત તથા આર. જે. જાડેજાએ કુલ 53 કામના રૂ.2.18 કરોડની વહીવટી મંજૂરી આપી હતી.

આ નાણાંની એસબીઆઈ બૅન્કમાં એક્ઝિક્યુટિવ એન્જિનિયર ઈરિગેશનના ખાતામાં છોટા ઉદેપુર ખાતે ચેકથી અને ઈ-પેમેન્ટથી અલગ-અલગ રીતે ફાળવણી કરવામાં આવી હતી.

આ તમામ દરખાસ્તો બાબતે ફરિયાદીની કચેરી તરફથી તપાસ કરતા બોડેલી ખાતે આવી કોઈ કચેરી આવેલ નથી તેવું જાણવા મળ્યું હતું.

ફરિયાદમાં જણાવાયું છે કે, “તપાસ કરતા સંદીપ રાજપૂત નામની વ્યક્તિએ તા. 26 જુલાઈ 2021થી તા. 25 ઑક્ટોબર, 2023ના સમયગાળા દરમિયાન કાર્યપાલક ઇજનેર સિંચાઈ પ્રોજેક્ટ ડિવિઝન બોડેલી નામની ખોટી કચેરી ઊભી કરી હોવાનું બહાર આવ્યું હતું. કાર્યપાલક ઇજનેરના નામની રાજ્ય સેવક તરીકે ખોટી ઓળખ આપી અને તેના સહીસિક્કા બનાવી ખોટી સહીઓ કરીને, ખોટી દરખાસ્તો તૈયાર કરી તેનો ઉપયોગ કરી સરકારનાં કુલ 93 કામોના નામે 4.15 કરોડની રકમની ઉચાપત આ વ્યક્તિએ કરી છે.”

ફરિયાદમાં લખવામાં આવ્યું છે કે, “અમારી કચેરીના અગાઉના અધિકારી કે અત્યારના કામ કરી રહેલા અધિકારીઓની કે કર્મચારીઓની રહેમનજર હેઠળ કે મિલીભગતથી ગુનાહિત કાવતરાના ભાગરૂપે પોતાના આર્થિક ફાયદા માટે સરકારને આર્થિક નુકસાન પહોંચાડીને સંદીપ રાજપૂતે ગુનો કરેલો છે.”

પોલીસનું શું કહેવું છે?

છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એ.સી. પરમારે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, “26 ઑક્ટોબર, 2023ના રોજ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધવામાં આવ્યો છે. આ ગુનામાં એક વ્યક્તિએ અલગઅલગ 93 કામ માટે રૂ. 4,15,54, 915 રૂપિયાના ખોટા દસ્તાવેજ બનાવી, ખોટા સહીસિક્કા બનાવી, ખોટી સહીઓ કરી, ખોટા દસ્તાવેજી પુરાવાઓ ઊભા કરીને ગ્રાન્ટ મેળવેલી છે. સંદીપ રાજપૂત નામના વડોદરાના ઈસમે કાર્યપાલક ઇજનેર હોવાની ખોટી ઓળખ ઊભી કરીને દરખાસ્તો મોકલીને ગ્રાન્ટ મેળવેલી છે. તે મીટિંગમાં પણ આવતો હતો.”

તેમણે જણાવ્યું હતું કે, “આ સિવાય તપાસ દરમિયાન પૂછપરછમાં અબુ બકર સૈયદ નામનો આરોપી હોવાની વાત પણ સામે આવી છે. તેની પણ અટકાયત કરવામાં આવી છે. આ બંને આરોપીઓએ ભેગા મળીને ગુનાહિત કાવતરું રચી ખોટો કાર્યપાલક ઇજનેર ઊભો કર્યો હતો.”

“તેમણે ખોટા દસ્તાવેજો બનાવ્યા હતા, ખોટી સહીઓ કરી હતી. તેમણે બોડેલી ખાતે તેમની ઑફિસ ઊભી કરીને ગુનાહિત કૃત્યને અંજામ આપ્યો છે. આ બંને આરોપીઓની અટકાયત કરવામાં આવેલી છે. બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 12 દિવસના રિમાન્ડ મેળવેલા છે. વધુ તપાસ ચાલી રહી છે.”

આ સમગ્ર મામલે જિલ્લા પ્રાયોજના અધિકારી સચીનકુમારનો સંપર્ક સાધવાની કોશિશ કરી હતી, પણ તેમની સાથે વાતચીત થઈ શકી નહોતી.

આ અંગે સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર ધવલ કે. પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, “આરોપીઓ દ્વારા સિંચાઈ વિભાગના નામે નકલી ઑફિસ ઊભી કરવામાં આવી હતી પરંતુ અમારા વિભાગથી કોઈ ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવેલ નથી. પ્રાયોજના વિભાગમાંથી જ તમામ ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવેલી છે.”

‘કૌભાંડની તપાસ માટે એસઆઇટીની રચના’

છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા આઇ. જી. શેખે મીડિયા સાથે વાત કરતા કહ્યું, “આ બંને ઇસમોમાં ખાતામાં મંજૂર થયેલા રૂપિયા પણ જમા થયા હતા. બંનેના 14 દિવસના રિમાન્ડની માગણી કરાઈ હતી. નામદાર કોર્ટ દ્વારા 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. બોડેલી ખાતે આવેલી ઑફિસની તપાસ કરતાં એ ભાડે હોવાનું માલૂમ પડ્યું છે.”

તેમણે પોલીસે આ કેસમાં કરેલી કામગીરી અંગે વધુ વાત કરતાં કહ્યું હતું કે, “ત્યાંથી મળી આવેલા સામાન, દસ્તાવેજો અને કાગળો જપ્ત કરાયા છે. આ સિવાય આરોપી અબુ બકરના ઘરેથી મળેલો સામાન પણ જપ્ત કરાયો છે.”

પોલીસ અધિકારીએ આપેલી માહિતી અનુસાર આરોપીઓએ આવી વધુ ‘નકલી કચેરી’ઓ ઊભી કરી છે કે કેમ તેની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી)ની રચના કરાયાની જાણકારી આપી હતી. જેમાં અધ્યક્ષ તરીકે જિલ્લા પોલીસ વડા પોતે અને ડીવાય. એસ. પી., તપાસ અધિકારી પોલીસ ઇન્સપેક્ટર અને ત્રણ સબ ઇન્સ્પેક્ટરોને સભ્ય તરીકે રખાયા હોવાનું જણાવ્યું હતું.

અધિકારી શેખે માહિતી આપતાં કહ્યું હતું કે, “આરોપીઓએ બૅન્કમાં ઓનલાઇન પેમેન્ટ મેળવ્યા છે. બૅંક પાસેથી તેમના એકાઉન્ટની વિગત માગી છે. બન્ને આરોપીઓની કૉલ ડિટેઇલ કઢાવી તેનો અભ્યાસ કરાઈ રહ્યો છે. આ લોકોની સાથે બીજા કોઈ લોકો પણ સામેલ છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “જે-તે કર્મચારીઓના સમયમાં આ ગ્રાન્ટ મંજૂર થઈ છે તે અંગે પણ તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત આરોપીઓએ 4.14 કરોડ રૂપિયા તેમણે ખાનગી બૅન્કના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. તે એકાઉન્ટ પણ સીલ કરાવી દેવાયું છે. જોકે આ એકાઉન્ટ બહુ પહેલેથી જ ખાલી કરી દેવાયું હતું, પરંતુ આ એકાઉન્ટમાંથી બીજા કયા ઇસમોને પૈસા ચૂકવાયા તે અંગે તપાસ ચાલી રહી છે. હજુ સુધી આ અંગે કોઈ વિગત ઉપલબ્ધ થઈ નથી. નકલી ઇજનેર બનેલ સંદીપ રાજપૂત બી. કૉમ. સુધી ભણ્યો હોવાનું જાણવા મળ્યું છે.”

કૉંગ્રેસે શું સવાલ ઉઠાવ્યા?

ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, “છોટાઉદેપુરમાં આ બનાવટી કચેરીએ અત્યાર સુધીમાં 93 સરકારી કામો કરવાના નામે કુલ 4.15 કરોડ રૂપિયા ખંખેરી લીધા છે. આ બનાવટી અધિકારી અત્યાર સુધી આયોજનની મીટિંગોમાં પણ ભાગ લેતો આવ્યો છે. જેમાં પ્રભારી મંત્રી, કલેક્ટર, ટ્રાઇબલ સબ-પ્લાન ઑફિસર, ધારાસભ્યો, સાંસદ, તાલુકા પ્રમુખ, જિલ્લા પ્રમુખ, સલાહકાર સમિતિના સભ્યો પણ બેસતા હોય છે.”

“સવાલ એ થાય કે શું એટલા અભણ અધિકારીઓ બેઠા છે કે તેઓ નકલી ફાઇલો પણ પાસ કરશે? નકલી સરકારી કચેરીના નામે 71 ફાઇલો પાસ થઈ ગઈ અને કોઈને ખબર ન પડી? નકલી સરકારી કચેરીની જંગી રકમની ચુકવણી કોની મીઠી નજર હેઠળ થઈ? શું પ્રાયોજના વહીવટદારની કચેરીની રહેમ નજર હેઠળ આ થયું છે? બે વર્ષ સુધી ભેજાબાજો કાંડ આચરતા રહ્યા, શું તંત્ર ઊંઘતું હતું? દરખાસ્ત પસાર કરાવવા સાત કોઠા વીંધવા જેવી પ્રક્રિયા હોય છે તો આ કૌભાંડ કઈ રીતે રચાયું?”

તેમણે વધુમાં સવાલ કર્યો કે “મોટી રાજકીય વગ, મોટા અધિકારીઓના આશીર્વાદ અને મેળાપીપણા વગર નકલી સરકારી કચેરી બે વર્ષથી ધમધોકાર કઈ રીતે કરોડોના કૌભાંડ કરે છે? આ કામનો અસલી ખેલાડી કોણ? આ કૌભાંડના અસલી ખેલાડીઓ બેનકાબ થાય અને સંપૂર્ણ તપાસ થાય તેવી અમારી માગણી છે.”

તો રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે “આ પ્રકારનાં તત્ત્વોને છોડવામાં આવશે નહીં. આમાં કોઈ ફરિયાદ મળી નથી, પણ સરકારની અંદર ષડયંત્ર રચવાનો જે પ્રયાસ કર્યો, એના માધ્યમથી જે પૈસા મેળવવાનો પ્રયાસ કર્યો. આવા પ્રકારના લોકોને શોધવાની કામગીરી જ સરકાર દ્વારા કરવામાં આવી છે. આ કેસમાં ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવશે.”

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button