ગુજરાત

શું સ્માર્ટ મીટરથી બિલ વધારે આવી રહ્યું છે? ફાયદો કોને છે ગ્રાહકને છે કે કંપનીને?

2021થી કેન્દ્ર સરકારના નિર્દેશ મુજબ પ્રિપેઈડ સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત થઈ ચુકી છે. ગુજરાતમાં પણ સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ આગળ વધી રહ્યા છે

સામાન્ય રીતે જ્યારે કોઈ વસ્તુ આગળ સ્માર્ટ શબ્દ લાગે એટલે એક અવધારણા બને કે એ વપરાશકર્તાની સગવડતા વધારનારી બનશે. સ્માર્ટ ફોન કે હવે તો સ્માર્ટ ટીવી પણ તેના ઉદાહરણ બની ચુક્યા છે. આપણે જે વાત કરવાની છે એ છે વીજળીના સ્માર્ટ મીટરની. 2021થી કેન્દ્ર સરકારના નિર્દેશ મુજબ પ્રિપેઈડ સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત થઈ ચુકી છે. ગુજરાતમાં પણ સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ આગળ વધી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી સ્માર્ટ મીટર સામે વિરોધનો સૂર ઉઠ્યો. કેટલાક વપરાશકારોના મનમાં એ વાત ઘર કરી ગઈ છે કે જૂના મીટર કરતા સ્માર્ટ મીટરમાં બિલ વધુ આવે છે, અચાનક જ વીજળીનું કનેકશન કપાઈ જાય છે, તાત્કાલિક રિચાર્જ કેમ કરાવવું વગેરે જેવા અનેક પ્રશ્નો છે. વીજકંપનીઓ પોતાની રીતે સમસ્યાનું સમાધાન શોધવા અને વપરાશકારોના પ્રશ્નોના જવાબ આપી રહી છે ત્યારે એ જાણવું અત્યંત જરૂરી છે કે વીજળી જેવી દૈનિક અને પાયાની જરૂરિયાત માટે જે પ્રિપેઈડ સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા તેને લઈને હોબાળો આખરે કેમ છે? ગ્રાહકોના મનમાં જે પ્રશ્નો છે તે સાચા છે કે પછી તેઓ અફવાઓમાં આવીને વિરોધ કરી રહ્યા છે?

રાજ્યમાં પાયલટ પ્રોજેક્ટ તરીકે વીજળીના સ્માર્ટ મીટર લગાવાયા છે. સ્માર્ટ મીટર લગાવવા સામે લોકો વિરોધ કરી રહ્યા છે. લોકોના મનમાં સ્માર્ટ મીટરને લઈને અનેક આશંકાઓ છે. રાજ્યમાં કેટલીક જગ્યાએ સ્માર્ટ મીટર સામે વિરોધ પણ થયો છે. વીજળીના સ્માર્ટ મીટર સામે હોબાળો થવાનું કારણ શું? સ્માર્ટ મીટરને લઈને શંકા-કુશંકાઓ કેમ થઈ રહી છે? નવા મીટરથી વાસ્તવિક ફાયદો કોને છે?

વીજળીના સ્માર્ટ મીટરનો વિરોધમાં ક્યાં શું થયું?

  • પંચમહાલ

ગોધરાના ખાડી ફળિયાના શ્રમજીવી પરિવારોનો વિરોધ જોવા મળ્યો હતો. શ્રમજીવી લોકો પાસે સ્માર્ટફોન નહતો. રિચાર્જ ન કરાવી શકતા ટોર્ચના સહારે શ્રમજીવી પરિવાર રહે છે. હાલ અનેક ઘરમાં વીજળી જતી રહી છે. રિચાર્જ કરાવ્યા બાદ ઝડપથી રિચાર્જ પૂરુ થઈ જાય છે. બે હજાર રૂપિયાની ક્રેડિટ લિમીટ કરવાની ચર્ચા પણ થઈ હતી

  • વડોદરા

વીજળીનું બિલ વધુ આવતું હોવાનો આરોપ છે તેમજ વીજ પુરવઠો અચાનક જ બંધ થઈ જાય છે. રિચાર્જ કરાવ્યા પછી પણ વીજ પુરવઠો બંધ થઈ જાય છે

  • સુરત

સ્માર્ટ મીટરમાં બિલ વધુ આવતું હોવાનો આરોપ છે. પહેલા 1500 રૂપિયા જેટલું બિલ આવતું હતું. સ્માર્ટ મીટર બાદ 2500 રૂપિયા જેટલું બિલ આવે છે

સ્માર્ટ મીટર શું છે?

ટેકનોલોજીથી સજ્જ ડિજિટલ વીજમીટર છે. મોબાઈલના પ્રિપેઈડ રિચાર્જની જેમ વીજળીનું પ્રિપેઈડ રિચાર્જ કરવાનું રહે છે. વાયરલેસ ટેકનોલોજીનો ઉપયોગ કરાય છે. ગ્રાહક અને વીજકંપની ડેટાની સમીક્ષા કરી શકે છે. વીજવપરાશ ઉપર વીજકંપનીની સીધી દેખરેખ રહી શકે છે. તમારો વીજવપરાશ ક્યાં વધુ છે તેની જાણકારી મળી શકે છે. કુદરતી આફત સમયે વીજસંગ્રહની કેટલી જરૂરિયાત છે તે જણાવી શકે છે.

વીજકંપનીનું શું કહેવું છે?

2021માં કેન્દ્ર સરકારના ઉર્જા મંત્રાલયનું નોટિફિકેશન હતું. ઉર્જા મંત્રાલયના નિર્દેશ મુજબ જ સ્માર્ટ મીટર લગાવાય છે. ખેતીવાડી સિવાયના વીજવપરાશના મીટર સ્માર્ટ મીટર કરવાની યોજના છે. સ્માર્ટ મીટરમાં તમે કેટલો વીજવપરાશ કર્યો તે જોઈ શકાશે. સ્માર્ટ મીટર ઝડપથી ફરશે એ વાત ખોટી છે. 100 જૂના મીટરની સાથે 5 નવા મીટર લાગશે. નવા અને જૂના મીટર સાથે લાગશે એટલે વધુ વપરાશની ફરિયાદ દૂર થઈ જશે. તમારુ બેલેન્સ -300 હશે ત્યાં સુધી વીજ કનેકશન કટ નહીં થાય. જાહેર રજાના દિવસે વીજ કનેકશન કાપવાની કાર્યવાહી થતી નથી. કામના કલાકો દરમિયાન જ વીજ કનેકશન કાપવાની કાર્યવાહી થશે. સ્માર્ટ મીટરમાં કોઈ છૂપા ચાર્જ નથી કે વધારાના ચાર્જ નથી. સ્માર્ટ મીટરથી વીજકંપનીને પણ વીજળીની જરૂરિયાતનો ખ્યાલ આવશે. અનેક ગ્રાહકો સ્માર્ટ મીટરનો શાંતિપૂર્વક વપરાશ કરી રહ્યાં છે. સ્માર્ટ મીટરને લઈને બિનજરૂરી અફવાઓમાં દોરાઈ ન જવું

કઈ વીજકંપનીના કેટલા કનેક્શન કાર્યરત?

  • DGVCL- 4350
  • MGVCL- 17751
  • PGVCL- 2021
  • UGVCL- 0

Related Articles

Back to top button