ગુજરાત

કેમ સહકારી આગેવાનોએ જ એકબીજા સામે મોરચો માંડ્યો? શું ખરેખર જયેશ રાદડિયાએ પાર્ટી વિરૂદ્ધ કામ કર્યું!

ઈફ્કોના ગુજરાતના ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયા પાર્ટીના મેન્ડેટ ધરાવતા ઉમેદવાર બિપિન પટેલની સામે જીત્યા પછી, રાદડિયાની સામે પાર્ટીના જ કેટલાક નેતાઓ અવાજ બુલંદ કરી રહી રહ્યાં છે

ગુજરાત ભાજપે સહકારી ક્ષેત્રે પાર્ટીના મેન્ડેટ આપીને આગેવાનને ચૂંટણી લડાવવાની પ્રથા શરૂ કર્યાના ત્રણ વર્ષ પછી, ભાજપના જ સહકારી આગેવાનો બે ભાગમાં વહેંચાયા છે. કેટલાક આગેવાનો મેન્ડેટની તરફેણ કરી રહ્યાં છે જ્યારે કેટલાક ભાજપના નેતાઓ અને સહકારી આગેવાનો ખુલ્લેઆમ તો મેન્ડટ પ્રથાનો વિરોધ નથી કરતા પણ જ્યારે સહકારની કોઈ સંસ્થાની ચૂંટણી આવે ત્યારે જેમ વર્તવું હોય એમ વર્તે છે. ઈફ્કોના ગુજરાતના ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયા પાર્ટીના મેન્ડેટ ધરાવતા ઉમેદવાર બિપિન પટેલની સામે જીત્યા પછી, રાદડિયાની સામે પાર્ટીના જ કેટલાક નેતાઓ અવાજ બુલંદ કરી રહી રહ્યાં છે. રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી એના માટે નિમિત્ત બની છે. ચૂંટણી થઈ ગઈ, ચેરમેન ડિરેક્ટરો ચૂંટાઈ ગ્યા, પણ હવે મેન્ડટેથી ન્યાય અને અન્યાયની વાત કરતા ભાજપના નેતા અને સહકારી આગેવાન બાબુભાઈ નશીત, જયેશ રાદડિયા સામે પગલા લેવા માટે જાહેરમાં બોલી રહ્યાં છે. બાબુભાઈ આરોપ મુકી રહ્યાં છે કે મલાઈવાળી સંસ્થાઓમાં ચૂંટાવાની લડાઈ છે, જે સંસ્થાઓ માંદી છે ત્યાં કોઈને લડવામાં કે ડિરેક્ટર થવામાં રસ નથી. બાબુભાઈના મતે શિસ્તભંગના પગલા એટલે લેવા જોઈએ કે જે આગેવાનો વચ્ચે સહકારમાં હજુ ઈલુઈલુ બચ્યું છે એને તોડી શકાય.

રાદડિયાની જીત રહી રસપ્રદ

IFFCOમાં જયેશ રાદડિયાની જીત રસપ્રદ બાબત રહી છે. ભાજપના સહકારી આગેવાન બાબુ નશિતે જયેશ રાદડિયાની ઉંદર સાથે સરખામણી કરી છે. મેન્ડેટની વિરુદ્ધ જઇ IFFCOમાં ડિરેક્ટર ચૂંટણી જીતનાર જયેશ રાદડિયા પર ગંભીર આરોપ કર્યા છે. બાબુ નશિતના આક્ષેપોના જયેશ રાદડિયાએ સ્પષ્ટ જવાબ આપ્યા છે. તેમણે કહ્યું કે, ચૂંટણીમાં ભાજપે મેન્ડેડ આપ્યું તે પહેલા મેં ઉમેદવારી નોંધાવી હતી. મને ખબર પણ નહતી કે ભાજપે મેન્ડેડ આપ્યું છે. લોકસભા ચૂંટણીમાં મારી વિધાનસભા વિસ્તારમાં મેં પાર્ટી માટે જ કામ કર્યું છે. મેં કોઈ પાર્ટી વિરુદ્ધ કામ કર્યું નથી. જયેશ રાદડિયાએ ખોડલધામ પર પણ ગંભીર આરોપ કર્યા છે. પોતાના વિરૂદ્ધ મતદાન કરાવવા સૂચના અપાઇ હોવાના આરોપ કર્યા તેમજ જયેશ રાદડિયાના આક્ષેપોનો ટ્રસ્ટી દિનેશ બાંભણિયાએ જવાબ આપ્યો છે. ખોડલધામ ટ્રસ્ટને IFFCOની ચૂંટણી સાથે કોઈ લેવાદેવા નથી. બંને નેતાઓ સાથેના અંગત સંબંધને લઈને ભલામણ કરી હોઈ શકે.

જયેશ રાદડિયાએ શું કહ્યું?

IFFCOની ચૂંટણીમાં ભાજપે મેન્ડેડ આપ્યું તે પહેલા મેં ઉમેદવારી નોંધાવી હતી. મને ખબર પણ નહતી કે ભાજપે મેન્ડેડ આપ્યું છે. લોકસભા ચૂંટણીમાં મારી વિધાનસભા વિસ્તારમાં મેં પાર્ટી માટે જ કામ કર્યું. મેં કોઈ પાર્ટી વિરુદ્ધ કામ કર્યું નથી. રાજકોટ જિલ્લા બેન્ક અને સહકારી માળખું ખેડૂત સભાસદો પર ચાલે છે. આક્ષેપ કરનારા પોતાનું જોઈ લે તેમજ મારે ખેડૂત સભાસદોનું હિત જોવાનું છે. ખેડૂતોના હિત માટે ચૂંટણી લડી છે. કોઈ સામાજિક સંસ્થાઓએ સહકારી ક્ષેત્રમાં ન આવવું જઈએ. રાજકારણમાં સામાજિક સંસ્થાઓએ ન ઝંપલાવવુ જોઈએ. જે સામાજિક સંસ્થાઓ રાજનીતિમાં આવે છે ત્યારે સમાજનું પતન થાય છે. સમાજમાં રાજકારણ કરવાને બદલે રાજનીતિમાં આવી જવું જોઈએ. ભારતીય જનતા પાર્ટીએ નાની ઉંમરે ઘણું આપ્યું.

બાબુ નશિતે શું કહ્યું?

ભાજપ નેતા અને સહકારી આગેવાન બાબુ નશિતે ગંભીર આક્ષેપ કર્યા છે કે, IFFCOના ચૂંટણીમાં મેન્ડેટ વિરોધ ફોર્મ ભર્યું અને ચૂંટાયા છે. કોંગ્રેસમાંથી આવેલ નરેન્દ્ર સિંહ જાડેજાને લોધીકા સંઘ આપ્યું તેમજ તાલુકા ભાજપનો હું પ્રમુખ હતો,મારી સામે શિસ્ત ભગંના પગલાં લીધા. આ હાર બિપીન ગોતાની નહીં ભાજપની છે. 113 લોકોએ જેમણે જયેશ રાદડિયાને મત આપ્યા તેની સામે પગલાં લો અને ડિસ્ટ્રીક્ટ બેંકમાં રૂપાલા સામે વિરોધમાં પ્રચાર કર્યો હતો. મલાઈવાળી સંસ્થામાં કબજો છે. ડેરીના ભ્રષ્ટાચાર સામે અગાઉ મે રજૂઆત કરી હતી. ઉંદરની જેમ બધા આડેધડ દોડી રહ્યા છે. તેના માટે નિર્ણય લેવો જોઈએ,પાર્ટી વિરોધના હોદ્દા લઈ લેવા જોઈએ. ભાજપમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. કોંગ્રેસમાંથી આવેલા નેતા ભ્રષ્ટાચાર કરે છે.

રાદડિયાએ કરેલા આરોપનો જવાબ

જયેશ રાદડિયાના નિવેદન પર ખોડલધામના ટ્ર્સ્ટી દિનેશ બાંભણિયાએ પ્રતિક્રિયા આપી છે. રાદડીયાએ આપેલા સામાજિક સંસ્થાએ રાજકારણ ન કરવાના નિવેદનને લઈ પ્રતિક્રિયા આફતા કહ્યું કે, ખોડલધામ ટ્રસ્ટને IFFCOની ચૂંટણી સાથે કોઈ લેવાદેવા નથી. બિપિન પટેલ અને જયેશ રાદડીયા બંને લેઉવા પટેલ સમાજમાંથી આવે છે. બંને નેતાઓ સાથેના અંગત સંબંધને લઈને ભલામણ કરી હોઈ શકે. સમાજના લોકો અલગ અલગ પાર્ટીઓ સાથે જોડાયેલા હોય છે. કોંગ્રેસ કે અન્ય પક્ષની વિચારધારાના લોકો ટ્રસ્ટી કે મુખ્ય કારોબારીમાં હોય છે. જ્યાં સુધી ખોડલધામ ટ્રસ્ટ નિવેદન ન આપે ત્યાં સુધી અંગત બાબત કહી શકાય.

જયેશ રાદડિયાનું વર્ચસ્વ

113 મતે જીત મેળવીને IFFCOના ડાયરેક્ટર બન્યાં છે. જામકંડોરણા-જેતપુર બેઠક પરથી ધારાસભ્ય છે. રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન છે તેમજ લેઉવા પટેલ સમાજના અગ્રણી છે અનેક સામાજિક સંસ્થા સાથે જોડાયેલા છે. વિઠ્ઠલભાઇના દીકરા છે જયેશ રાદડિયા. કોલજ સમયથી રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. સ્ટુડન્ટ યુનિયના જનરલ સેક્રેટરી રહ્યાં હતા તો 2009માં કોંગ્રેસની ટિકિટ પરથી ધોરાજીના ધારાસભ્ય ચૂંટાયા હતા. 2012માં કોંગ્રેસે જેતપુરથી ટિકિટ આપી અને જીત્યા તો 2013માં વિઠ્ઠલભાઇએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો. 2013માં પેટાચૂંટણીમાં ભાજપમાંથી જીત્યા હતાં. 2017માં જેતપુરથી ફરી જીત મેળવી રૂપાણીના મંત્રીમંડળમાં મંત્રી રહ્યાં હતા. વર્ષ 2013માં ગુજરાત સરકારમાં પ્રવાસન રાજ્યમંત્રી રહ્યાં તો વર્ષ 2014માં પાણીપુરવઠા રાજ્યમંત્રી રહ્યાં. વર્ષ 2016માં અન્ન-નાગરિક પુરવઠા બાબતના મંત્રી રહ્યાં અને વર્ષ 2022માં ફરી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે જયેશ રાદડિયા.

Related Articles

Back to top button