નર્મદારાજનીતિ

પાડાના વાંકે પખાલી ને ડામ: કેન્દ્રીય સંચાર રાજયમંત્રી દેવુસિંહ ચૌહાણ નામના સુનામીમાં હોમાયું ઇ. ટીડીઓ નામનું નારિયેળ

નર્મદામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ટંકારી ગામે વિવાદ

નર્મદા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પયાત્રામાં વિવાદ ઉભા થઇ રહયાં છે. કેન્દ્રીય સંચાર રાજયમંત્રી દેવુસિંહ ચૌહાણની મુલાકાત વેળા જ તંત્રના ઘોડા દોડયાં ન હતાં. ટંકારી ગામે યાત્રા પહોંચી હતી અને ત્યાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કેન્દ્રીય મંત્રીની હાજરી હોવા છતાં કલેકટર, ડીડીઓ, એસપી, ટીડીઓ સહિતના જિલ્લાના મુખ્ય અધિકારીઓ જ ગેરહાજર હતાં એક માત્ર પ્રયોજના વહીવટદાર હાજર રહયાં હતાં. ઉચ્ચ અધિકારીઓ ગેરહાજર હોવાથી મંત્રી દેવુસિંહ ચૌહાણે પિત્તો ગુમાવ્યો હતો અને અધિકારીઓને જાહેર મંચ પરથી તતડાવ્યાં હતાં. તેમણે કહયું હતું કે,ડેમોક્રેટિક સિસ્ટમ છે, અહીં કોઈની રાજાશાહી નથી તેમ કહી ગેરહાજર રહેલાં અધિકારીઓનો ઉઘડો લીધો હતો. ટંકારી ગામમાં વિવાદ બાદ બીજા દિવસે જીઓરપાટી ગામે કાર્યક્રમમાં એક મહિલાએ એક મહિનાથી આવકનો દાખલો લેવા ધકકો ખાતી હોવાની ફરિયાદ કરતાં દેવુસિંહ ચૌહાણ ગરમાયા હતાં. તેમણે કલેકટરને મંચ પરથી પૂછયું હતું કે, તમને ખબર છે જિલ્લામાં આવકના દાખલાની કેટલી ટેડન્સી છે ? આ બે ઘટનાઓ બાદ નર્મદા જિલ્લાની બ્યુરોક્રેસીની છબી ખરડાઇ હતી. મંત્રી લાલચોળ થયા હોવાથી ટંકારી બાદ તમામ કાર્યક્રમોમાં ઉચ્ચ અધિકારીઓ હાજર રહેવા લાગ્યાં પણ આ દરમિયાન એક ચોંકાવનારી ઘટના બની છે.

કેન્દ્રીય મંત્રીએ ગેરહાજર આધિકારીઓની નોંધ લેતા ડીડીઓએ હાજર રહી કાર્યક્રમ દીપાવ્યો એ ઇન્ચાર્જ ટીડીઓની સાગબારા બદલી કરી દીધી છે. નાંદોદ ટીડીઓની ગેરહાજરીમાં ઇન્ચાર્જ ટીડીઓની સાગબારા બદલી કરી દેવામાં આવતાં જિલ્લામાં કર્મચારીઓમાં છૂપો રોષ જોવા મળી રહ્યો છે કેમકે પાડાના વાંકે પખાલી ને ડામ આપવા જેવો ઘાટ સર્જાયો છે. ટંકારી ગામે ઉચ્ચ અધિકારીઓની ગેરહાજરીમાં બાજી સંભાળી લેનારા અધિકારીને શરપાવના બદલે સજા મળી છે.

વિકસિત ભારત યાત્રાનો રથ ખખડધજ
લોકસભાની ચૂંટણી પહેલાં સરકારે વિકસિત ભારત યાત્રાનું આયોજન કર્યૂં છે પણ નર્મદા જિલ્લામાં તેના ધજાગરા ઉડી રહયાં છે. મંત્રી દેવુસિંહ ચૌહાણની હાજરીમાં આખા વહીવટીતંત્રની ફજેતી થઇ છે. તેવામાં રથ પર ખખડધજ હોવાથી બળતામાં ઘી હોમાયું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button