છત્તીસગઢમિઝોરમરાજનીતિ

નકસલી હિંસા વચ્ચે છત્તીસગઢમાં પ્રથમ તબક્કામાં ૭૧ ટકા મતદાન

મિઝોરમમાં એક જ તબક્કામાં વિધાનસભાની તમામ ૪૦ બેઠકો માટે થયેલી ચૂંટણીમાં ૭૭ ટકા મતદાન સુકમામાં નકસલીઓ સાથેના એન્કાઉન્ટમાં ચાર જવાન ઘાયલ

છત્તીસગઢમાં પ્રથમ તબક્કા હેઠળ યોજાયેલ ૨૦ વિધાનસભા બેઠકો માટે થયેલ ચૂંટણીમાં લગભગ ૭૧ ટકા મતદાન થયું છે. નકસલી હિંસા અને ચૂંટણીના બહિષ્કાર વચ્ચે ભારે સુરક્ષા સાથે આજનું મતદાન પૂર્ણ થયું હતું.

ઉલ્લેખનીય છે કે દસ બેઠકો માટે મતદાનનો સમય સવારે સાત થી બપોરે ત્રણ વાગ્યા સુધીનો હતો. જ્યારે અન્ય દસ બેઠકો પર મતદાનનો સમય સવારે આઠ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધીનો હતો.

નકસલવાદ અસરગ્રસ્ત બસ્તર વિસ્તારમાં મોટા પાયે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. પ્રથમ તબક્કાના મતદાન માટે એક લાખથી વધારે સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા હતાં.

આજે યોજાયેલ ૨૦ બેઠકો પૈકી ૧૨ બેઠકો એસટી માટે અનામત હતી. આજે ૨૫ મહિલાઓ સહિત ૨૨૩ ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયું છે. આજના મતદાન પછી પૂર્વ મુખ્યપ્રધાન અને ભાજપ નેતા રમણ સિંહ, છત્તીસગઢ કોંગ્રેસ પ્રમુખ અને સાંસદ દીપક બૈજ અને ભૂપેશ બઘેલ કેબિનેટના ત્રણ પ્રધાનોનું ઇવીએમમાં સીલ થઇ ગયું છે.

આજના મતદાન વચ્ચે સુકમા, નારાયણપુર, બીજાપુર અને કાંકેર જિલ્લાઓમાં હિંસા થઇ હતી. આ દરમિયાન સુકમા જિલ્લામાં નકસલવાદીઓ સાથેની અથડામણમાં ચાર સુરક્ષા જવાનો ઘાયલ થયા છે.

બીજી તરફ મિઝોરમમાં આજે વિધાનસભાની તમામ ૪૦ બેઠકો પર મતદાન થયું હતું. ૬ વાગ્યા સુધીમાં આશરે ૭૭ ટકા મતદાન થયું હતું. ઉલ્લેખનીય છે કે ૨૦૧૮ની ચૂંટણીમાં ૮૧.૬૧ ટકા મતદાન થયું હતું.

સૂત્રોના જણાવ્યા અનુસાર મિઝોરમમાં મતદાન એકંદરે શાંત રહ્યું હતું. ૧૮ મહિલાઓ સહિત ૧૭૪ ઉમેદવારોનું ભાવિ નક્કી કરવા માટે ૧૨૭૬ મતદાન કેન્દ્રોની રચના કરવામાં આવી હતી.

શાસક પક્ષ મિઝો નેશનલ ફ્રન્ટ (એમએનએફ), મુખ્ય વિરોધ પક્ષ ઝોરમ પીપલ્સ મૂવમેન્ટ (ઝેડપીએમ) અને કોંગ્રેસે તમામ ૪૦ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતાં. ભાજપે ૨૩ બેઠકો પર ઉમેદવાર ઉભા રાખ્યા હતાં. શાંતિપૂર્ણ મતદાન માટે ૭૨૦૦ સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા હતાં.

ઉલ્લેખનીય છે કે ૨૦૧૮ની ચૂંટણીમાં એમએનએફને ૨૪, ઝેપીએમને આઠ, કોંગ્રેસને પાંચ અને ભાજપને એક બેઠક મળી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button