નર્મદારાજનીતિ

ચૈતર વસાવાની 48 દિવસ જેલમાં રહ્યા બાદ શરતી જમીન પર મુક્તિ

જિલ્લામાંથી હદપાર કરાતા ગાંધીનગરમાં ધામા

ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થકોની આતુરતાનો આજે અંત આવ્યો છે. કેમ કે રાજપીપળાની ડિસ્ટ્રિક એન્ડ સેસન્સ કોર્ટમાં તેમનાં પત્ની સહિતના 3 આરોપીની જામીન અરજી પર સુનાવણી બાકી હોવાથી તેમણે જેલમાં જ રહેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. પણ હવે આજે ગુરુવારે તેઓ પત્ની અને સાથીદારો વિના જ જેલમાંથી બહાર આવ્યા છે. ચૈતર વસાવાને શરતી જામીન પર મુક્તિ મળી છે. જેમાં તેમને નર્મદા અને ભરૂચ જિલ્લામાં પ્રવેશબંધી ફરમાવાઈ છે. ત્યારે હાલ તેમણે પોતાનું નવું સરનામું ગાંધીનગરને બનાવ્યું છે.

સમર્થકોનો ઠેર-ઠેર જમાવડો થઈ ગયો

ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાંથી છૂટા થાય એ પહેલાં જ સમર્થકોનો ઠેર-ઠેર જમાવડો થઈ ગયો હતો. જેને લઈ ડેડિયાપાડા કોર્ટનો ઓર્ડર લઈને જેલરને આપવા નીકળેલા ચૈતર વસાવાનાં પત્ની વર્ષાબેન સહિત સમર્થકોને બિતાડા ચોકડી પાસે પોલીસે એક કલાકથી અટકાવ્યા હતા. બાદમાં ફક્ત તેમનાં પત્નીને મંજૂરી આપતા તેઓ બાળકો સાથે જેલમાંથી ચૈતર વસાવાને લઈ બહાર આવ્યાં હતાં.

ચૈતર વસાવાએ ગાડીની બહાર આવી લોકોનું અભિવાદન ઝીલ્યું

ચૈતર વસાવાની એક ઝલક જોવા મોટી સંખ્યામાં સમર્થકોનો જમાવડો. પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે ચૈતર વસાવા બહાર આવતા જ સમર્થકોએ ફૂલહારથી સ્વાગત કર્યું અને ચૈતર તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ ના નારા લગાવ્યા. ચૈતર વસાવાની એક ઝલક જોવા લોકોની પડાપડી થઈ. જ્યાં ચૈતર વસાવાએ ગાડીની બહાર આવી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.

‘હવે બમણી તાકાતથી અમે ભાજપ સામે લડીશું’

જેલમાંથી બહાર આવ્યા બાદ ચૈતર વસાવાએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, મને અને મારા પરિવારને રાજકીય ષડ્યંત્રથી ફસાવવામાં આવ્યા હતા અને છેલ્લા ત્રણ મહિનાથી મારાં ધર્મપત્ની જેલમાં છે. જ્યારે મને નામદાર સેશન કોર્ટે શરતી જામીન આપ્યા છે જેને અમે આવકારીએ છીએ. આગામી દિવસોમાં અમે આ શરતોને હટાવવા માટે હાઈકોર્ટમાં અપીલ કરીશું. સાથે સાથે ગુજરાતની પ્રજા, આદિવાસીઓ માટે અમે બોલીએ છીએ. જે આ ભાજપ સરકારને ગમતું નથી અને અમને ખોટા ષડ્યંત્ર બનાવીને ફસાવી રહ્યા છે. ફોરેસ્ટના અધિકારીઓએ જે મારા સામે ફરિયાદ કરી છે. તેમને ખબર હોવી જોઈએ કે, આદિ અનાદિ કાળથી આ આદિવાસી જંગલમાં જ વસવાટ કરે છે. આ જળ, જંગલ અને જમીન એ આદિવાસીઓની છે. વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત અમને દાવા હક મળ્યા છે જે જમીનો અમે ખેડીએ છીએ. એટલે અમે ક્યારેય ભાજપ સરકારથી ડરવાના નથી. અમને જેલ કરી છે એટલે એટલી જ બમણી તાકાતથી અમે સામે લડીશું હવે.

ચૈતર વસાવાનું ગાંધીનગર બન્યું નવું સરનામું

ચૈતર વસાવાએ જેલમાંથી મોડા બહાર આવવાનું કારણ જણાવતા કહ્યું હતું કે, મારાં ધર્મપત્ની છેલ્લા 90 દિવસથી જેલમાં છે. અમે સાથે આવવાનાં હતાં, પરંતુ સંજોગોવશાત અને તેમનો આગ્રહ હતો કે વિધાનસભાનું સત્ર ચાલુ થઈ ગયું છે અને લોકોના પ્રશ્નો તમારે ઉઠાવવાના છે. તેથી તેમના આગ્રહને માન રાખી અને વિધાનસભાના સત્રના કારણે આજે જેલથી બહાર આવ્યા છીએ. ભરૂચ લોકસભા ચૂંટણીને લઈ કેજરીવાલ અને ભગવંત માન આવ્યા હતા અને તેમણે કીધું છે તમારે લડવાનું છે. તો જ્યારે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યારે કહેતા હોય તો મારે ચૂંટણી લડવાની પણ છે અને બહુમતીથી જીતવાની પણ છે. આવનારા સમયમાં INDIA ગઢબંધન જે પણ ઉમેદવારને ભરૂચ સીટ માટે નક્કી કરશે તે અમને માન્ય રહેશે અને અમે પૂરા સહકાર સાથે ચૂંટણી લડીશું. છતાં અમારી પૂરેપૂરી તૈયારી છે લોકસભા લડવાની અને અમે મજબૂત ઉમેદવાર પણ છીએ. જ્યારે હાલ મને ભરૂચ અને નર્મદા જિલ્લાની હદ બહાર રહેવાનો આદેશ કરવામાં આવ્યો છે. ત્યારે હું તેમની શરતોને માન આપી હાલ ગાંધીનગર સેક્ટર 21ના બ્લોકનંબર 7ના રૂમ નંબર 7ના મારા ક્વાર્ટરમાં રોકાવાનો છું.

પોલીસનો કડક બંદોબસ્ત

બુધવાર સાંજથી સોશિયલ મીડિયામાં પોસ્ટ વહેતી થઇ ગઈ હતી કે ચૈતર વસાવા આવતીકાલ એટલે કે ગુરુવારે જેલમાંથી બહાર આવવાના છે. ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાંથી છૂટવાના હતા અને જેલ પરિસર પાસે તેમના સર્મથકો ટોળે ના વળે અને જિલ્લાની શાંતિ ના ડહોળાય એ માટે નર્મદા પોલીસ પહેલેથી જ એલર્ટ થઇ ગઈ હતી. જે મુજબ આજે ચૈતર વસાવા બહાર આવતા મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. જેથી પોલીસે બેરિકેડ મારી શાંતિ ના ડહોળાય એ માટેના પ્રયાસો હાથ ધર્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button