તાપી

સોનગઢના ખેરવાડા રેંજમાં પશુ- પક્ષી તસ્કર ઝડપાયા

દવ લગાવીને વૃક્ષ પરથી પોપટના બચ્ચા પકડવાનું આયોજન નિષ્ફળ

સોનગઢ તાલુકાના તાપી નદી કિનારે આવેલા ખેરવાડા રેંજ વિસ્તારમાં એક વૃક્ષ પર ચઢી શિડયુલ વનમાં ગણાતાં પક્ષી પોપટના બચ્ચા પકડવા માટે આવેલાં ચાર આરોપીને વન વિભાગે રંગેહાથ પકડી લીધાં હતાં. એ સાથે જ તપાસ દરમિયાન જંગલમાં દવ લગાવવાનો પ્રયાસ કરનાર એક સ્થાનિક આરોપી પણ ઝડપાઈ ગયો હતો.

સોનગઢ તાલુકાના ખેરવાડા રેંજ વિસ્તારના જંગલ માંથી છેલ્લા કેટલાંક સમયથી જુદા જુદા પક્ષીઓની ચોરી કરી જતી ગેંગ કાર્યરત હતી. આ બાબતે વ્યારા વન વિભાગના નાયબ વન સંરક્ષક પુનિત નૈયરે સઘન તપાસ કરવા માટે ખેરવાડા રેંજના રેંજર અશ્વિનાબહેન પટેલને સૂચના આપી હતી. આ સંદર્ભે જંગલ વિસ્તારમાં સ્ટાફ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન ગત દિવસે જંગલ વિસ્તારમાં બે બાઈક પર સવાર ચાર લોકો શંકાસ્પદ સ્થિતિમાં ફરતાં હોવાની જાણ બીટગાર્ડ ચિંતન વસાવા સહિત સ્ટાફને થતાં તેમણે જામલી કોતરની ટેકરી પાસે રેડ કરી હતી. અહીં વધુ તપાસ દરમિયાન હળદુના અંદાજિત 70 ફુટ ઊંચા વૃક્ષ પર ચઢેલો એક ઈસમને ઉતારવામાં આવ્યો હતો અને નજીકથી અન્ય ત્રણ જેટલાં જિલ્લા બહારના રહેવાસી યુવકો મળી આવ્યાં હતાં જેઓ રેકી કરતાં હતાં.

ખેરવાડા રેંજ વિસ્તારમાં ઉનાળા માં જંગલમાં દવ લગાડવાની પ્રવૃત્તિ આચરવામાં આવતી હતી. આ બાબતે ખેરવાડા રેંજ ના રેંજર અને સ્ટાફ દ્વારા દવ લગાવનારા ઇસમો ને ઝડપી લેવા વ્યવસ્થા ઉભી કરી હતી. દરમિયાન બિનખા ડુંગરના નીચેના ભાગમાં એક બહાદુર જેઠીયા વસાવા શંકાસ્પદ સ્થિતિમાં તીક્ષ્ણ હથિયાર સાથે રખડતો મળી આવ્યો હતો. વન વિભાગના રેંજર અશ્વિના બહેનના જણાવ્યાં અનુસાર બહાદુર વસાવા જંગલમાં દવ લગાડી શિકાર કરવાની ફિરાકમાં હતો. બહાદુર વસાવાની પણ અટક કરી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button