દેશરાજનીતિ

ઝારખંડના CM હેમંત સોરેનની ધરપકડ, રાજીનામા તરત બાદ EDએ રાજભવનમાંથી પકડ્યાં

ઈડીએ જમીન કૌભાંડમાં ઝારખંડના સીએમ હેમંત સોરેનની ધરપકડ કરતાં રાજકીય વર્તૂળોમાં હડકંપ મચ્યો છે.

  • ઈડીએ ઝારખંડના સીએમ હેમંત સોરેનની ધરપકડ કરી
  • ઈડી હેમંત સોરેનને રાજીનામું આપવા રાજભવન લઈને ગઈ
  • રાજભવનમાંથી સીધા લીધા અટકાયતમાં 
  • પત્ની કલ્પના સોરેનને 4.55 એકર જમીન આપવામાં ફસાયા

રાજકીય વર્તૂળમાં હડકંપ મચાવતી એક મોટી ઘટનામાં ઈડીએ મોડી સાંજે જમીન કૌભાંડમાં ઝારખંડના સીએમ હેમંત સોરેનની રાજધાની રાંચીમાંથી ધરપકડ કરી હતી. ઈડીએ આજે સીએમ સોરેનની કલાકો સુધી પૂછપરછ કરી હતી જે પછી તેમની ધરપકડ કરવામાં આવી હતી. હેમંત સોરેન પાર્ટીના સિનિયર નેતાઓ સાથે રાજભવન જઈને રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને રાજીનામું સોંપ્યું હતું. ઈડીએ રાજભવનમાંથી હેમંતને અટકાયતમાં લીધા હતા. ગઈ કાલે ઈડીની બીકે ભાગેલા સીએમ હેમંત સોરેન 40 કલાક બાદ રાજધાની રાંચી પાછા આવ્યાં હતા અને તરત ધારાસભ્ય દળની બેઠક કરી હતી.

જમીન કૌભાંડમાં સીએમ સોરેન સામે કાર્યવાહી 

ભાજપના નેતા અને પૂર્વ સીએમ રઘુબર દાસે આરોપ લગાવ્યો હતો કે સીએમ હેમંત સોરેને તેમની પત્નીના વ્યવસાય માટે 4.55 એકરનો  પ્લોટ ફાળવવા માટે સત્તાનો દુરૂપયોગ કર્યો હતો. આદિવાસીઓ માટે બનાવવામાં આવેલા પ્લોટ પૂલમાંથી કલ્પના સોરેનની કંપની સોહરાઇ પ્રાઇવેટ લિમિટેડ માટે જમીન ફાળવાઈ હતી.

ઝારખંડમાં JMM-કોંગ્રેસની ગઠબંધન સરકાર 

ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોરચાની આગેવાનીવાળી ગઠબંધનની સરકાર છે. સોરેનની પાર્ટી જેએમએમ પાસે હાલ 29, કોંગ્રેસ પાસે 16, એનસીપી પાસે 1, આરજેડી પાસે 1 અને લેફ્ટ પાસે પણ એક સીટ છે. ભાજપ હાલ 25 બેઠકો સાથે બીજા નંબરની સૌથી મોટી પાર્ટી છે.

ઈડીએ કયા નિયમ હેઠળ સીએમની ધરપકડ કરી 

બંધારણની કલમ 361 હેઠળ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને સિવિલ અને ક્રિમિનલ એમ બન્ને કેસમાં ધરપકડમાંથી છૂટ મળી છે. જોકે પદ પર ન હોય ત્યારે તેમની ધરપકડ થઈ શકે છે. તો બીજી તરફ પીએમ, મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યોને સિવિલ કેસોમાંથી છૂટ છે પરંતુ ક્રિમિનલ કેસોમાંથી તેમની પણ ધરપકડ થઈ શકે છે. 1997માં ઘાસચારા કૌભાંડમાં લાલુ યાદવની અને 2014માં તમિલનાડુના સીએમ જયલલિતાની ધરપકડ કરવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button