વિશ્વ

ગાંધીજી ભારતના ભાગલા માટે જવાબદાર હતા?

77માં સ્વતંત્રતા દિવસ ખાસ ખબર...

આ વાત બીજી કેટલીક રીતે પણ કહેવાતી-પૂછાતી રહી છે. જેમ કે, ગાંધીજીને લીધે આ દેશના ભાગલા પડ્યા

  • ગાંધીજીએ ઝીણાને ખોટો ભાવ આપ્યો, એટલે દેશના ભાગલા પડ્યા.
  • ગાંધીજીની ઢીલાશને લીધે ઝીણા માથે ચડી ગયા અને દેશના ભાગલા પડ્યા

અંગ્રેજો અને ભાગલાનું રાજકારણ

1857ના સંગ્રામમાં હિંદુઓ અને મુસ્લિમો એક થઈને જે રીતે લડ્યા, તેનાથી અંગ્રેજો ભડકી ગયા.

ત્યાર પછી બંને કોમ વચ્ચે તિરાડ પાડી શકે એવા નાનામાં નાના મુદ્દાને મોટા કરવા, એકબીજા વિરુદ્ધ અવિશ્વાસ પ્રેરવો અને એકની સામે બીજાને ઊભા કરવા, એ અંગ્રેજોની શાસનપદ્ધતિનું અંગ બની ગયું.

1905માં તેમણે બંગાળના મુસ્લિમ બહુમતી ધરાવતા હિસ્સાને હિંદુ બહુમતીવાળા હિસ્સાથી અલગ કરી નાખ્યો. બહાનું વહીવટી સરળતાનું હતું.

આ નિર્ણય સામે ઉગ્ર આંદોલન અને દેખાવ થયા. 1912માં બંગાળના ભાગલાનો નિર્ણય રદ કરવામાં આવ્યો, પણ બંને કોમો વચ્ચે અંતર વધારવાની અંગ્રેજોની ચાલ સફળ થઈ.

1909માં આવેલા સુધારામાં ભારતીયોને ચૂંટાઈને ધારાસભાઓમાં જવાની તક મળી, પણ તેમાં મુસ્લિમો માટે અલગ મતદારમંડળની વ્યવસ્થા રાખવામાં આવી હતી.

એટલે કે, મુસ્લિમ ઉમેદવાર મુસ્લિમોના મતથી જ ચૂંટાય. તેને હિંદુઓના મતની જરૂર ન પડે. હિંદુ-મુસ્લિમ અલગાવને સત્તાવાર સ્વરૂપ આપવાનો આ પ્રયાસ હતો.

હિંદુ-મુસ્લિમો વચ્ચે અંતર વધતું રહે, તેના માટે અંગ્રેજ સરકાર કેવી પ્રયત્નશીલ હતી, તેનો વિગતવાર ચિતાર સંબંધિત દસ્તાવેજોના આધાર સાથે વલી ખાને તેમનાં પુસ્તક ‘ફૅક્ટ્સ આર ફૅક્ટ્સ- ધ અનટોલ્ડ સ્ટોરી ઑફ ઇન્ડિયાઝ પાર્ટિશન’માં આપ્યો છે.

તેમાંથી એક ઉદાહરણ : 21 સપ્ટેમ્બર, 1922ના રોજ વાઇસરૉય રિડિંગે બ્રિટનના મંત્રીમંડળમાં ભારતનો હવાલો સંભાળતા ગૃહમંત્રી (સેક્રેટરી ઑફ સ્ટેટ ફોર ઇન્ડિયા)ને લખ્યું હતું, ”મેં હમણાં જ તમને તાર કર્યો છે.”

”તેનાથી તમને જણાશે કે આપણે મુસ્લિમો અને હિંદુઓ વચ્ચે સંપૂર્ણપણે વિચ્છેદ કરાવવાના આરે છીએ.”

”આ શક્યતા તરફ હું હંમેશાં સૌથી વધારે ધ્યાન આપતો રહ્યો છું અને તેમાં મને મારી કાઉન્સિલમાં રહેલા (મુસ્લિમ સભ્ય) શફીની ભારે મદદ મળી છે, જે ઘણા સન્માનનીય મુસ્લિમ છે.”

અંગ્રેજોની તરકીબ એ હતી કે સૌથી પહેલાં કૉંગ્રેસની સામે મુસ્લિમ લીગને રાજકીય દૃષ્ટિએ મજબૂત બનાવવી, તેની બરાબરની ધાર કાઢવી અને પછી દાવો કરવો કે હિંદુ-મુસ્લિમો વચ્ચેની ખૂનખાર દુશ્મનીને કારણે અંગ્રેજો ભારત છોડીને જાય, તે ભારતના હિતમાં નથી.

કોમી ઉશ્કેરણીનું સ્વદેશી ઝેર

અંગ્રેજોની ‘ભાગલા પાડો ને રાજ કરો’ ચાલબાજીની યોગ્ય ટીકા કરતી વખતે એ પણ યાદ રાખવું પડે કે તેમના આ પ્રયાસોને બંને પક્ષના કોમવાદીઓ તરફથી ભરપૂર ટેકો મળ્યો.

મુસ્લિમ હિતના નામે મુસ્લિમ કટ્ટરવાદી તત્ત્વોએ અને હિંદુહિતરક્ષણના નામે હિંદુ કટ્ટરવાદી તત્ત્વોએ ગાંધીજી અને કૉંગ્રેસના કોમી એકતાના પ્રયાસમાં સતત અવરોધ ઊભા કર્યા અને વાતાવરણ અંગ્રેજો માટે અનુકૂળ રાખ્યું.

1921માં ખિલાફત આંદોલન પછી ઊભો થયેલો હિંદુ-મુસ્લિમ કોમી એકતાનો માહોલ ઠરે તે પહેલાં જ વિખેરાઈ ગયો.

ગાંધીજીને નિરાશ કરી મૂકે એ હદનાં હુલ્લડોનો સિલસિલો ચાલ્યો.

બંને પક્ષના ધર્મઝનૂનીઓ અને ગુંડાઓને ધર્મહિતરક્ષક ગણવાની માનસિકતા તેના માટે જવાબદાર હતી.

તેમાં અંગ્રેજોનો વાંક હોય તો એટલો કે તે હુલ્લડખોરો સામે તરત કડક પગલાં લેવાને બદલે આગ સળગવા દેતા હતા.

કોમી ગુંડાગીરી અને કોમવાદી લાગણીનાં સામાજિક, આર્થિક, ધાર્મિક, સ્થાનિક એમ ઘણાં કારણ હતાં, પણ તેનું પરિણામ એક જ હતું :

હિંદુ-મુસ્લિમો શાંતિથી સાથે રહી શકે એમ નથી, એવા અંગ્રેજોના દાવાને ટેકો મળતો હતો અને કોમી એકતાની વાત કરનાર ગાંધીજીના હાથ હેઠા પડતા હતા.

પાકિસ્તાન : ખ્વાબ અને હકીકત

‘પાકિસ્તાન’-પાક (પવિત્ર) લોકોની ભૂમિનો ખ્યાલ પહેલવહેલો કૅમ્બ્રિજમાં ભણતા ચૌધરી રહેમતઅલીના નામે બોલે છે.

‘પાકિસ્તાન નેશનલ મૂવમૅન્ટ’ના સ્થાપક તરીકે પોતાની ઓળખ આપનાર 36 વર્ષના રહેમતઅલીએ 28 જાન્યુઆરી, 1933ના રોજ એક પતાકડું પ્રગટ કર્યું, જેનું મથાળું હતું :

‘નાઉ ઑર નેવર – આર વી ટુ લીવ ઑર પૅરિશ ફૉરઍવર’ (આજે નહીં તો ક્યારે નહીં, આપણે ટકીશું કે પછી કાયમ માટે ભૂંસાઈ જઈશું?).

આ પતાકડાંમાં પહેલી વાર રહેમતઅલીએ મુસ્લિમ બહુમતી ધરાવતા પંજાબ (P), અફઘાન પ્રાંત (A), કાશ્મીર (K), સિંધ (S) અને બલુચિસ્તાન (TAN) એમ પાંચ પ્રાંતોના પાકિસ્તાન માટે અલગ સમવાય બંધારણ (ફૅડરલ કૉન્સ્ટિટ્યુશન)ની માગણી કરી હતી.

પાકિસ્તાનની કલ્પનાનું શ્રેય કેટલીક વાર મહાન કવિ મહંમદ ઇકબાલને પણ આપવામાં આવે છે.

પરંતુ ભાગલા પહેલાં ‘કૉમ્યુનલ ટ્રાયૅન્ગલ્ ઑફ ઇન્ડિયા’ (હિંદનો કોમી ત્રિકોણ) જેવું અભ્યાસપૂર્ણ પુસ્તક લખનાર અશોક મહેતા અને અચ્યુત પટવર્ધને એ વિશેની સ્પષ્ટતા નોંધી હતી.

તેમણે ઇકબાલના મિત્ર એવા અંગ્રેજ લેખક ઍડવર્ડ થૉમસનને ટાંકીને લખ્યું હતું કે ઇકબાલને પાકિસ્તાન અંગ્રેજો-હિંદુઓ-મુસ્લિમો બધા માટે ખતરનાક લાગતું હતું, પણ ઇકબાલે કહ્યું હતું ‘હું મુસ્લિમ લીગનો પ્રમુખ રહ્યો, એટલે તેનું સમર્થન કરવાની મારી ફરજ છે.’

1937માં પહેલી વાર જુદાજુદા પ્રાંતોની ધારાસભાની ચૂંટણી થઈ. ત્યાર પહેલાં 1934માં ગાંધીજીએ રચનાત્મક કાર્યક્રમો અને અહિંસા અંગેના મતભેદોને કારણે કૉંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું.

ઝીણાની મુસ્લિમ લીગે આ ચૂંટણી વખતે કોમવાદી પ્રચારનો આશ્રય લીધો ન હતો.

ચૂંટણીમાં સરદારના અસરકારક આયોજન અને પંડિત નહેરુની પ્રચંડ લોકપ્રિયતાને લીધે કૉંગ્રેસનો ઘણા પ્રાંતોમાં વિજય થયો. સ્વતંત્ર રીતે તથા ટેકાથી કૉંગ્રેસની સરકારો બની.

મુસ્લિમ લીગને બીજે તો ઠીક, મુસ્લિમોની મોટી સંખ્યા ધરાવતા પંજાબ-બંગાળમાં પણ જીત ન મળી.

સ્થાનિક પક્ષો મેદાન મારી ગયા. તેમાં વળી નહેરુ-સરદારની કૉંગ્રેસે મુસ્લિમ લીગને સત્તામાં હિસ્સો આપવાની ઇચ્છા દર્શાવી નહીં. તે ઝીણાને પડ્યા પર પાટુ જેવું લાગ્યું હશે.

ઘણા અભ્યાસીઓના મતે, આ ઘટનાક્રમ પછી ઝીણા વધુ આક્રમક બન્યા અને બેધડક કોમવાદી રાજકારણની શરૂઆત કરી.

1937માં પહેલી વાર તેમણે એવો દાવો રજૂ કર્યો કે મુસ્લિમ લીગ ભારતીય મુસ્લિમોનું પ્રતિનિધિત્વ કરતી એકમાત્ર સંસ્થા છે.

ગાંધીજીને સ્વાભાવિક રીતે જ તે મંજૂર ન હતું. કારણ કે તેઓ પોતાને ફક્ત હિંદુઓના કે કોંગ્રેસના જ નહીં, મુસ્લિમો-દલિતો સહિત સૌ કોઈના પ્રતિનિધિ માનતા હતા.

ભાગલાનો ફેંસલો અને ગાંધીજીનું વલણ

સત્તાવાર રીતે મુસ્લિમ લીગના 1940ના લાહોર અધિવેશનમાં પહેલી વાર (નામ પાડ્યા વિના) પાકિસ્તાનનો ઠરાવ પસાર થયો.

ત્યારે બધા મુસ્લિમો પાકિસ્તાનની માગણીમાં હોંશે હોંશે જોડાઈ ગયા ન હતા.

‘હિંદનો કોમી ત્રિકોણ’ પુસ્તકમાં નોંધાયા પ્રમાણે, એ જ વર્ષે દિલ્હીમાં અખિલ હિંદ આઝાદ મુસ્લિમ પરિષદ ભરાઈ.

તેમાં પાકિસ્તાનની યોજનાની આકરી ટીકા કરવામાં આવી.

જમિયત-ઉલ-ઉલેમા-એ-હિંદના વડા મુફ્તી કિફાયતુલ્લાએ કહ્યું, ‘રાષ્ટ્રીયતાની દૃષ્ટિએ વિચારતાં હિંદનો એકેએક મુસ્લિમ હિંદી છે.’

ફુંગરાયેલા અને ઝનૂને ચડેલા ઝીણાને અંગ્રેજ સરકારનો પૂરેપૂરો ટેકો હતો.

અંગ્રેજ સરકારની વર્તણૂક પરથી પણ મુસ્લિમોને એવો સંદેશો મળતો હતો કે તે મુસ્લિમ લીગને સાથ આપે. તેમાં જ એમનું ભવિષ્ય છે.

1941માં ઝીણાએ મુસ્લિમ લીગના ઉદ્દેશોમાં ફેરફાર કરીને, પાકિસ્તાન મેળવવાના હેતુને પણ તેમાં સામેલ કરી દીધો.

‘હિંદ છોડો આંદોલન’ પછી 1942થી 1945 દરમિયાન કૉંગ્રેસની ટોચની નેતાગીરી જેલમાં હતી. ત્યારે ઝીણા અને લીગને મોકળું મેદાન મળ્યું.

જેલમાંથી થોડા વહેલા બહાર આવેલા ગાંધીજીએ ઝીણા સાથે વાતચીત કરીને તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો, પણ તે નિષ્ફળ રહ્યો.

ઝીણા કોઈનું સાંભળે તેમ ન હતા અને કોઈનું સાંભળવાની તેમને જરૂર પણ ન હતી.

કારણ કે અંગ્રેજ સરકાર તેમનું લગભગ બધું સાંભળી રહી હતી અને એક પછી એક હુકમનાં પત્તાં તેમના હાથમાં મૂકી રહી હતી.

મુસ્લિમ લીગની સંમતિ વિના કોઈ નિર્ણય નહીં લેવાય, એવો કોરો ચેક આપવાથી માંડીને, મુસ્લિમ લીગના સભ્યોને પ્રધાનમંડળમાં સમાવવા જેવાં લીગતરફી પગલાં અંગ્રેજ સરકાર લેતી રહી.

1946માં ઝીણાએ આપેલા ‘સીધાં પગલાં’ના એલાન પછી કલકત્તાથી શરૂ થયેલી કોમી હિંસા અવિરત ચાલુ રહી.

એ સંજોગોમાં નેતાગીરી (નહેરુ-સરદાર)ને લાગ્યું કે ઝીણાને તેમનું પાકિસ્તાન આપી દેવાથી કદાચ શાંતિ સ્થપાય.

પાકિસ્તાનનું સર્જન અનિવાર્ય અનિષ્ટ ગણ્યાં પછી તેમણે શરત મૂકી કે પાકિસ્તાન બનવાનું હોય તો તેને આખેઆખું પંજાબ ને બંગાળ નહીં મળે. પંજાબ-બંગાળના ભાગલા થશે.

ઝીણાએ શરૂઆતમાં એવા પાકિસ્તાનને ‘ઊધઈગ્રસ્ત’ ગણાવ્યું, પણ પછી એનો જ સ્વીકાર કર્યો.

ગાંધીજીએ વાઇસરૉય લૉર્ડ માઉન્ટબેટન સમક્ષ ભાગલા નિવારવા માટે છેલ્લા પ્રયાસ તરીકે એવી દરખાસ્ત મૂકી કે ઝીણાને અખંડ ભારતના વડા પ્રધાન બનાવીને થોડા વખત સુધી તેમને રાજ ચલાવવા દેવું.

‘પરંતુ કૉંગ્રેસની નેતાગીરી આ દરખાસ્તને મંજૂર કરશે?’ એવા માઉન્ટબેટનના સવાલનો જવાબ ગાંધીજી જાણતા હતા.

તેમના શિષ્યો નહેરુ-સરદાર આ બાબતમાં તેમનાથી સામા છેડે હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button