સુરત

ધારાસભ્ય કુમાર કાનાણી, વિપક્ષી નેતાની કલેકટરને રજૂઆત જો એજન્ટોને પૈસા આપો તો તાત્કાલિક દાખલા બની જાય છે

વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી અને પાલિકાના વિપક્ષના નેતાએ આવક સહિતના દાખલા કઢાવવા માટે લોકોને પડતી અગવડને લઇ યોગ્ય વ્યવસ્થા કરવા કલેક્ટરને રજૂઆત કરી છે. તેમનું કહેવું હતું કે, લોકો મધરાતથી લાઈન લગાવી રહ્યા છે અને તલાટી છેક બપોરે 12 વાગ્યે આવે છે, જેથી યોગ્ય વ્યવસ્થા થવી જરૂરી છે.

બોર્ડના વિદ્યાર્થીઓને આગળ અભ્યાસ કરવા જરૂરી એવા દાખલા ઝડપથી મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. કાનાણીએ આક્ષેપ પણ કર્યો હતો કે, લોકો પૈસા આપે તો એજન્ટો તાત્કાલિક દાખલા કઢાવી આવે છે. પત્રમાં તેમણે એજન્ટો-ઓપરેટરો વચ્ચે સાંઠગાંઠ હોવાથી પૈસા આપો તો 2 કલાકમાં જ આવકના દાખલા મળી જાય છે. કુમાર કાનાણીએ જણાવ્યું કે, વિદ્યાર્થીઓને આગળના અભ્યાસ માટે પ્રવેશ ફોર્મ નિયત સમય મર્યાદામાં ભરવાના હોય છે. હાલમાં સેન્ટરો પર ખૂબ મોટી સંખ્યામાં લોકો રાત્રે 2 વાગ્યાથી દાખલા કઢાવવા માટે લાંબી લાઈનો ઊભા રહે છે છતાં ટોકન લિમિટેડ આપવામાં આવી રહ્યા છે.

ફરિયાદ કરવી હોય ત્યાં કરો, કોઈથી કશું થવાનું નથી

પાલિકાના વિપક્ષના નેતા પાયલ સાકરિયાએ કલેક્ટરને રૂબરૂમાં રજૂઆત કરી હતી કે, પુણા વોર્ડ કચેરી ઉપર તલાટીની ઓફિસમાં વિવિધ દાખલા મેળવવા માટે લોકો મધરાતે 2 વાગ્યાથી લાઈન લગાવીને ટોકન માટે ઊભા રહે છે, જેની સામે તલાટી બપોરે 12 વાગ્યે આવે છે. અસહ્ય ગરમીમાં લોકો લાઈનોમાં ત્રાહિમામ પોકારી રહ્યા છે. તેમણએ કેન્દ્ર પર નાયબ મામલતદારને પણ રજૂઆત કરી હતી. જો કે તેમણે એવો જવાબ આપ્યો કે, અમને ફોન ન કરો. ફરિયાદ કરવી હોય ત્યાં કરો. કોઈથી કશું થવાનું નથી.

Related Articles

Back to top button